પ્રાથમિક પરીક્ષામાં 51971 ઉમેદવારો પાસ, 35% ગુણ સાથે મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય
( પ્રતિનિધિ )વડોદરા,તા.12
સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક ટેટ એચએસ ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.
ટેટ-એચએસની મુખ્ય પરીક્ષાનું આયોજન તારીખ 2 ઓગસ્ટ 2026 ના રોજ કરવામાં આવશે. પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો તેમની હોલ ટિકિટ તારીખ 20 જુલાઈ 2026 થી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોએ હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે વેબસાઈટનો જ ઉપયોગ કરવાનો રહેશે. બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જાહેરનામાની અન્ય તમામ બાબતો અને નિયમો યથાવત રહેશે. ટેટ-એચએસની પ્રાથમિક પરીક્ષા માટે રાજ્યભરમાંથી કુલ 1,65,024 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. જેમાંથી પરીક્ષાના દિવસે કુલ 1,47,584 ઉમેદવારો હાજર રહ્યા હતા. બોર્ડે ગત 16 જૂનના રોજ આ પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર કર્યું હતું. નિયમ અનુસાર, મુખ્ય પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષામાં ઓછામાં ઓછા 35 ટકા એટલે કે 70 કે તેથી વધુ ગુણ મેળવવા ફરજિયાત હતા. આ કસોટીમાં રાજ્યના કુલ 51,971 ઉમેદવારો 35 ટકા કે તેથી વધુ ગુણ મેળવીને સફળ થયા છે. હવે આ તમામ ઉમેદવારો 2 ઓગસ્ટના રોજ યોજાનારી મુખ્ય પરીક્ષામાં ભાગ લેશે. દરમિયાન, સુપ્રીમ કોર્ટ દ્વારા શિક્ષકો માટે ભરતી કે નોકરી ચાલુ રાખવા માટે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે તેના વિરોધમાં અને સરકાર આ નિર્ણય પાછો ખેંચે તેવી માંગ સાથે ગતરોજ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોએ મોટી સંખ્યામાં ધરણા પણ કર્યા હતા. પ્રાથમિક શિક્ષક સંઘના અગ્રણીએ જણાવ્યું કે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનું ધરણા કરવામાં આવ્યું હતું. જેમાં અનેક જિલ્લાઓમાંથી શિક્ષકો ઉપસ્થિત રહીને વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષકોની માંગ છે કે 2010 પહેલાના જે શિક્ષકો નોકરી કરી રહ્યા છે તેમને ટેટ માંથી મુક્તિ આપવામાં આવે. શિક્ષક ભરતી પ્રક્રિયા અને ટેટ ના મુદ્દાને લઈને રાજ્યના શિક્ષણ જગતમાં હાલ ચર્ચા જોરશોરમાં છે. ત્યારે 2 ઓગસ્ટની મુખ્ય પરીક્ષા હજારો ઉમેદવારોના ભવિષ્ય માટે નિર્ણાયક બનશે.