SURAT

STMની લીઝ રિન્યુ કરવા ભાજપને 10 કરોડનું પાર્ટી ફંડ આપવા મામલે માર્કેટના પ્રમુખે કહી આ વાત

સુરત: (Surat) સુરત ટેક્સટાઇલ માર્કેટની (Surat Textile Market) મેનેજિંગ કમિટીએ કોઈપણ દુકાનદારને ભાજપને (BJP) 1 લાખના પાર્ટી ફંડનો ચેક આપવા કહ્યું નથી. માર્કેટે આવા કોઈ ચેક ભાજપ માટે ઉઘરાવ્યાં નથી એવો ખુલાસો કરતાં સુરત ટેક્સટાઇલ માર્કેટ એસોસિએશનના પ્રમુખ હરબંસલાલ અરોરાએ પત્રકારોને જણાવ્યું હતું કે,સુરત ટેક્સટાઈલ માર્કેટની જમીનના લીઝ (Land Lease) કેસને લઈને આજે સોશિયલ મીડિયા પર ફેલાતા ખોટા સમાચારોનું અમે સખત ખંડન કરીએ છીએ. એસટીએમ (STM) ની મેનેજિંગ કમિટીએ કોઈપણ વેપારીને કોઈપણ પક્ષને દાન આપવા માટે કહ્યું નથી. જો કોઈ વ્યક્તિ કોઈપણ પક્ષના નામે દાન માંગતી હોય તો તે તેનો અંગત અભિપ્રાય હોઈ શકે છે. તેને સમર્થન નથી. માર્કેટ કમિટીએ તેના સભ્યોને લીઝ કેસમાં એસએમસીને રૂપિયા 500,000નો ચેક આપવા જણાવ્યું છે, પરંતુ કોઈપણ પક્ષએ કોઈ દાન માંગ્યું નથી. જો કોઈ અખબારોમાં આની પુષ્ટિ કરે છે, તો તે તેમનો મત છે. માર્કેટ મેનેજમેન્ટનો મત નથી.

એક ડિરેક્ટરની મૂર્ખામીથી 10 કરોડનું પાર્ટી ફંડ ભૂલી જવું પડશે?
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં જે વેપારીઓ કોંગ્રેસી કે આપની વિચારધારાના છે તેઓ નક્કી થયા મુજબ 4 લાખ રૂપિયા જ દુકાનની લિઝ પેટે ચેકથી માર્કેટ એસોસિએશનને આપવાની જીદે ચઢ્યા છે. એસટીએમના ખાતામાંથી કોઈપણ પક્ષને પાર્ટીફંડ ન અપાય તેની પર નજર રાખી રહ્યા છે.તથા માર્કેટને ભાજપના નામે નો ચેક મળ્યા હોય તો વેપારીઓને પરત કરી દેવા પણ ચર્ચા કરી રહ્યાં છે. જો કોઈ કમિટમેન્ટ થયું હોય અને વેપારી 4 લાખનો ચેક ચૂકવે તો 10 કરોડથી વધુનું પાર્ટી ફંડ વેપારીઓનું લિઝ રિન્યુનું કામ કરી દીધા પછી ભૂલી જવાની નોબત આવી શકે છે.

આમ આદમી પાર્ટીએ STM મામલે સ્થાયી સમિતિ ચેરમેનનું રાજીનામુ માંગ્યુ
સુરત: એસટીએમ મામલે ભાજપને પાર્ટી ફંડ માટે એક લાખનો ચેક આપવાના ઊભા થયેલા વિવાદ બાદ હવે આપ પાર્ટી પણ જાગી છે. આપ પાર્ટી દ્વારા આ મામલે મનપાને 4000 કરોડનું નુકસાન થયું છે અને આ નુકસાન સ્થાયી સમિતી ચેરમેને કરાવ્યું હોવાના આક્ષેપો મુકીને ચેરમેન પરેશ પટેલના રાજીનામાની માંગ કરવામાં આવી છે.

આપના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, આપના વિરોધ પક્ષ નેતાએ તા.28-7-2021ના દિવસે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને કોર્ટે તા.15-9-2021ના દિવસે ઓરલ ઓર્ડર કરેલો તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, જે-તે જવાબદાર અધિકારી જેમ કે મનપા કમિશનર અને અગ્ર સચિવ, ગુજરાત સરકાર ગાંધીનગરને આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી જાણ કરવાની હતી. આ મુદ્દે વિરોધ પક્ષ નેતાએ તા.18-09-2021ના દિવસે લેખિત જાણ કરી હતી. પરંતુ શાસક પક્ષના દબાણ અને શાસક પક્ષે સુરત ટેક્સટાઇલ માર્કેટના દુકાનધારકો પાસેથી પાર્ટી ફંડ લેવાનું નક્કી કર્યુ હોય, તેથી આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મુદ્દે જો 7 દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો મનપાના સત્તાધીશો અને કમિશનર વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે અને પિટિશન દાખલ કરવામાં આવશે તેમ વિરોધ પક્ષ દ્વારા જણાવાયું છે.

એસટીએમમાં 1033 દુકાન છે, નવી એફએસઆઈ પ્રમાણે 4000 દુકાન બને તેમ છે, જેથી 4000 કરોડનું નુકસાન: આપ
સુરત મહાનગર પાલિકા દ્વારા સુરત ટેકસટાઇલ માર્કેટને 49 વર્ષનો જે ભાડા પટ્ટેનો કરાર હતો, તે 2017-18માં પૂર્ણ થવાથી તે સમયના સત્તાધીશોએ તેને બીજા 49 વર્ષની લીઝ પેટે 127 કરોડ રૂપિયામાં મંજૂર કર્યો હતો. જે કરારને હાલના નવા ચુંટાયેલા સત્તાધીશોએ એ જ કરાર જે 49 વર્ષનો હતો તેને બહુમતીના જોરે વધારો કરી 99 વર્ષ કરી નાંખ્યો એ પણ એકપણ રૂપિયાનો વધારો લીધા વગર. એટલે કે, હાલની પરિસ્થિતિ તેમજ જૂના પ્રવર્તમાન દર પ્રમાણે 127 કરોડનું ઓછામાં ઓછું નુકસાન થયું છે તેમ આપ દ્વારા પત્રકાર પરિષદમાં જણાવાયું હતું. રિંગ રોડ પરની માર્કેટ જેની સ્ટ્રક્ચર રિપોર્ટની પણ જરૂરિયાત છે. આ બિલ્ડિંગની જગ્યાએ નવી FSI પ્રમાણે ગણવામાં આવે તો વર્તમાન 1033 દુકાન છે, તે નવા FSI મુજબ ઓછામાં ઓછી 4000 દુકાન બનવાપાત્ર છે. એટલે એ મુજબ જો ગણવામાં આવે તો મહાનગર પાલિકાને ઓછામાં ઓછું 4000 કરોડનું નુકસાન છે તેવા આક્ષેપો આપ પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે.

Most Popular

To Top