SURAT

દેશમાં પહલીવાર આવું થશે કે સુરતના રેલવે સ્ટેશનનું નામ બદલાઈ જશે! આ રીતે લાંબુ થશે નામ

સુરત: સુરત રેલવે સ્ટેશનનો ખર્ચ કાઢવા માટે આગામી દિવસોમાં સુરત રેલવે સ્ટેશનનું (Surat Railway Station) નામ બદલાઈ જાય તો નવાઈ નહીં હોય. રેલવે દ્વારા આ માટે દેશમાં પ્રથમ પ્રયોગ (Experiment) સુરતથી શરૂ કરવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશનને જે તે કંપની કે પછી વ્યક્તિનું નામ આપી શકાશે અને આ કંપની કે વ્યક્તિએ રેલવે સ્ટેશનનો ખર્ચ આપવાનો રહેશે. એટલે કે જે તે કંપની કે વ્યક્તિ સુરત રેલવે સ્ટેશન થકી પોતાનું બ્રાન્ડિંગ કરી શકશે.

  • સુરત રેલવે સ્ટેશનને જે તે કંપની પોતાનું નામ આપી શકશે, દેશમાં પ્રથમ પ્રયોગ
  • દેશના જાણીતા કોર્પોરેટ હાઉસ અને ગ્રુપને રેલવે દ્વારા નામ આપવા માટે ઈન્વિટેશન મોકલી ઓનલાઈન બીડ મંગાવવામાં આવી
  • સ્ટેશનનો ખર્ચ કાઢવા માટે રેલવે દ્વારા નવતર આયોજન કરવામાં આવ્યું

સુરત રેલવે સ્ટેશનને નવું નામ આપવા માટે દેશના જાણીતા કોર્પોરેટ હાઉસોને રેલવે દ્વારા ઈન્વિટેશન મોકલી ઓનલાઈન (Online) બીડ (Bid) મંગાવવામાં આવી છે. જે તે કંપની કે પછી વ્યક્તિને 3 વર્ષ માટે સુરત રેલવે સ્ટેશનને પોતાનું નામ આપવાનો પરવાનો આપવામાં આવશે. આ બ્રાન્ડિંગ (Branding) દાખલા તરીકે સુરત જીવરાજ ચા, સુરત જીઓ, સુરત આઇડિયા જેવું હોઈ શકે છે. સુરતમાં જાણીતી કાપડ મિલ તથા હીરા ઉદ્યોગ આ બીડ ભરવા માટે દોડી રહ્યા છે. જે તે કંપનીના નામની સાથે તેનો લોગો પણ આ નવા નામમાં જોડી શકાશે. ઓન લાઇન બીડમાં નિયત થયા પછી દસ દિવસમાં જે તે કંપનીએ તેના નાણા ચૂકવવા પડશે. ધોળકિયા ડાયમંડ, જીવરાજ ચા, લક્ષ્મીપતિ ગ્રુપ, જીઓ, આઇડિયા-વોડાફોન, રિલાયન્સ, આર્સેલર ગ્રુપ, જેવા ગ્રુપ સુરત સ્ટેશન સાથે પોતાનું નામ જોડવા માટે રેસમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

એક વર્ષ પહેલાં સી.આર. પાટીલે સુરત રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટ માટે આ જાહેરાત કરી હતી
તમને જણાવી દઈએ કે એક વર્ષ પૂર્વે ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રમુખના પદગ્રહણ સમારોહમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સુરત રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટ માટે કેટલીક જાહેરાતો કરી હતી. પાટીલે કહ્યું હતું કે, સુરત રેલ્વે સ્ટેશનના કોમર્શિયલ એરિયાને રિઝર્વ રાખી ઓપરેશનલ એરિયાને ડેવલપ કરવા માટે કેન્દ્ર સરકારે 850 કરોડનો ખર્ચ એમેનિટિઝ માટે જાતે કરવાનો નિર્ણય લીધો છે. તેને લગતા ટેન્ડર પણ ઇશ્યુ કરી દેવામાં આવ્યા છે. એવી જ રીતે 400 કરોડના ખર્ચે ઉધના સેટેલાઇટ રેલ્વેસ્ટેશન બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. ઉધનામાં અત્યારે 4 પ્લેટફોર્મ છે. બે પ્લેટફોર્મ વધારાના બનાવવાની પ્રક્રિયા કરવામાં આવી છે. ગાંધીનગરમાં સરકારે 700 કરોડના ખર્ચે મોડેલ રેલ્વે સ્ટેશન તૈયાર કર્યુ છે. તેમાં 400 બેડની હોટલ બનાવવામાં આવી છે. તે પ્રકારે સુરત રેલ્વે સ્ટેશને એમિનિટિઝ એરિયાનું કામ પુરૂં થયા પછી ફેસ-2માં કોમર્શિયલ એરિયાનું કામ હાથ પર લેવાશે.

Most Popular

To Top