Business

વિદેશમાં કામ કરતા લોકોએ 2022માં ભારતમાં મોકલી રેકોર્ડ રકમ, આંકડો જાણી ચોંકી જશો

વિશ્વ બેંકના (World Bank) રિપોર્ટમાં આરબીઆઈના (RBI) ડેટાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ વર્ષે પ્રવાસી ભારતીઓ (NRI) દ્વારા ભારતમાં (India) મોકલવામાં આવેલી રકમ રેકોર્ડ 100 અબજ ડોલર સુધી પહોંચવાની આશા છે. ડિસેમ્બર અંત સુધીમાં વિશ્વભરમાં ફેલાયેલા એક કરોડ 80 લાખથી વધુ પ્રવાસીઓ વર્ષ 2022માં તેમના ઘરે રેકોર્ડ રકમ મોકલી શકે છે. વિદેશીઓ દ્વારા દેશમાં મોકલવામાં આવેલી રકમમાં વધારા સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ હકીકત એ છે કે ભારતીય ચલણ ડોલર (Doller) સામે ