SURAT

નવા વર્ષમાં સુરતમાં 14 માળની કલેક્ટર કચેરી તૈયાર થઇ જશે, જાણો આ ટાવરની શું હશે ખાસીયત


સુરત: (Surat) સુરતમાં 30 કરોડના ખર્ચે 14 માળનો ટાવર (Tower) આ વર્ષે જ બની જશે. તેને ગ્રીન કન્સેપ્ટના આધારે તૈયાર કરવામાં આવશે. આ પહેલી એવી ઈમારત બનશે જે ચોમાસા (Monsoon) દરમિયાના આકાશમાંથી પડેલાં 2 લાખ લિટર જેટલાં પાણીનું સ્ટોરેજ કરી શકશે. આ ઉપરાંત આ ઈમારતમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ અને સોલાર સિસ્ટમની (Solar System) વ્યવસ્થા પણ કરવામાં આવનાર છે. આ ઈમારત 30 ટકા વીજળી સોલારમાંથી મેળવશે. એસવીએનઆઈટી ગેસ્ટ હાઉસની નજીકના પ્લોટમાં નવી કલેક્ટર કચેરીનું (Collector Office) નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં એક જ છતની નીચે તમામ મહેસુલી કચેરી આવી જશે. ઉપરાંત કોન્ફોરન્સ રૂમ, કેન્ટિન અને કાફે એરિયાની પણ સુવિધા ઉભી કરાશે.

આભવા-ઉભરાટ બ્રિજનું કામ શરૂ થઇ જશે
સુરત-નવસારીને જોડવા મીંઢોળા નદી પર ફોર લેન બ્રિજ બનાવવા રૂપિયા 300 કરોડની વહીવટી મંજૂરી મળી છે.જેથી સુરત-ઉભરાટનું અંતર 30 કિમી ઘટશે. સાત મહિના પહેલા મુખ્યમંત્રીએ આ બ્રિજ માટે 200 કરોડની જાહેરાત કરી હતી. માર્ગ મકાન વિભાગ દ્વારા વહીવટી મંજૂરી અપાઈ છે. મીંઢોળા નદી પર બનાવવામાં આવનાર ફોર લેન બ્રિજ માટે માર્ગ મકાન વિભાગે અંદાજિત 300 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપી છે. જો કે કેટલીક શરતો પણ રાખી છે જે પૈકી એક શરત એવી છે કે, આ કામ માટે જમીન સંપાદન કરવાની જરૂરિયાત હોય તેવા સંજોગોમાં જમીન સંપાદન અંગેની કાર્યવાહી વિભાગ કક્ષાએ સત્વરે પૂર્ણ કરાવી લેવાની રહેશે અને જમીન સંપાદન અંગેની કામગીરી પૂર્ણ કર્યા બાદ જ વર્ક ઓર્ડર આપવાના રહેશે. આ ઉપરાંત જે કામ મનરેગા હેઠળ આવરી લેવાય એમ હોય તેવા કામોનો ખર્ચ મનરેગા યોજના હેઠળ ઉધારવામાં આવે તે અંગેની તકેદારી વિભાગે રાખવાની રહેશે. આ ઉપરાંત આ પુલના કેટલાક ભાગનું ટેન્ડરિંગ પણ કરી દેવામાં આવ્યું છે. આ પુલને ટ્વિનસિટી સુરત-નવસારી માટે પણ મહત્વનો ગણવામાં આવે છે.

કાંકરા ખાડી પાસે બાયોડાયવર્સિટી પાર્કનું કામ શરૂ થશે
વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ડૉ. હેડગેવાર બ્રિજથી ભીમરાડ-બમરોલી બ્રિજ સુધીના ભાગમાં કાંકરા ખાડી પાસે આશરે ૮૭.૫૦ હેક્ટર ખુલ્લી જગ્યામાં બાયોડાયવર્સિટી પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રૂ.૧૩૯ કરોડના ખર્ચે તૈયાર થનારા આ બાયોડાયવર્સિટી પાર્કમાં ૧૩ કિમી લાંબી વોકિંગ ટ્રેઈલ્સ, વોકિંગ ટ્રેઈલ્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિત ૮૫ જાતની વિવિધ વનસ્પિતઓ તેમજ ૬ લાખ જેટલાં વિવિધ વૃક્ષો અને છોડવાંઓ વગેરે જેવી અત્યાધુનિક એમેનિટીઝ ઉભી કરાશે. આ પાર્કનું કામ આ વર્ષે શરૂ થઇ જશે.

