SURAT

આખરે વ્યાજખોરોને ગરીબોની હાય લાગી!, સુરત પોલીસે 10 દિવસમાં 111ને જેલ ભેગા કર્યાં

સુરત: ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરનાર મજબૂર ગરીબોનું સર્વસ્વ છીનવી લેનારા વ્યાજખોરો સામે રાજ્ય સરકારે કડકાઈ શરૂ કરી છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના (Home Minister HarshSanghvi) આદેશ બાદ સુરત શહેર પોલીસે વ્યાજખોરો સામે મોટી કાર્યવાહી કરી છે. સુરત પોલીસે 5 ઝોન વિસ્તારમાં સ્પેશ્યિલ ડ્રાઈવ ચલાવીને વ્યાજખોરો સામે 30 ગુના દાખલ કરી મોટી સંખ્યામાં વ્યાજખોરોની અટકાયત કરી છે. 5થી 15 ટકા સુધીનું ઊંચું વ્યાજ વસૂલતી વખતે છેલ્લી પાયરીની દાદાગીરી કરી મજબૂર ગરીબોની પ્રતિષ્ઠાને સમાજમાં હાનિ પહોંચાડવાની સાથે આર્થિક રીતે પાયમાલ કરી દેનારા વ્યાજખોરો પકડાયા બાદ પોલીસ મથકમાં રૂમાલથી મોંઢું છૂપાવતા નજરે પડ્યાં હતાં.

થોડા સમય પહેલાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા રાજ્યની પોલીસને આદેશ આપ્યા હતા. ગૃહમંત્રીના આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. વીતેલા એક અઠવાડિયાથી સુરત પોલીસ દ્વારા વ્યાજખોરોને ઝબ્બે કરવા સ્પેશ્યિલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. પઠાણી ઉઘરાણી કરી ગરીબોને માનસિક ત્રાસ આપનારા વ્યાજખોરો સામે સુરત પોલીસે મજબૂત કેસ બનાવવા માટે રણનીતિ બનાવી હતી. નવું વર્ષ શરૂ થયા બાદ વીતેલા 10 દિવસમાં સુરત પોલીસે 103 કેસ નોંધી 85 વ્યાજખોરોની ધરપકડ કરી છે. દરમિયાન આજે એક જ દિવસમાં 30 કેસ નોંધી મોટી સંખ્યામાં આરોપીની અટકાયત કરાઈ છે.

વીડિયો જોવા અહી ક્લીક કરો

10 દિવસમાં 111 વ્યાજખોરોની ધરપકડ
સુરત શહેરમાં વીતેલા વર્ષ 2022માં 53 કેસ નોંધી 73 વ્યાજખોરોની ધરપકડ કરાઈ હતી તેની સામે નવા વર્ષના પ્રથમ 10 દિવસમાં જ કુલ 103 ગુના નોંધી સુરત શહેર પોલીસ દ્વારા 111 જેટલાં વ્યાજખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે જ 26 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. વીતેલા બે દિવસમાં જ સુરત પોલીસે 16 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. વ્યાજખોરોને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ અલગ ટીમ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારોમાં રેઈડ કરી હતી.

સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરે કહ્યું, વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરાશે
સુરત શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે વ્યાજખોરો સામે સુરત શહેર પોલીસની કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે, ઓક્ટોબર 2022થી વ્યાજખોરો સામે સુરત પોલીસ કડકાઈથી કાર્યવાહી કરી રહી છે. તે કાર્યવાહીને સારી સફળતા મળ્યા બાદ 2023માં ફરી એકવાર સ્પેશ્યિલ ડ્રાઈવ શરૂ કરાઈ છે. વ્યાજખોરો સામેની કાર્યવાહીને વધુ તેજ બનાવાઈ અને પરિણામે 10 જ દિવસમાં 103 ગુના નોંધી 111 વ્યાજખોરોની ધરપકડ કરી શકાય છે.

Most Popular

To Top