SURAT

કાપડ પછી વાસણોથી સુરતીઓનો ભરોસો જીતી રહે છે 85 વર્ષની હીરા હોમ પેઢી

લગભગ 90 વર્ષ પહેલા રાજસ્થાનના પાલી જિલ્લાના રાણકપુર પાસેના સાદડી ગામથી એક 16-17 વર્ષનો નવયુવાન કામ-ધંધાની તલાશમાં સુરત આવી પહોંચ્યો હતો. ગણતરીના વર્ષોમાં જ આ યુવકે બરાનપુરી ભાગળ વિસ્તારમાં ભાડાની દુકાનમાં શાલ, ચૂંદડી અને ટાફેટા કાપડના વેચાણની શરૂઆત કરી હતી. સુરતમાં તેમના પગલાં પડયા બાદ સાદડી ગામના બીજા લોકો પણ અહીં પોતાનું નસીબ અજમાવવા આવવા લાગ્યા અત્યારે આ ગામના 400 પરિવાર અહીં સ્થાયી થયા છે. 90 વર્ષ પહેલા સુરત આવનાર હીરાચંદ પાલરેચાના બે પુત્રો પણ આ જ ધંધા સાથે જોડાયેલા રહ્યાા. લોકો આ પેઢીને હીરાચંદ સંપતરાજ નામે ઓળખાતા.

વહેલી સવારે દુકાન ખોલવી અને ગ્રાહકો પાસેથી વ્યાજબી ભાવ લેવો તેમના આ સિદ્ધાંતને કારણે આ પેઢીની પ્રતિષ્ઠા લોકોમાં વધી. આ પેઢીમાં તેમના ભાણેજ ઉત્તમચંદ હેમરાજ રાઠોડ ભાગીદાર હતા. સમય જતા હીરાચંદના એક પૌત્રએ હોમ એપ્લાયનસીસના ધંધામાં ઝંપલાવાની ઈચ્છા વ્યક્ત કરી અને 1988માં આ પેઢીનો ધંધો બદલાયો. આ સાથે પેઢીનું નામ બદલાયું અને નવું નામ હીરાચંદના નામને વળગી રહીને હીરા હોમ એપ્લાયનસીસ રાખવામાં આવ્યું. આ પેઢીએ જાળવી રાખેલા સિદ્ધાંતને કારણે તેમના વાસણો ઘણા NRI અને સુરતીઓના કિચનની શોભા વધારી રહ્યાા છે. ચાલો આપણે જાણીએ આ પેઢીનો દિલચસ્પ ઇતિહાસ અને વર્તમાનમાં સુરતીઓ આ પેઢીના વાસણો પર કેમ વિશ્વાસ રાખે છે? તે આપણે આ પેઢીનાં ત્રીજા અને ચોથી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

વંશવેલો
હીરાચંદ કરમચંદ પાલરેચા
હસમુખલાલ હીરાચંદ પાલરેચા
સંપતરાજ હીરાચંદ પાલરેચા
મનોજ હસમુખલાલ શાહ
પ્રવીણકુમાર હસમુખલાલ શાહ
ચિંતન મનોજભાઈ શાહ
પાયસ પ્રવીણકુમાર શાહ
હર્ષિલ મનોજભાઇ શાહ

જીદ કરીને હોમ એપલાયનસીસનો ધંધો શરૂ કર્યો: મનોજ શાહ
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક મનોજભાઈએ જણાવ્યું કે, મને કાપડના ધંધામાં ઇન્ટરેસ્ટ નહીં હતો એટલે મેં દાદા સમક્ષ હોમ એપ્લાયનસીસનો ધંધો શરૂ કરવા પરમિશન માંગી હતી. એ સમય દરમિયાન અમારી આર્થિક સ્થિતિ કથળી હતી અને મમ્મીને કેન્સર થયું હતું. વળી, અમારા 2 ભાઈ અને 7 બહેનની જવાબદારી પણ હતી. એ સમયે દાદાએ નવા ધંધા માટે પરમિશન આપી એટલે રસોઈમાં ઉપયોગી વાસણો મુંબઈથી મંગાવી આજ દુકાનમાં નવો ધંધો શરૂ કર્યો. 2004માં કાપડનો ધંધો સમેટી લેવામાં આવ્યો. બાદમાં 2014માં મારા મોટા પુત્ર ચિંતને ફરી કાપડનો ધંધો શરૂ કર્યો છે. જ્યારે હોમ એપ્લાયન્સીસની અમારી દુકાનનું સંચાલન મારો બીજો પુત્ર હર્ષિલ અને મારા ભાઈ પ્રવીણકુમારનો પુત્ર પાયસ પણ અમારા બંને ભાઈઓ સાથે મળીને કરે છે.