સ્મીમેરના A-B બ્લોકનું વિસ્તૃતિકરણ થશે
સ્મીમેર હોસ્પિટલમાં વિવિધ ઓપીડીમાં દૈનિક ૩૫૦૦ દર્દીઓને આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે. તેમજ વર્ષે ૨૦૦ અન્ડર ગ્રેજ્યુએટ અને ૧૨૩ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૩.૪૭ કરોડના ખર્ચે સ્મીમેર હોસ્પિટલના G-H બ્લોક સ્મીમેર મેડિકલ કોલેજના A-B બ્લોકનું વિસ્તૃતિકરણ થશે.

નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું કામ શરૂ થશે
સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે રૂ.૬૩ કરોડના ખર્ચે બોયઝ હોસ્ટેલ અને રૂ.૬૦.૪૭ કરોડના ખર્ચે ગર્લ્સ હોસ્ટેલનું કામ શરૂ થશે. કુલ ૧૨૩.૪૭ કરોડના ખર્ચે ૩૦૦ રૂમોની (G+૧૧) માળની ૬૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની U.G બોયઝ હોસ્ટેલ અને ૩૦૦ રૂમોની (G+૧૧) માળની ૬૦૦ વિદ્યાર્થિનીઓ U.G ગર્લ્સ હોસ્ટેલમાં નિવાસ કરી શકશે. આ બંને હોસ્ટેલ જીમ, કાફેટેરિયા, ડાઈનિંગ હોલ, બાઈક અને ફોર-વ્હિલર પાર્કિંગ, ગાર્ડન સહિતની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.

સુરત હીરા બુર્સ કાર્યરત થઇ જશે
આખરે વિશ્વને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતને મળવા જઈ રહ્યું છે. જે તૈયાર થઇ ગયું છે. 5 જૂને સુરતના ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના કરવામાં આવશે. જેમાં 4200 ઓફિસોના માલિક એકસાથે આરતી કરાશે. એટલું જ નહીં, ડાયમંડ બુર્સ વહેલી તકે શરૂ થાય તેવા પ્રયત્નો કરાયા છે. દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પુરો કર્યો છે. આ પ્રોજેક્ટ પર વિશ્વના તમામ હીરા કિંગની નજર છે. આ ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ છે. અહીં મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં ચારગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર કરવામાં આવી છે. જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે. સૌથી અગત્યની વાત છે કે આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે. સુરત ડાયમંડ બુર્સની 300, 500 અને 1000 સ્ક્વેર ફૂટની ઓફિસોમાં ફર્નિચર માટે પઝેશન આપી દેવાયું છે. કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું હોવાથી ગણેશ સ્થાપના, મહા આરતી અને સભાસદ સ્નેહમિલનનું આયોજન 5 જૂને સાંજે 5 વાગ્યે સુરત ડાયમંડ બુર્સ ખજોદ ખાતે યોજાઇ ગયું છે 5મી ડિસેમ્બર 2017થી ડાયમંડ બુર્સનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ સુરત ડાયમંડ બુર્સનું વર્ષ 2022 સુધીમાં નિર્માણ પુરું થયું છે. જેના માટે 6000 કારીગરો, 9 મહાકાય ક્રેઈનની મદદથી બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવ્યું છે. દરરોજ 10 હજારથી વધુ સિમેન્ટના બેગના વપરાશથી ચાલી રહેલા બાંધકામના કારણે કુલ 9 ટાવરનું કોંક્રિટનું ફ્રેઈમ વર્ક સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે.

એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું વિસ્તરણ થઇ જશે
સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટે તડામાર તૈયારી ચાલી રહી છે. ટર્મિનલ બિલ્ડિંગનું વિસ્તૃતિકરણ 353 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે જે પણ હવે પૂર્ણતાને આરે છે. 23 વિમાન માટેનું પાર્કિંગ પણ તૈયાર થઇ જશે અને એપ્રોન પણ બનાવવામાં આવી રહ્યું છે જેના કારણે લેન્ડિંગ પછી વિમાન સીધુ પાર્કિગ એરિયામાં જઇ શકશે અને રન વે તરત ખુલ્લો થઇ જશે.

