SURAT

સુરત પોલીસે આ 12 વ્યાજખોરોને જેલમાં પૂર્યા, વસૂલતા હતા આટલું ઊંચું વ્યાજ

સુરત: સુરત (Surat) શહેરમાં વ્યાજખોરોનો આતંક ખૂબ વધી ગયો છે. રવિવારે વ્યાજખોરોની ટોળકીએ એક કાપડના વેપારીનું અપહરણ કરી તેને માર માર્યાનો કિસ્સો બહાર આવ્યો હતો. આ કેસમાં મુખ્ય વ્યાજખોરને પોલીસે પકડ્યો નથી તેવા સવાલો ઉઠ્યા છે, જેના લીધે સુરત પોલીસની છબી ખરડાઈ છે. ત્યારે આજે સુરત શહેર પોલીસે બે પોલીસ મથકમાં 14 ગુના દાખલ કરી 12 વ્યાજખોરોને જેલ ભેગા કર્યા છે. આ સાથે જ સુરત શહેર પોલીસ કમિશનરે મની લોન્ડરીંગનું લાયસન્સ નહીં ધરાવતા લેભાગુ અસામાજિક તત્વો પાસેથી વ્યાજે રૂપિયા નહીં લેવા લોકોને સલાહ આપી છે.

  • સુરત પોલીસે 14 કેસ નોંધી 12 વ્યાજખોરોને જેલ ભેગા કર્યા
  • 70 ટકા સુધીના માસિક વ્યાજ વસૂલતા હતા
  • 19 લાખ સામે 37 લાખ વસૂલ્યા બાદ પણ વ્યાજખોરો ત્રાસ વર્તાવતા હતા

રાજ્યના આર્થિક પાટનગર સુરત શહેરમાં વ્યાજના ચુંગાલમાં ફસાઈ અનેક લોકો આપઘાત કરતા હોવાના બનાવ અનેકોવાર બનતા રહે છે. આ બદીને નાબૂદ કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરની સીધી સૂચનાથી પોલીસ દ્વારા અભિયાન છેડવામાં આવ્યું છે, તે અંતર્ગત ખાનગી રાહે તપાસ કરી વ્યાજખોરોની યાદી બનાવી, પુરાવા ભેગા કરી સુરત શહેર પોલીસ દ્વારા આજે 14 ગુના દાખલ કરી એક મહિલા સહિત કુલ 12 વ્યાજખોરોની અટકાયત કરવામાં આવી છે. આજે સુરત પોલીસ દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં 11 અને ખટોદરા પોલીસ મથકમાં 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ 14 ગુનામાં કુલ 19.51 લાખના ધિરાણ સામે 37,10,100ની વસૂલાત કરાઈ હતી. તેમ છતાં વ્યાજે રૂપિયા લેનારા નાના માણસોને વ્યાજખોરો દ્વારા રંજાડવામાં આવતા હતા. આ 14 ગુના હેઠળ 12 આરોપીઓની અટકાયત કરાઈ છે.

આ આરોપીઓની અટકાયત
પાંડેસરા અને ખટોદરા પોલીસ દ્વારા 14 ગુનામાં એક મહિલા સહિત કુલ 12 આરોપીઓની અટકાયત કરાઈ છે, જેમાં ઓમપ્રકાશ રામપ્યારે મિશ્રા (રહે. આશાનગર સોસા, ઉધના સુરત), કિશન ઉર્ફે સોનુ શિવપ્રસાદ રાજભર (ઉં.વ. 35, રહે. એસએમસી આવાસ, વડોદ, પાંડેસરા, સુરત), કિરણબેન બાલચંદ શાહ (રહે. સાકારનગર એપાર્ટમેન્ટ, કામરેજ સુરત), પવન બીરેન્દ્ર અગ્રવાલ (રહે. ન્યુ હરીધામ સોસા., બમરોલી, પાંડેસરા, સુરત), નવીન ઉર્ફે બંટી યોગેન્દ્રચંદ્ર ચૌબે (રહે. પ્રિયંકા સોસા., આસપાસ, ગોડાદરા, સુરત), આશિષસિંહ રાઘવસિંહ રાજપૂત (રહે. અંબિકા ટાઉનશીપ, ડીંડોલી, સુરત), નિકુંજ મહેન્દ્ર પટેલ (રહે. શિવમ ટાવર પ્રમુખ પાર્ક સોસા., પાંડેસરા, સુરત), રાકેશ સંજ્ય નિકુંબે (રહે. નાગસેનનગર, પાંડેસરા, સુરત), રાજેશ ઉર્ફે રાજુ અમૃત રબારી (રહે. ટાયગર હાઉસ, અમૃતનગર સોસા., હરીનગર-02, ઉધના, સુરત), જનાર્દન અવધનારાયણ સિંઘ (રહે. સુખીનગર પાંડેસરા, સુરત), વિશાલ માણેક પાટીલ (રહે. કર્મયોગી સોસા., વિભાગ-02, પાંડેસરા, સુરત) અને સની ચેવલી (રહે. શિખર કોમ્પલેક્સ, ભટાર રોડ, સુરત)ની અટકાયત કરાઈ છે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

વ્યાજખોરોના ચુંગાલમાં ફસાવું નહીં હોય તો સુરત પોલીસ કમિશનરની આ વાત સાંભળી લો
સુરત પોલીસે 12 આરોપીઓની અટકાયત કરી ત્યાર બાદ આજે સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી. પોલીસ કમિશનરને કહ્યું કે, લોકોએ જેની પાસે મની લોન્ડરીંગનું લાયસન્સ ન હોય તેઓ પાસેથી વ્યાજે રૂપિયા લેવા જોઈએ નહીં. વળી જેની પાસે લાયસન્સ હોય તે પણ માસિક 18 ટકા અને સિક્યુરીટી વિના માસિક પોણા બે ટકાથી વધુ વ્યાજ વસૂલી શકતા નથી. આજે જે 14 કેસમાં પકડાયા તેઓ 70 ટકા સુધી વ્યાજ વસૂલતા હતા. જે ખરેખર ખૂબ જ ઊંચું વ્યાજ હતું. આટલું ઊંચું વ્યાજ કોઈ ચૂકવી શકે નહીં. તે આખી ઉંમર ફક્ત વ્યાજખોરોને વ્યાજ ચૂકવતો રહેશે. આ આરોપીઓ પાસે કોઈ લાયસન્સ પણ નહોતું.

Most Popular

To Top