સમૂહ લગ્નોમાં ગિફટમાં ક્રોકરી આપે છે : પ્રવીણકુમાર શાહ
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક પ્રવીણકુમારે જણાવ્યું કે, શહેરમાં જે કોઈપણ સંસ્થા દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેઓ દ્વારા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે વોટર બેગ, કેસરોલ, નોનસ્ટિક, સ્ટીલના વાસણો ગિફ્ટમાં આપવામાં આવે છે. પટેલ સમાજ, રાણા સમાજ અને અન્ય સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન થાય ત્યારે મિક્સર, કુકર, ડિનર સેટ નવયુગલોને ગિફ્ટમાં આપવામાં આવે છે. અમને સમય જતા લોકો શાહ નામથી ઓળખતા થયા.

ન્યૂઝીલેંડ, ફિજીમાં રહેતા સુરતીઓ હાર્ડ એનોડાઈઝડ વાસણ લઈ જાય છે
પ્રવીણકુમાર શાહે જણાવ્યું કે અમારા ત્યાં વેચાતા હોમ એપ્લાયનસીસ ઉચ્ચ ક્વોલિટીના હોવાથી સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ફિજીમાં વસેલા સુરતી લોકો જ્યારે નવેમ્બર, ડિસેમ્બરમાં સુરત આવે છે ત્યારે અમારે ત્યાંથી હોમ એપ્લાયનસીસ લઈ જાય છે. જેમકે, સ્ટીલના કૂકર, નોન સ્ટીક હાર્ડ એનોડાઈઝડ વાસણ લઈ જાય છે. કેનેડા અને અમેરિકામાં 110 વોલ્ટના મિક્સર અને બ્લેન્ડર લઈ જાય છે.

45 વર્ષથી નિઓલથી આવતા રણજીતભાઈ મોદી આ પેઢીમાં સેવા આપી રહ્યાં છે
મનોજભાઈએ જણાવ્યું કે મારા દાદાના સમયમાં દુકાનમાં નોકરી પર જોડાયેલા રણજીતભાઈ પહેલા નીઓલથી ચાલીને દુકાને આવતા. તેઓ 1977માં આ દુકાનમાં જોડાયા હતા. તેઓ અમારા માટે ઘરના સદસ્ય જેવા છે. તેઓ સવારથી લઇને મોડી સાંજ સુધી ગ્રાહકો સેવામાં ખડેપગે ઊભા રહે છે.

બીજા રાજ્યોમાંથી આવનારને શહેરમાં ફરી-ફરીને કાપડનો માલ અપાવતા
આ પેઢીની સ્થાપના હીરાચંદ કરમચંદ પાલરેચાએ કરી હતી. તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. તેઓ જ્યારે સુરત આવ્યા હતા ત્યારે શાલ, ચૂંદડીનું વેચાણ કરવા ઉપરાંત આડતની પેઢી ચલાવતા. રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટકથી આવતા લોકોને અહીં શહેરમાં ફરી-ફરીને કાપડનો માલ અપાવતા. તેઓ આ લોકોને જમવાની સગવડ મળી રહે તે માટે વેપારીઓને ઉપરના માળે રસોઈયો રાખી રોજ 15થી 20 વ્યાપારીઓ જમાડતા હતા. 1942માં તેમણે તેમની પત્ની શાંતાબેનને પણ સુરત બોલાવી લીધા હતી. દુકાનની ઉપર જ તેમનું ઘર હતું.