નવા વર્ષમાં શહેરને 7 બિજની સોગાત મળશે
સુરત શહેર ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી, ગ્રીન સિટીની સાથે સાથે બ્રિજ સિટી તરીકે પણ ઓળખાય છે. સુરત શહેરમાં હાલ 150થી વધારે બ્રિજ કાર્યરત છે. તેમજ નવા વર્ષમાં શહેરીજનોને હજી નવા 7 બ્રિજની ભેટ મળશે. શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તેમજ ટ્રાન્સપોર્ટેશન સરળતાથી થઈ શકે એ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વધુ ને વધુ બ્રિજ શહેરમાં બનાવવામાં આવી રહ્યા છે. શહેરમાં તાપી નદી પર, ખાડી બ્રિજ, રેલવે ઓવર બ્રિજ, ફ્લાય ઓવરબ્રિજ તેમજ મલ્ટિલેયર બ્રિજ બનાવી શહેર આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. શહેરમાં હાલમાં જ ગુજરાતનો સૌથી લાંબો સહરા દરવાજા મલ્ટિલેયર બ્રિજ ખુલ્લો મૂકી ઈજનેરીનું આગવું ઉદાહરણ સુરત મનપાએ પૂરું પાડ્યું છે અને આ બ્રિજની બોલબાલા ભારતમાં પણ થઈ હતી. બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતમાં 150થી વધારે બ્રિજ કાર્યરત છે અને નવા વર્ષમાં હજી 7 બ્રિજની ભેટ મળશે. જેથી શહેરીજનોને ટ્રાન્સપોર્ટેશનમાં વધુ ને વધુ સુવિધા અને સરળતા મળશે.

કયા કયા બ્રિજ ક્યારે કાર્યરત થવાની શક્યતા
સરોલીથી ઓલપાડ તરફ જતો બ્રિજ જાન્યુઆરીમાં શરૂ થશે
વેડ-વરિયાવ બ્રિજ મે-જૂન 2023
કલાકુંજ ખાડી બ્રિજ મે-જૂન 2023
ભાઠેના કેનાલ પર બ્રિજ
રત્નમાલા બ્રિજ
સચિન-સુરત-નવસારી સ્ટેટ હાઈવે
નવીન ફ્લોરીન-ભેસ્તાન બ્રિજ

નવા વર્ષમાં વધુ 50 ઈ-બસ દોડતી થશે
શહેરમાં પર્યાવરણ જાળવણીના હેતુ સાથે મનપાની માસ ટ્રાન્સપોર્ટેશનની બસોમાં તબક્કાવાર ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું પ્લાનિંગ લાંબા સમયથી શરૂ કરાયું છે. જો કે, મનપા દ્વારા કરાયેલા આયોજન મુજબ બસ સુવિધાનું ઇલેક્ટ્રિકકરણ થઇ રહ્યું નથી. મનપાએ અત્યાર સુધીમાં 300 ઇલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપી દીધો છે. પરંતુ હજુ સુધી માત્ર 177 મળી છે. જ્યારે વધુ 50 બસ આગામી મહિનામાં મળી જાય તેવી શક્યતા છે. વિસ્તૃત વિગતો મુજબ મનપા પાસે 177 ઈલેક્ટ્રિક ઉપલબ્ધ છે. જે પૈકી 120 બસ હાલ કાર્યરત છે અને આવતા મહિના સુઘીમાં વધુ 50 ઈ-બસ મળી જવાની સંભાવના છે. તેમજ આવનારા એક વર્ષ સુધીમાં શહેરના રસ્તા પર કુલ 300 ઈ-બસ દોડતી થઈ જશે તે પ્રકારનું મનપા પ્લાનિંગ કરી રહી છે. જો કે, તેમાં કેટલી સફળતા મળે છે તે જોવું રહ્યું. પ્રથમ તબક્કામાં મનપાએ 150 ઈલેક્ટ્રિક બસોના સંચાલન તથા સપ્લાય માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં કોરોના તથા અન્ય કારણોસર મનપાને સમયસર ઈલેક્ટ્રિક બસોનો સપ્લાય મળી શક્યો ન હતો. જો કે, કોરોના કાળ બાદ પણ એ જ હાલત હોય તેવી સ્થિતિ છે. હવે આવતા જાન્યુઆરી માસ સુધીમાં મનપાને વધુ 50 બસ મળી જશે તેવો દાવો મનપાનાં સૂત્રો કરી રહ્યાં છે.

