Charchapatra

તલાટીનો શેરો

તલાટી કાયદાકીય વિષયમાં અલ્પશિક્ષિત પણ મહેસુલી દફ્તરના વ્યવસ્થા તંત્રમાં વહીવટી ક્ષેત્રે કાબેલિયત એ દાદ હોય છે એ માટે તલાટી થવા નોકરીઓમાં લાખો રૂપિયાના ભાવ બોલાય છે, અસલ વડવાઓ કહેતા જીવનમાં પાડોશી તરીકે વકીલ,તલાટી અને પોલીસને નહીં રખાય, અન્યથા તેઓ ડોસી અને પાડોશીને પણ હેરાન કરી નાંખે ! ખેર, તલાટીનો ખોટો એક શેરો સુપ્રીમ કોર્ટ સુધી દોડાવે, એ માટે શક્ય હોય ત્યાં સુધી તલાટી સાથે સંબંધ નહીં બગાડાય ! કોર્ટના ચક્કરમાં હારેલા થાકેલાએ કહ્યું 20 વર્ષ પૂર્વે તલાટીને 5000 આપી દીધા હોત તો… !

સુપ્રીમ સુધી મંઝિલ કાપવી નહીં પડત… ! હાલ તલાટી થવા માટે ઘણાં ઉત્સુકો પરીક્ષા આપી રહ્યાં છે. તેઓને શુભેચ્છાઓ આપી જણાવું છું કે, ઘટના એવી બની કે, એક શહેરમાં IAS કલેકટરના ઘરની સામે એક ધોરણ : 10 નાપાસ તલાટીએ ઘર ખરીદી લીધું. બંનેને બે બે બાળકો હતાં. એક દિવસ શેરીમાં આઈસ્ક્રીમ વેચવાવાળો આવ્યો તો તલાટીનાં બાળકોએ કહ્યું કે અમારે આઈસ્ક્રીમ ખાવું છે. તલાટીએ તરત 20 રૂપિયા આપ્યા અને કહ્યું, જાવ, ખાઈ લો. આઈસ્ક્રીમવાળો કલેકટરના ઘર સામે પહોંચ્યો તો તેનાં બાળકોએ પણ આઈસ્ક્રીમ ખાવા માટે કહ્યું. કલેકટર બોલ્યા, બાળકો તે ખરાબ હોય છે, સારું નથી હોતું, બીમાર પડી જશો.

બાળકો બિચારાં દુઃખી થઇને બેસી ગયાં. બે દિવસ પછી દાણા ચણાવાળો શેરીમાં આવ્યો. ફરી તલાટીનાં બાળકોએ દાણા ચણા ખાવાની ઈચ્છા દર્શાવી, તો તલાટીએ તરત 20 રૂપિયા આપ્યા અને બાળકોએ દાણા ચણા ખાધા. હવે દાણા ચણાવાળો કલેકટરના ઘર પાસે પહોંચ્યો તો તેનાં બાળકોએ પણ દાણા ચણા ખાવાની જીદ કરી. કલેકટરે કહ્યું કે દીકરાઓ આની ઉપર ધૂળ લાગેલી હોય છે, તેનાથી રોગ થઇ જાય છે. બાળકો ફરી મોઢું ચડાવીને બેસી ગયાં. થોડા દિવસો પછી શેરીમાં મદારી આવ્યો, જે વાંદરો નચાવી રહ્યો હતો.તલાટીનાં બાળકોએ કહ્યું કે અમારે વાંદરા સાથે રમવું છે.

તલાટીએ મદારીને 50 રૂપિયા આપ્યા અને થોડી વાર બાળકોને વાંદરા સાથે રમવાનું કહી દીધું. બાળકો ખુશ. હવે કલેકટરનાં બાળકોએ પણ કહ્યું કે, અમારે પણ વાંદરા સાથે રમવું છે. તો કલેકટર બોલ્યા, અરે કેવી ગંદી વાત છે. વાંદરા જનાવર છે,કરડી લે છે. એ કોઈ રમવાની વસ્તુ છે?! બાળકો બિચારાં ફરી ચૂપ ચાપ બેસી ગયાં. થોડા દિવસો પછી કલેકટરે પોતાનાં બાળકોને પૂછ્યું કે, તમે મોટા થઈને શું બનવા માંગે છો? તો બાળકોએ ફટાકથી જવાબ આપ્યો,“તલાટી’’ એ વાસ્તે, તલાટીની પરીક્ષાના ઉમેદવારોને ભાવિ તલાટી થવા બદલ શુભકામનાઓ !
સુરત- સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સુરક્ષા પૂરી પાડો, ગટરમાં ઊતરતા શ્રમિકોની
શહેરોની ગટર સફાઈ  માટે ઊતરેલા શ્રમિકો ગૂંગળાય ને મરણ-શરણ થયાના સમાચાર વાંચી આપણને જરૂર દુ:ખ થાય જ. એકાદ વાર કોઈ અધિકારીએ ગટરમાં ઊતરવાનું સાહસ કરવા જેવું ખરું ! ગટરમાં ઊતરી મરી જતાં શ્રમિકો પ્રત્યે આપણને જરા જેટલી અનુકંપા નથી ! એ શ્રમિકોનો પરિવાર કેટલો લાચાર બની જતો હોય છે એ તો જેના ઉપર વીતે એ જ જાણે. જે તે અધિકારીઓએ સ્વ રક્ષણનાં તમામ સાધનો સાથે ઓકિસજન, બાટલા સહિતની આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની તાતી જરૂરિયાત જણાય છે. જો શ્રમિકોને સ્વરક્ષણની સુવિધા આપવામાં આવે તો હૃદય કંપાવતા દુ:ખદાયક અકસ્માતો જરૂર ટાળી શકાય એમ છે.
સુરત     – રમેશ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top