Dakshin Gujarat

પારડીનાં આ ગાર્ડનની હાલત બાળકોને રમવા લાયક પણ નથી, ભાજપના જ માજી પાલિકા પ્રમુખની ફરિયાદ

પારડી : પારડી(Pardi) નગરમાં પાલિકા(Municipality ) દ્વારા બ્યુટીફીકેશન(beautification)ના કામો હાથ ધરાયા છે. જેમાં ખાસ કરીને નગરની શોભા વધારવા વિવિધ જગ્યાએ પાલિકા દ્વારા ફુવારા(Fountain)ઓ બનાવાયા છે. પારડીમાં 7 થી 9 ફુવારા તૈયાર કરાયા છે, પરંતુ જાણે ફુવારાઓ આજે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. જેની ફરિયાદ અનેક નગરજનોએ કરી હતી.

  • માજી સીએમએ ઉદઘાટન કરેલા પારડીના લક્ષ્મીઉદ્યાનની હાલત બિસ્માર
  • પારડીના ભાજપના જ માજી પાલિકા પ્રમુખે ફોટા શેર કરી દુઃખ વ્યક્ત કર્યું

પારડી પાલિકા માજી પ્રમુખ હરીશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે લક્ષ્મીઉદ્યાન ગાર્ડન(Lakshmi Udyan Garden) બિસ્માર હાલત જોતા ભાજપ સંગઠન ગ્રુપમાં ફોટા સેર કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. જે ફોટા પારડીમાં વાયરલ થયા હતા. જે સમસ્યા બાબતે માજી પ્રમુખે પોતાના કાર્યકાળ દરમ્યાન નગરના તમામ ફુવારા ચાલુ હતા અને હાલ બંધ પડેલા ફુવારાઓ ચાલુ કરવા અને મેન્ટેનેન્સ માટે માળીની નિમણુંક કરવા પાલિકાના સીઓ, પ્રમુખ અને ભાજપ બોર્ડને રજુઆત કરી હતી.

લાખ્ખોના ખર્ચે તૈયાર થયેલા ફુવારાઓ બંધ હાલતમાં
આ ઉપરાંત પારડી પાલિકાના વોર્ડ નં. 5 ના વિપક્ષના સભ્ય દિલીપ પટેલે જણાવ્યું હતું કે નગરના 1 થી 7 વોર્ડમાં લાખોના ખર્ચે તૈયાર થયેલા ફુવારાઓ આજે બંધ હાલતમાં પડ્યા છે. જે અંગે સામાન્ય સભામાં પણ મુદ્દો ઉઠાવાયો હતો. ચીફ ઓફીસરને વારંવાર રજુઆત કરવા છતાં યે રીપેરીંગ કામ નહીં કરાવતા રોષ વ્યક્ત કર્યો હતો. જો કે પારડી નગરમાં લક્ષ્મીઉદ્યાનનું લાખો રૂપિયાના ખર્ચે હાલના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને માજી સીએમ વિજય રૂપાણીએ ઉદઘાટન કર્યું હતું. આજે તેની હાલત બાળકોને રમવા લાયક નથી, વરિષ્ઠ નાગરિકોને સાંજે બે ઘડી બેસવા માટે રહી નથી.

ખેરગામના તળાવની ફરતે બાગ હરવા-ફરવાનું સ્થળ બનાવવા માંગ
ખેરગામ: ખેરગામ ધરમપુર રોડ ઉપર આવેલા તળાવને લોકોની સુખાકારી માટે વિકસાવવામાં આવે અને આજુબાજુ મનોરંજન માટે રસ્તો બનાવી હરવા-ફરવા તેમજ બેસવા માટે બાંકડા મૂકી લાઈટ તેમજ ગાર્ડન બનાવવામાં આવે તે માટે ખેરગામના એક જાગૃત નાગરિક રમેશ સી. પટેલ દ્વારા આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીર તેમજ મંત્રી નરેશ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ ખેરગામ વિસ્તારમાં એકપણ બાગ નથી. તાલુકાનું મુખ્ય મથક ખેરગામમાં લોકોની સુખાકારી માટે તથા હરવા ફરવા તેમજ નાના બાળકોને રમવા રમાડવા માટે કોઈ સ્થળ નથી. સિનિયર સિટીઝનો માટે ચાલવા ફરવા કે શાંતિથી બેસવા માટે પણ યોગ્ય જગ્યા નથી. જ્યાં તળાવની પાળ ફરતે રોડ અથવા પેવર બ્લોક બેસાડી બેસવા માટેના બાંકડા મુકવાની સાથે ફરતે લાઈટો લગાવવા તેમજ આજુબાજુ ફુલઝાડ રોપવામાં આવે જેથી સુંદર વાતાવરણનું નિર્માણ થાય અને તળાવના કિનારા તરફ ફેનસિંગ કરવામાં આવે એવી રજૂઆત કરી છે. ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિમા મુકી તળાવને બુદ્ધ વિહાર નામ આપવામાં આવે એવી પણ લાગણી રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર બાબતે તા.15 નવેમ્બર 2021ના રોજ ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામ સભામાં પણ સમગ્ર માંગણી મુજબ સરકારની યોજનાનો લાભ મળે અને તળાવ વિકસાવવાનું કામ થાય તો ગ્રામ સભાને કોઈ વાંધો ન હોવા બાબતનો ઠરાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top