વોક-વે સિટી
છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં 150 જેટલા બ્રિજ બની જતાં સુરતની નવી ઓળખ બ્રિજ સિટી તરીકેની બની જવા પામી હતી. તેમાં પણ હવે સુરત મહાપાલિકાએ બદલાતા સમયની જરૂરીયાતો સમજીને શહેરીજનો માટે એક પછી એક ‘વોક વે’ તૈયાર કરવા માંડતાં સુરત શહેરની નવી ઓળખ ‘વોક વે સિટી’ તરીકેની થશે.સુરત શહેરના મધ્યમાંથી તાપી નદી પસાર થાય છે તેમજ મનપા દ્વારા હાલ રૂંઢ-ભાઠા ખાતે બેરેજ બનાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેથી સુરત શહેરમાં તાપી નદી કાયમી સ્વરૂપે છલોછલ જોવા મળશે. જેથી તાપી નદીના કિનારે શહેરીજનો ચાલી શકે તેમજ આ ઉત્તમ હરવા ફરવા માટેનું સ્થળ બની રહે તે માટે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પણ ડેવલપ કરવામાં આવશે. જે અંતર્ગત જ તાપી નદી કિનારે વોક-વે પણ બનાવાશે.

શહીદ સ્મારક
દેશની સેના તેમજ શહીદ જવાનોના સન્માન તથા સૈન્ય બાબતે લોકોમાં વધુમાં વધુ જાણકારી થાય તેના માટે સુરતમાં શહીદ સ્મારકનું નિર્માણ કરવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે શહીદ સ્મારક બનાવવાની તૈયારીમાં છે. શહીદ સ્મારક સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનના વેસુ-આભવા મેઈન રોડ પર સિદ્ધિ વિનાયક મંદિરની પાછળ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.29 પર આ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે. કુલ 83,560 ચો.મી. જગ્યામાં આ પ્રોજેક્ટ કુલ રૂ.51.63 કરોડના ખર્ચે સાકાર થઈ રહ્યો છે. નવા વર્ષમાં શહેરીજનો માટે વધુ એક હરવા ફરવા માટેનું સ્થળ તૈયાર થઈ જશે. શહીદ સ્મારકમાં ભારતીય સેનાનો પરિચય તેમજ ઈતિહાસ લખાવી અને સંગ્રહાલય બનાવી સેનાની સંપૂર્ણ માહિતી લોકોને પ્રદાન કરવામાં આવશે. જેમાં સેનાનો ઈતિહાસ, બટાલીયનની માહિતી, સેનાની ત્રણેય પાંખ વિશેની જાણકારી, હથિયાર, તોપો, બંદૂકો, ટેન્કો, બોમ્બ તથા કારતૂસો, લડાકુ વિમાનો, યુદ્ધ પોત, સબમરિન, રડાર, હેલિકોપ્ટર વગેરેની માહિતી હશે.

નવા વરસે સુરતની જીવાદોરી સમાન કન્વેન્શનલ બેરેજનુ ખાતમુહુર્ત થશે
સુરતની પાણીની જરૂરીયાત સંતોષવા માટે એકમાત્ર સ્ત્રોત હાલ વિયર કમ કોઝવે છે તેની જગ્યાએ હવે રૂંઢ અને ભાઠાને જોડતો કન્વેન્શનલ બેરેજ બનનાર છે તેનુ ખાતમુહુર્ત નવા વરસે થઇ જશે, ટેન્ડર પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. આ બરાજથી તાપી નદી પર વધુ એક બ્રિજ ઉપરાંત 10 કીમીનું મીઠા પાણીનું સરોવર રચાશે.

Most Popular

To Top