Gujarat Election - 2022

વરાછા રોડ વિસ્તારમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા રોડ શો કરાયો

સુરત: સુરતમાં (Surat) સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં ભાજપના (BJP) ઉમેદવારોના પ્રચાર માટે વરાછા (Varacha) રોડ પર ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથનો રોડ શો યોજી વરાછાવાસીઓને રીઝવવા માટે આયોજન કરાયું હતું. જોકે, આ રોડ શોમાં મોદી જેવી ચમક જોવા મળી નહોતી.

  • રોડ શો સમયે જ હીરાના કારીગરોને છોડવામાં આવતાં ઠેરઠેર ટ્રાફિક જામ થયો
  • યોગીના રોડ શોમાં મોદીના રોડ શો જેવી ચમક જોવા મળી નહીં
  • યોગીને જોવા સામાન્ય લોકો આતુર હતા. કારખાનાં છૂટવાના સમયે જ યોજાયેલી રેલીના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
  • હીરા બાગ પાસે બુલડોઝરો ગોઠવી પુષ્પવર્ષા કરાઈ

વિસ્તૃત વિગતો મુજબ, એકે રોડ પર, ઉમિયાધામ મંદિર ખાતેથી યોગી આદિત્યનાથે ઉમિયા માતાજીના દર્શન કરીને રોડ શો શરૂ કર્યો હતો. રેલીનો સમય સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ રખાયો હતો તેમજ ભાજપ સમર્થિત કારખાનેદારોએ ઘણાં કારખાનાંમાં બપોર પછી રજા પણ રાખી હતી. યોગીને જોવા સામાન્ય લોકો આતુર હતા. કારખાનાં છૂટવાના સમયે જ યોજાયેલી રેલીના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘણા લોકો યોગી આદિત્યનાથને જોવા માટે વરાછા બ્રિજ પર ગોઠવાઈ ગયા હતા. યોગીને જોવા માટે લોકો ઉમિયાધામની આસપાસ વૃક્ષો પર અને બ્રિજ પર ગોઠવાયા હતા. જોકે, રોડ શોમાં લોકોની હાજરી મોદીના રોડ શોની જેમ જામી નહોતી.

હીરા બાગ પાસે બુલડોઝરો ગોઠવી પુષ્પવર્ષા કરાઈ
વરાછા રોડ પર ભાજપે યોગીની બુલડોઝર બાબા તરીકે ઊભી થયેલી ઇમેજને વોટિંગમાં કેશ કરવા માટે લોકોને આકર્ષવા બુલડોઝરો પણ ગોઠવ્યાં હતાં. વરાછા રોડ પર હીરાબાગ નજીક ભાજપે બુલડોઝર ગોઠવ્યાં હતાં અને ત્યાંથી યોગી પસાર થયા ત્યારે પુષ્પવર્ષા પણ કરી હતી.

પાંડેસરામાં કોંગ્રેસની સભામાં હર્ષ સંઘવીના સમર્થકોએ ‘મોદી મોદી’ના નારા લગાવ્યા
સુરત: ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે છેલ્લા દિવસોમાં તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી સભા, રેલી, ડોર-ટુ-ડોર પ્રચારમાં જોતરાયા છે. મજૂરા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈન દ્વારા શાંતાનગર ઉડિયા મંદિર-પાંડેસરા ખાતે મંદિરમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ભાજપના કાર્યકર્તાઓએ મોદી મોદીની નારેબાજી શરૂ કરી દીધી હતી.

સુરતની મજૂરા વિધાનસભામાં આવેલા પાંડેસરા વિસ્તારના સાંતા નગર ઉડિયા મંદિર ખાતે કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈનની જનસભાનું આયોજન કરાયું હતું. જો કે, બળવંત જૈનની સભા શરૂ થાય એ પહેલાં જ આ સભાને આટોપી લેવી પડી હતી. કારણ કે, અહીં ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીના સમર્થકો આવ્યા હતા અને હાથમાં કમળના કટઆઉટ લઈને અને ભાજપની ટોપી અને ખેસ પહેરીને સભા સ્થળે ‘મોદી મોદી’ તેમજ ‘હર્ષ સંઘવી’ના નારા લગાડ્યા હતા. સાથે સાથે જય શ્રી રામના નામની નારેબાજી શરૂ કરી દીધી હતી. આ ઘટનાને પગલે કોંગ્રેસના કાર્યકર્તાઓ અકળાઈ ગયા હતા.

Most Popular

To Top