SURAT

સુરત પોલીસની બેનમૂન કાર્યવાહી: રાજ્યમાં પહેલી વખત હિટ એન્ડ રનના આરોપીને પાસા

સુરત: (Surat) દારૂ-જુગાર સહિતના ગંભીર ગુનાઓમાં પાસાની કાર્યવાહી થતી જ હોય છે. પરંતુ સુરત પોલીસે (Police) રાજ્યમાં પહેલીવખત હિટ એન્ડ રનના (Hit And Run) આરોપી સામે પાસાનું હથિયાર ઉગામ્યું છે. આ સાથે જ ઉમરા પોલીસમાં બે વખત સ્પાની આડમાં દેહવેપાર કરાવનાર આરોપી સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

  • સુરત પોલીસની બેનમૂન કાર્યવાહી: રાજ્યમાં પહેલી વખત હિટ એન્ડ રન કરનાર આરોપી સામે પાસા
  • સ્પાની આડમાં દેહવેપારના ગુનામાં બે વખત પકડાયેલા આરોપી સામે પણ પાસા હેઠળ કાર્યવાહી
  • મિત્રના પુત્રની બર્થડે પાર્ટીમાં દારૂ પીને નીકળી બેફામ કાર હાંકી 5 ને અડફેટે લીધા હતા

ઉત્રાણ ખાતે રહેતો યુવાન સાજન પટેલ ગત 30 જુલાઈએ રાત્રે તે પોતાના મિત્રના પુત્રની બર્થ ડે પાર્ટીમાંથી ચિક્કાર દારૂના નશામાં ઘરે જવા નીકળ્યો હતો. દરમ્યાન એક મિત્રને ઘરે ઉતારવાનો હોવાથી કાપોદ્રામાં રામરાજ્ય સોસાયટીમાં તેના મિત્રને ઉતારીને ત્યાંથી નીકળ્યો હતો. ત્યાંથી કાપોદ્રા શ્રીરામ મોબાઈલની દુકાન સામે આવેલ બી.આર.ટી.એસ. રોડ ઉપર વળાંકમાં જતા હતા. ત્યારે પાંચ જણાને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જયો હતો. આ પહેલા જ અમદાવાદની ઘટના પણ બની હતી. અને જેને પગલે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ઘટનાને ગંભીરતાતી લઈને સુરત પોલીસે હિટ એન્ડ રન કરતા આરોપીઓમાં કાયદાનો ભય બેસે તે માટે રાજ્યમાં પહેલી વખત પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હિટ એ્ન્ડ રનના આરોપી સાજન ઉર્ફે સની રાકેશ પટેલ (ઉ.વ.27, રહે. રાજપુત ફળિયું, બીઓબી, ઉત્રાણ) ની સામે પાસા હેઠળ કાર્યવાહી કરી અમદાવાદ મધ્યસ્થ જેલ મોકલી આપ્યો છે.

તેવી જ રીતે ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો કરાવનાર આરોપી લાલજીભાઈ ભીમજીભાઈ હડીયા (ઉ,વ,28, રહે, પથિક એપાર્ટમેન્ટ પાર્લે પોઈન્ટ) ની સામે બે વખત ગુના નોંધાતા પાસા હેઠળ કાર્યવાહી કરીને વડોદરા મધ્યસ્થ જેલ મોકલી આપ્યો છે.

આવી કાર્યવાહીથી બેફામ વાહન હાંકનારાઓ માટે લાલબત્તી
હિટ એન્ડ રન જેવી ઘટનામાં પાસા હેઠળ કાર્યવાહી થશે તો નબીરાઓમાં તથા બેફામ વાહન હાંકનારાઓમાં કાયદાનો ડર બેસશે. નહીતર નબીરાઓ કાયદાની રમત રમીને હિટ એન્ડ રનની ઘટનાને માત્ર એક અકસ્માત સાબિત કરી પૈસાના જોરે બનીને નીકળી જાય છે. પરંતુ જો સુરત પોલીસે કરી તેવી કાર્યવાહી હિટ એન્ડ રનના આરોપીઓની સામે થવા લાગી તો હકીકતમાં કાયદાનો ધાક ઉભો થશે. સુરત પોલીસની આ કાર્યવાહી આવા આરોપીઓ માટે કે પછી બેફામ કાર હાંકી બેજવાબદારી દાખવનારાઓ માટે લાલબત્તી સમાન છે.

Most Popular

To Top