SURAT

મહિલાઓમાં ફિટનેસ માટે જાગૃતિ લાવવા દેશમાં પ્રથમ ઐતિહાસિક સાડી વોકેથોનનું સુરતમાં આયોજન

સુરત: (Surat) ગુજરાતી સાડી (Sari), બંગાલી સાડી, ચણિયા-ચોળી, ઘરચોળુંની સાથે મહારાષ્ટ્રની શાન સમાન નવવારી સાડી પહેરી મહિલાઓ આવતીકાલે સુરતના જાણીતા અઠવાલાઈન્સ રોડ પર સુરત મનપા દ્વારા આયોજીત સાડી વોકેથોનમાં (Walkathon) ચાલતી દેખાશે. સુરત મનપા દ્વારા દેશમાં પ્રથમ વખત મહિલાઓના ફિટનેસ માટે સુરતમાં આ સાડી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાડી વોકેથોન સવારે અઠવાલાઈન્સ, પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થશે અને પાર્લે પોઈન્ટ જાની ફરસાણથી પરત થઈને 3 કિ.મી. ચાલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આવશે. સીન્થેટિક સાડી માટે સુરત આખા વિશ્વમાં સૌથી મોટું હબ મનાય છે ત્યારે સુરતના આ સાડી વોકેથોનનું આયોજન ઐતિહાસિક બની રહેશે.

સુરતના મ્યુનિ.કમિ. શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સવારે 6-30 કલાકે શરૂ થનારી આ ઈવેન્ટમાં આશરે 15 હજાર જેટલી મહિલાઓ જોડાશે. સુરતમાં પ્રથમ વખત યોજાઇ રહેલી આ 3 કિ.મી.ની સાડી વોકેથોનને લઈ મહિલાઓનાં ગ્રુપોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ રાજ્યોની વિશેષતા દર્શાવતી સાડીઓ પહેરીને વોકેથોનમાં જોડાવાની સાથે સાથે મહિલાઓનાં ગ્રુપો દ્વારા ચણિયા-ચોળી, એક સમાન કલરકોડ કે એક સમાન સ્ટાઇલમાં સાડી ધારણ કરી વોકેથોનમાં જોડાવવા માટે તૈયારીઓ કરાઇ હોવાથી આ ઇવેન્ટ જમાવટ પકડશે. સાડી વોકેથોનને લઇ નવરાત્રિ જેવો માહોલ છવાયો છે.

સાડી વોકેથોનમાં વિશેષ શું શું હશે

  • સવારે 6:30 વાગ્યાથી રજીસ્ટ્રેશન અને વોકેથોન શરૂ થઈ જશે
  • પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ કરીને પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો 3 કિ.મી.નો રૂટ રહેશે
  • અંદાજીત 15,000 મહિલાઓ જોડાવવાનો અંદાજ
  • સુરતની વિવિધ સંસ્થાઓની મહિલાઓ જોડાશે
  • રાજ્યની મહિલા મેયરો, ધારાસભ્યો, સાંસદો પણ જોડાશે
  • જી20 સાથે જોડાયેલા ડબલ્યુ 20ના ચેરપર્સન પણ હાજરી આપશે
  • પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઝુમ્બા, યોગા ગરબા પણ થશે.

વોકેથોનમાં ભાગ લેનાર મહિલાઓને વિનામૂલ્યે પાણીપુરી આપવામાં આવશે
આ ઈવેન્ટના અંતે વોકેથોનમાં ભાગ લેનાર મહિલાઓને ઉમરા પાર્ટી પ્લોટ ખાતે આવેલા સ્ટોલમાં વિનામૂલ્યે પાણીપુરી આપવામાં આવશે. સાથે સાથે ખમણ સહિતની સુરતના ફેમસ નાસ્તાના સ્ટોલ પણ લગાડવામાં આવ્યા છે. જ્યાં ડિસ્કાઉન્ટથી નાસ્તો આપવામાં આવશે

નર્મદ યુનિ.ની વિદેશની 20 વિદ્યાર્થિનીઓ પણ સાડી પહેરીને વોકેથોનમાં જોડાશે
શહેરમાં ભણતી વિદેશની વિદ્યાર્થિનીઓ પણ આ સાડી વોકેથોનમાં ભાગ લેશે. તેઓ દ્વારા પણ આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આશરે 20 જેટલી વિદ્યાર્થિની સાડી પહેરીને વોક કરશે. આ ઉપરાંત શહેરમાં રહેતી વિદેશી યુવતીઓ પણ આ ઈવેન્ટમાં ભાગ લેશે.

સાડી વોકેથોનના રૂટ પર 4 સ્ટેજ પણ બનાવાયા, ડીજે સાથે મહિલાઓ ચાલશે
સાડી વોકેથોનની શરૂઆત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી થશે અને પાર્લે પોઈન્ટ, જાની ફરસાણ અને ત્યાંથી પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી આવશે. આ રૂટ પર વચ્ચે વચ્ચે 4 સ્ટેજ બનાવાયા છે. જેમાં ડી.જે લગાવાયા છે. જેથી મહિલાઓ સંગીતના તાલે વોકેથોનનો આનંદ લેશે.

વિશ્વના 20 દેશોમાં સુરત મનપાના સાડી વોકેથોનની નોંધ લેવાશે
સુરતના આ સાડી વોકેથોનની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે અને આ ઈવેન્ટમાં જી-20 સાથે સત્તાવાર રીતે જોડાયેલા W20(વુમન 20) ગ્રુપના ચેરપર્સન ડો.સંધ્યા પુરૈયા પણ જોડાશે. સુરતના મેયર હેમાલી બોઘાવાલા અને મ્યુનિ.કમિ. શાલિની અગ્રવાલ દ્વારા આ માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી છે.

Most Popular

To Top