SURAT

સુરત: પોલીસમાં સીધી ભરતીના બહાને બોગસ પોલીસ બની ત્રણ લોકો સાથે 2.50 લાખની છેતરપિંડી

સુરત: (Surat) કડોદરા લોકલ ક્રાઈમ બ્રાંચમાં (Crime Branch) નોકરી કરતો હોવાનું કહીને ઠગે અલગ અલગ ત્રણ જણાને પોલીસમાં સીધી ભરતી કરાવી આપવાના બહાને ટુકટે ટુકડે ત્રણેય પાસેથી 2.50 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ભાઠેના ખાતે ગરીબ નવાઝ મસ્જીદની પાછળ રજાનગરમાં રહેતા 40 વર્ષીય નીસાર કુરેશી કદીર કુરેશીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગત નવેમ્બર 2022 માં નીસારના કૌટુંબિક ભાઈ આરીફ કુરેશીની મુલાકાત મહારાષ્ટ્રમાં ભુસાવલ ખાતે શેખ નવાઝ સાથે એક લગ્ન પ્રસંગમાં થઈ હતી. વસીમ શેખ (શેખ નવાઝે) પોતે ગુજરાતમાં પોલીસમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી હતી. આરીફે આ અંગે નીસારને વાત કરતા નીસારે તેના પુત્ર સોહેલને નોકરી ઉપર લગાવી આપવા વસીમ શેખનો સંપર્ક કર્યો હતો. 11 નવેમ્બરે વસીમ શેખે ભાઠેના ચાર રસ્તા પાસે નીસારને મળવા બોલાવ્યો હતો. વસીમે પોતાની ઓળખ કડોદરા લોકલ ક્રાઈમ બ્રાંચમાં હોવાની આપી હતી.  

મોબાઈલમાં વર્દી પહેરેલો તેનો ફોટો અને આઈ કાર્ડ બતાવ્યું  હતું. અને પોલીસ ભરતી નીકળી હોવાનું કહી નીસારને તેમના દિકરાને પોલીસમાં નોકરી લગાડી આપવાની લાલચ આપી હતી. નીસારે તેના પુત્ર સોહેલની ઉમર નાની હોવાનું કહેતા વસીમે કઈ વાંધો નહી છતા પણ હું તમારા દિકરાને પોલીસમાં ભરતી કરાવી દઈશ તેમ કહીને પોલીસ ભરતીનું ફોર્મ વોટ્સએપ કરી આપ્યું હતું. બીજા દિવસે વસીમ તેમના ઘરે પહોંચી ગયો હતો. અને સોહેલને પોતાની સાથે અઠવાલાઈન્સ સરકારી કચેરીમાં લઈ જવાનું કહીને ત્યાં થોડો ખર્ચ થશે એટલે 5 હજાર નીસાર પાસેથી લઈ ગયો હતો. ત્યાંથી ત્રણ ચાર કલાક પછી આવી નીસારને તમારો દિકરો પાસ થઈ ગયો હોવાનું કહ્યું હતું. ત્રણેક દિવસ પછી તમારો દિકરો પાસ થઈ ગયો હોવાનો ફોન કરીને 22 તારીખે વસીમ સીધો ઘરે પહોંચી ગયો હતો.

સોહેલને ટ્રેનિંગના બહાને અમદાવાદ લઈ ગયો હતો. અને ત્યારથી ટુકડે ટુકડે 15 હજાર, 5 હજાર કરીને નીસાર પાસેથી 95 હજાર રૂપિયા પડાવ્યા હતા. આ રીતે નીસારના ઓળખીતા મઝર હસન શેખ પાસેથી 30 હજાર રૂપિયા અને ઇરફાન ખાન પાસેથી 1.25 લાખ રૂપિયા પડાવ્યા હતા.

ટ્રેનિંગના બહાને મિત્રના ઘરે રાખી મુક્યો
ગત 26 નવેમ્બરે સોહેલ તેના ઘરે પરત આવ્યો હતો. ત્યારે પિતા નીસારને વાત કરી હતી કે, વસીમ શેખે તેને કરાઈ ખાતે ગેટ સુધી લઈ જઈ ટ્રેનિંગ સેન્ટર દુરથી બતાવી દીધું હતું. અને તેનું ટ્રેનિંગ સેન્ટરમાં સેટીંગ છે તું હોસ્ટેલમાં રોકા. હું તારી ટ્રેનિંગ પાસ કરાવી આપું છું એમ કહીને સોહેલને તેના મિત્રના ઘરે હોસ્ટેલમાં જ રાખ્યો હતો. અને ત્રણેક દિવસ બાદ ટ્રેનિંગમાં પાસ થઈ ગયાનું કહીને સુરત મોકલી આપ્યો હતો.

ઉધના પોલીસમાં પોસ્ટિંગ સાથેનો લેટર આપ્યો
નીસારને ત્રણેક દિવસ પછી ફોન કરીને તેનો દિકરો સોહેલ પાસ થઈ ગયો છે અને તેની નોકરી વાપી (વલસાડ) ખાતે લાગી હોવાનું કહ્યું હતું. દિકરાનું સુરત ટ્રાન્સફર કરવા બીજા 30 હજારની માંગણી કરી હતી. બાદમાં હથિયારધારીમાં રાખવા, વર્દીના એમ કરીને બીજા રૂપિયા પડાવ્યા હતા. ત્રણ ચાર દિવસ પછી સોહેલને વોટ્સએપ ઉપર એક લેટરની કોપી મોકલી હતી. લેટરમાં સોહેલનો ફોટો તથા ગુજરાત પોલીસનો લોગો તથા સિક્કો હતો. તથા લેટરમાં સોહેલનું સિલેક્શન ઉધના પોલીસ સ્ટેશનમાં થયાનું લખ્યું હતું. અને 19 ડિસેમ્બરે નોકરી જોઈન્ટ કરવાની તેવુ વસીમે કહ્યું હતું. 19 તારીખે નોકરી બાબતે પુછતા તે ગલ્લા તલ્લા કરી બીજા પૈસાની માંગણી કરી હતી.

Most Popular

To Top