SURAT

મુંબઇ-મહુવા એક્સપ્રેસ ટ્રેનને સુરત-મહુવા વચ્ચે ડેઇલી દોડાવવા રેલવેમંત્રીને રજૂઆત

સુરત: (Surat) વેસ્ટર્ન રેલવે (Western Railway) દ્વારા સપ્તાહમાં બે દિવસ મુંબઇથી ભાવનગરના મહુવા (Mahuva) રેલ્વે સ્ટેશન સુધી મુંબઇ-ભાવનગર એક્સપ્રેસ દોડાવવામાં આવે છે. આ ટ્રેનનો સમય પણ યોગ્ય નહીં હોવાથી મુંબઇ અને સુરતમાં વસતા મહુવાની આસપાસના તાલુકાના લોકો આ ટ્રેનનો જોઇએ એવો લાભ ઉઠાવી શકતા નથી. મુંબઇથી (Mumbai) મોટાભાગે આ ટ્રેન ખાલી સુરત આવે છે. લાંબા સમયથી સુરત ડાયમંડ એસોસિયેશન, ચેમ્બર ઓફ કોમર્સ આ ટ્રેનને સાંજે સુરતથી ઉપાડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

દર્શના જરદોશ સાંસદ હતા ત્યારે તેઓ પણ આ ટ્રેનને સુરત મહુવા વચ્ચે ડેઇલી કરવા સતત રજૂઆતો કરતા આવ્યા છે. હવે જરદોશ રેલવે રાજ્યમંત્રી બનતા નવીદિલ્હી પહોંચેલા ચેમ્બરના પ્રતિનિધિમંડળે મુંબઇ-મહુવા ટ્રેનને સુરત-મહુવા વચ્ચે ડેઇલી ટ્રેન તરીકે સાંજે શરૂ કરવા માંગ કરી છે. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં જવા માટે માંડ એકાદ-બે ટ્રેનો ચાલે છે. સુરતના હીરા અને કાપડ ઉદ્યોગમાં ભાવનગર જિલ્લાના અનેક લોકો કામ કરે છે.

લાંબા સમયથી આ ટ્રેનને મુંબઇને બદલે સાંજે સુરતથી ઉપાડવા માંગણી ચાલતી આવી છે. મુંબઇથી આ ટ્રેન ઉપડી બે દિવસ ભાવનગર યાર્ડમાં પડી રહે છે. પછી તે સુરત થઇ મુંબઇ જવા રવાના થાય છે. ટૂંકમાં આ ટ્રેનનો યોગ્ય ઉપયોગ થતો નથી. અગાઉ સુરતના વ્યસ્ત રેલવે ટ્રેક પર વધારાની ડેઇલી ટ્રેન માટે જગ્યાન હોવાનું કારણ અપાતું હતું. પરંતુ હવે ઉધના-જલગાવ ડબલ લાઇન શરૂ થતા ઉત્તરભારત અને પશ્ચિમબંગાળ, ઓડિશાની ટ્રેનો અહીંથી જઇ રહી છે. તે જોતા સુરત-મહુવા વચ્ચે આ ડેઇલી ટ્રેન ચલાવવામા આવે તો ભાવનગરના લોકોને મોટો લાભ મળી શકે છે.

Most Popular

To Top