SURAT

મોટાવરાછામાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલાના ગુનામાં માથાભારે રામ રજાડીને પોલીસે દબોચ્યો

સુરત: (Surat) મોટા વરાછા ખાતે પાંચ દિવસ પહેલા હત્યાના (Murder) પ્રયાસના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઉત્રાણ પોલીસની ટીમે પકડી પાડ્યા છે. માથાભારે રામ રજાડી અને વિજય ભુરીયાને પકડી પોલીસે (Police) ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. મોટા વરાછા ખાતે સૌરાષ્ટ્ર ટાઉનશીપમાં રહેતા અને ઓનલાઈન વેપાર કરતા 23 વર્ષીય ઉત્સવ હરેશભાઇ બરવાળીયા પાસેથી 15 હજારની ઉઘરાણી કરવા, દિવ્યેશ બચુભાઇ પરમાર, સુમિત ભરતભાઇ રાઠોડ, ભુરા ભગો તથા રામુ ગોધરાએ, વેપારીના પિતા અને બોટાબાપા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.

  • મોટાવરાછામાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલાના ગુનામાં માથાભારે રામ રજાડી સહિત બે ઝબ્બે
  • યુવક પાસે 15 હજારની ઉઘરાણીમાં તેના પિતા તેમજ મોટાબાપા પર હુમલો કરી ફરાર થઈ ગયા હતાં
  • ગુનામાં વપરાયેલી ફોર્ચ્યુનર કાર કબ્જે, પોલીસે બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્ટ્રક્શન કર્યું

આ ગુનામાં ઉત્રાણ પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરી હતી. દરમિયાન ઉત્રાણ પોલીસની ટીમને આરોપી બાબતે બાતમી મળતા પીઆઈ એ. ડી. મહંતે તેમની ટીમના પીએસઆઈ એ. આર. પાટીલ તથા ડી. કે. ચોસલા સહિતના માણસોને વોચ ગોઠવી આરોપીઓને પકડવા સૂચના આપી હતી. આરોપીઓ કામરેજ ટોલનાકા પાસે હોવાની બાતમી મળતા પોલીસે બંને આરોપી વિજય ઉર્ફે ભુરીભગા ઉર્ફે ભુરીયો ભુપતભાઇ મકવાણા (ઉ.વ.૨૪, ધંધો.વેપાર, રહે. કિરણપાર્ક સોસાયટી, પુણાગામ તથા મુળ તા.પાલીતાણા, ભાવનગર) અને રામુ ઉર્ફે રામુ ગોધરો ઉર્ફે રામ રજાડી સોમાભાઇ માવી (ઉ.વ.૨૩, રહે. નંદનવન ટાઉનશીપ, કામરેજ તથા મુળ સાબર ગામ તા.પલસાણા, સુરત તથા મુળ તા.ગરબાડા, જી.દાહોદ)ને પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, એક ફોરચ્યુનર ગાડી (જીજે-03-ઈઆર-9977) મળીને કુલ 12.50 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

પોલીસે તળાજા પાસે હોટલના સીસીટીવી ચેક કરી કામરેજ ટોલનાકે છટકુ ગોઠવ્યું હતું
બંને આરોપીઓ પોલીસથી બચવા માટે શહેર છોડીને પહેલા ભાવનગર અને બાદમાં દીવ ખાતે જઇને છુપાયા હતા. પોલીસ તેમનો પીછો કરતી દીવ પહોંચી હોવાની તેમને ખબર પડતા આરોપીઓ બસમાં બેસીને દમણ ભાગી પોલીસને ગુમરાહ કરવાની ફિરાકમાં હતા. ત્યારે ઉના તેમજ તળાજા ભાવનગર રોડ ઉપર આવેલા આશાપુરા હોટલ ખાતેના સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા આરોપીઓ જે બસમાં બેસેલા હતા તે બસની વિગત મેળવવામાં આવી હતી. બસનું સમયે સમયે લોકેશન મેળવી ઉત્રાણ પોલીસ કામરેજ ટોલનાકા પાસે બસની વોચ રાખી બેઠી હતા. બસ આવતા બસમાંથી આ માથાભારે આરોપીઓને પકડી પાડ્યા હતા.

રામુ ગોધરા સામે શહેરમાં 19 અને વિજય સામે 18 ગુના નોંધાઈ ચુક્યા છે
આરોપી રામુ ગોધરાની સામે સરથાણા, કાપોદ્રા, વરાછા, પુણા, અમરોલી સહિતના પોલીસ સ્ટેશનમાં 19 ગુનાઓ દાખલ છે. જ્યારે બીજા આરોપી વિજય ઉર્ફે ભુરી ભગા ભુપતભાઇ મકવાણાની સામે પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 18 જેટલા ગુના દાખલ છે.

Most Popular

To Top