સંપતરાજ અને તેમના બીમાર પત્નીને બે દિવસ ભૂખ્યા રહેવું પડયું હતું
હીરાચંદ પાલરેચાના નાના પુત્ર સંપતરાજ અને તેમના પત્ની દુકાનની ઉપરના મકાનમાં રહેતા હતા. 2006માં સુરતમાં રેલ આવી ત્યારે દુકાનમાં પાણી ભરાયા હતા. આવી સ્થિતિમાં સંપતરાજ અને તેમના બીમાર પત્ની બે દિવસ ભૂખ્યા રહ્યા હતા અને સંપતરાજની પત્નીનું ડાયાલિસિસ પણ થઈ શક્યું નહોતું. સંપતરાજ ભણવામાં ખૂબ હોંશિયાર હતા. તે વખતે 7મા ધોરણમાં બોર્ડની પરીક્ષા લેવાતી જેમાં તેઓ આખા ગુજરાતમાં પ્રથમ નંબરે પાસ થયા હતા.

આસપાસના ગામડાઓમાંથી લોકો અહીં ચૂંદડી, ટાફેટા કાપડ ખરીદવા આવતા
1962માં હીરાચંદ પાલરેચાના પુત્ર હસમુખલાલ ધંધામાં જોડાયા ત્યારે સુરતની આસપાસના ગામો જેમકે, ઇલાવ, ભાડભૂત, દાંડી, કટારમાં, ઓલપાડ, સાયણ, બારડોલી વગેરે જગ્યાઓ પરથી લોકો શાલ, ચૂંદડી, ટાફેટા (એક જાતનું ચમકીલું કાપડ) ખરીદવા આવતા. શાલ અને ચૂંદડી રેશમ અને કોટનના રહેતા. શાલ અહીં જ બનતી હતી જ્યારે ચૂંદડી મુંબઈ અને અમદાવાદથી આવતી. 1988માં હોમ એપ્લાયાંસિસનો ધંધો ચાલુ કર્યા બાદ ટેક્સટાઇલ માર્કેટમાંની તેમની દુકાનમાં હસમુખલાલ હીરાચંદ બેસતા.

ટ્રાય પ્લાય કુકર, કઢાઈ, તપેલાનો જમાનો
અત્યારના લોકો ઝડપથી ખાવાનું બની જાય, ન્યુટ્રીશન મેન્ટેન થાય, શરીર માટે હાનિકારક નહીં હોય અને ધોવામાં સરળ પડે તે માટે ત્રણ લેયરના ટ્રાય પલાયના કુકર, કઢાઈ, તપેલા યુઝ કરે છે. આ ઉપરાંત ટ્રાય પ્લાય વિથ નોન સ્ટીક કોટિંગના વાસણ પણ યુઝ કરે છે.

મિત્ર બની ગલ્લામાંથી લાખો રૂપિયા સેરવી લીધા
મનોજભાઈએ જણાવ્યું કે શહેરની એક કરોડપતિ વ્યક્તિની સાથે તેમની મિત્રતા થઈ હતી. તે વ્યક્તિ રોજ દુકાને આવીને બેસતા એટલે તે વ્યક્તિ પર વિશ્વાસ વધતા તેને ગલ્લો સોંપવામાં આવ્યો હતો. પણ પછી એવું થવા લાગ્યું કે વસ્તુઓ વધારે વેચાતી તેની સામે આવક ઓછી દેખાતી એટલે ચોપડા તપાસવામાં આવ્યા ત્યારે ખબર પડી કે તેમણે વિશ્વાસઘાત કરી લાખો રૂપિયા સેરવી લીધા હતા.

એક દુર્ઘટનાને કારણે રમકડાનું વેચાણ બંધ કર્યું
મનોજભાઈએ કહ્યું કે તેઓ દુકાનમાં બાળકો માટેના રમકડાં પણ વેચતા હતા. પણ એક રમકડું તેમના દીકરા ચિંતનને આંખ પાસે વાગ્યું હતું. તેઓ દીકરાને ઉંચકીને દોડતા-દોડતા ડૉકટર પાસે પહોંચ્યા હતા. દીકરાની આંખ માંડ બચી હોવાનું ડોક્ટરે કીધું હતું ત્યારબાદથી તેમણે રમકડાં વેચવાનું બંધ કર્યું હતું.

Most Popular

To Top