SURAT

સુરતના પીઢ વકીલ લલિતચંદ્ર સુખડવાળાનું નિધન

સુરત (Surat) : સુરત જિલ્લા ન્યાયાલયના મુખ્ય જિલ્લા સરકારી વકીલ (Chief District Public Prosecutor Surat) નયન સુખડવાળાના (Nayan Sukhadwala) પિતા લલિતચંદ્ર ઠાકોરદાસ સુખડવાળાનું (Lalitchandra Sukhadwala) ટૂંકી માંદગી બાદ અવસાન (Death) થતા વકીલ આલમમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. 45 વર્ષથી વધુ સમય સુધી વકીલાત કરનાર સ્વ. લલિતચંદ્ર સુખડવાળાનું જીવન સંઘર્ષથી ભરેલું હતું. ત્રણ સંતાનો અને પૌત્ર તેમજ પૌત્રી પણ સિંદ્ધાતવાદી અને સખત મહેનતમાં માનનારા વડીલ લલિતચંદ્રની જેમ હાલ વકીલાત સાથે જ સંકળાયેલા છે. ઘરના મોભીની વિદાયને પગલે પરિવારજનોને સુરતના વકીલો દ્વારા સાંત્વના આપવા સાથે આ દુ:ખની ઘડી સહન કરવાની ઇશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરી શોક સંદેશો પાઠવ્યો છે.

  • સુરત જિલ્લા ન્યાયાલયના મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાળાના પિતા લલિતચંદ્ર સુખડવાળાનું ટૂંકી માંદગી બાદ નિધનથી વકીલ આલમમાં ગમગીની છવાઈ
  • ઇશ્વર આ દુ:ખની ઘડી સહન કરવાની સુખડવાળા પરિવારને હિમ્મત આપે તેવી પ્રાર્થના : એડવોકેટ કલ્પેશ દેસાઇ

સિનિયર વકીલ કલ્પેશ દેસાઇએ વકીલ લલિતચંદ્ર ઠાકોરદાસ સુખડવાળાના નિધન ઉપર દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લલિતચંદ્ર સુખડવાળાના પત્નીનું 1985માં અકસ્માતમાં નિધન થયા બાદ ત્રણ બાળકો અને તેમની પત્નીઓની જવાબદારી લલિતચંદ્ર ઉપર આવી પડી હતી. ગરીબીના સમયમાં સંઘર્ષ કરીને એમએ, એલએલબી સુધીનો અભ્યાસ કરનાર લલિતચંદ્ર સુખડવાળાએ તેમની યુવાનીમાં નાનપુરા વિસ્તારમાં સાયકલ ઉપર કેરોસીન વહેંચીને માતા-પિતા, બહેનોનું ગુજરાન ચલાવ્યું હતું. તેમણે એંગ્લો ઉર્દૂ સ્કુલમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે પણ જવાબદારી સ્વીકારી હતી. ત્યારબાદ ન્યાયક્ષેત્રમાં જોડાઇને કેટલાય જરૂરીયાતમંદોને ન્યાય પણ અપાવ્યો હતો.

વકીલાતમાં આવ્યા બાદ લલિતચંદ્ર સુખડવાળાએ ફોજદારી તેમજ સિવિલ કેસો ચલાવીને કેટલાય લોકોને ન્યાય અપાવ્યો હતો. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ કાર્યકર પણ રહી ચૂક્યાં હતાં. અંતે 8 ડિસેમ્બર 2022 સુધી વકીલ લલિતચંદ્ર સુખડવાળાએ કોર્ટમાં હાજર રહી પોતાના કામને વળગી રહ્યા હતાં. દરમિયાન 13-12-2022ના રોજ તેમની એકાએક તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં 17 ડિસેમ્બરે તેમની તબિયત વધુ બગડતા તેમને વેન્ટિલેટર ઉપર રખાયા બાદ મંગળવારે સવારના સમયે લલિતચંદ્ર સુખડવાળાએ દુનિયાને અલવિદા કરી હતી. તેમના નિધનને પગલે વકીલો ગમગીન બન્યા છે. વકીલોએ જણાવ્યું હતું કે, છેલ્લે છેલ્લે લલિતચંદ્રએ કોર્ટના ઇલેકશન અંગે પણ માહિતી મેળવી હતી.

Most Popular

To Top