SURAT

સુરતમાં મેટ્રો પ્રોજેક્ટનો ધમધમાટ: અંડરગ્રાઉન્ડ રૂટનો સરવે શરૂ કરાયો, GMRCએ કરી આ જાહેરાત

સુરત: શહેરના ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રો રેલ પ્રોજેકટની (Surat Metro Rail Project) કામગીરીનો ધમધમાટ વધી રહ્યો છે. જુદા જુદા પ્રકારના સરવે અને સોઇલ ટેસ્ટિંગ (Soil Testing) ચાલુ છે. તેમજ મેટ્રો રેલના રૂટ પર આવતી મિલકતોના મિલકતદારોને નોટિસ આપવાનું શરૂ કરી દેવાયું છે. જયારે બીજી બાજુ અંડર ગ્રાઉન્ડ રૂટની (Under Ground Route ) આસપાસ જે મિલકતો (Property) જર્જરિત હોય તેને મેટ્રો રેલ પસાર થાય ત્યારે અસર થવાની સંભાવના હોય આવી જર્જરિત મિલકતોનો સર્વે કરીને તેની પણ યાદી તૈયાર કરી દેવાઇ છે. આ મિલકતને થનારી અસર બાબતે પણ વિવિધ યંત્રો દ્વારા અભ્યાસ કરીને ત્યાર બાદ તેના નિવારણ માટેના આયોજનો હાથ ધરાશે.

મેટ્રો રેલ પ્રોજેકટના સરથાણાથી ડ્રીમ સિટી સુધીના 21 કી.મી.ના રૂટમાં કાપોદ્રાથી ચોકબજાર સુધી અંડરગ્રાઉન્ડ રૂટ છે, જેમાં છ સ્ટેશનો આવે છે. આ રૂટ પર જમીનની અંદરથી બોરિંગ કરીને કામ શરૂ થશે ત્યારે કેટલી મિલકતોમાં તેનું કેટલું વાઇબ્રેશન થઇ શકે છે? તે ચકાસવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે તેના માટે જીએમઆરસીએ ભૂગર્ભ રેલ રૂટ ઉપર હયાત મિલકતોમાં કેટલી મિલકતો જર્જરિત છે? તેની યાદી તૈયાર કરી દીધી છે.

જીએમઆરસી (GMRC) આ પ્રક્રિયા માટે મેટ્રો રેલની ઝડપથી અથવા ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)થી ઉત્પન્ન થનાર વાઇબ્રેશન જેટલું એક સેન્સર રૂટને અડીને આવેલી કેટલીક મિલકતો ઉપર લગાડી તેનું મોનીટરિંગ કરશે. આ ડેટાના આધારે શું તકેદારી રાખવાની છે? તે નક્કી કરાશે. મિલકતોને સરવેના આધારે સ્ટ્રેન્થ સર્ટિફિકેટ પણ અપાશે. આ સર્વે માટે મિલકતદારો પાસે સરવેમાં સંમતિ માટે ફોર્મ ભરીને સંમતી લેવાનું શરૂ કરી દેવાયું છે. સરવે દરમિયાન મિલકતને નુકસાન થાય તો તેનો ખર્ચ જીએમઆરસી ભોગવશે. ખાસ કરીને કોટ વિસ્તારમાં જર્જરીત મિલકતો વધુ છે તેથી અહી મેટ્રોના અધિકારીઓ ફુંકી ફુંકીને આગળ વધી રહયા છે.

રૂટમાં આવતી મિલકતોના માલિકોને ઘરે ઘરે જઇને માહિતી અપાશે

જીએમઆરસીના અધિકારીઓના જણાવ્યુ મુજબ અંડર ગ્રાઉન્ડ રૂટ જમીનની સપાટીથી 40 મીટર સુધી નીચે હોઇ શકે છે. આ ઊંડાઇમાં બોરિંગ કરતી વખતે પણ અમુક અંશે તેનું કંપન થઇ શકે છે. જેથી જમીન ઉપર તેની કોઇ અસર થશે કે નહીં તે ચકાસી લેવામાં આવશે. રૂટની ઊંડાઇ ખૂબ નીચે હોવાથી હયાત મિલકતોને કંપનની કોઇ અસર થાય તેમ નથી. તેમ છતાં જર્જિરત મિલકતોમાં તેના કંપન અનુભવાય તેવી સંભાવનાએ જીએમઆરસીએ રૂટ ઉપરની ખાનગી મિલકતોમાં રેલ પસાર થાય તે અંગે ટીબીએમ મશીન જેવું વાઇબ્રેશન સેન્સર મૂકી તેની અસર તપાસવાનું નક્કી કર્યું છે.

તેમજ સરવે માટે સહમતી આપનાર મિલકતદારોની મિલકતમાં કોઇ નુકશાન થશે તો તેનો ખર્ચ જીએમઆરસી ઉઠવાશે જો કે સરવે માટે સહમતી ન આપનાર મિલકતદારો જ્યારે ટીબીએમ મશીનથી કે ભુગર્ભમાં ટ્રેન પસાર થશે ત્યારે કોઇ નુકસાની થઇ તો તેની જીએમઆરસી કોઇ જવાબદારી લેશે નહીં. જેથી આ સરવે શરુ થાય ત્યારે મિલકતદારોએ આ કવાયતમાં ભાગ લેવા પણ જીએમઆરસીએ અપીલ કરી છે. તેમજ આ સંમતી માટે જીએમઆરસીના અધિકારીઓ રૂટની યાદીમાં આવતી મિલકતદારોને ઘરે ઘરે જઇને માહીતી આપશે.

રૂટ પર આવતી મિલકતના મિલકતદારોની પૂછપરછ વધી ગઇ

મેટ્રો રેલના સરવે આગળ વધી રહ્યાં છે તેમ તેમ રૂટ પર આવતા મિલકતદારોને જાણ થવા લાગી છે. તેથી હવે મેટ્રોના રૂટની આજુબાજુના વિસ્તારના મિલકતદારોમાં ચિંતાનો માહોલ છે. પોતાની મિલકત કેટલી કપાતમાં જાય છે કે અન્ય કોઇ અસર થાય છે તે અંગે પૂછપરછ માટે સુરત મનપા તેમજ સુડા સ્થિત જીએમઆરસીની ઓફીસમાં લાઇન લાગવા માંડી છે. જો કે એલીવેટેડ રૂટ તેમજ અંડર ગ્રાઉન્ડ રૂટ પર જે 800થી વધુ મિલકતોનો નાની મોટી અસર થાય છે. તેની યાદી તૈયાર છે. આમ છતાં મોચીની ચાલ અને કાદરશાની નાળ વગેરે જગ્યાએ નોટિસ અપાયા બાદ ચોકસાઇ કરવા માટે પણ મેટ્રોના રૂટ પર મિલકતધરાવતા મિલકતદારોની પૂછપરછ વધવા માંડી છે. દરમિયાન જીએમઆરસી દ્વારા લોકોને આ માહીતી યોગ્ય રીતે મળી રહે તે માટે સુડા સ્થિત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓને મળી શકે છે તેવું જણાવ્યું છે.

Most Popular

To Top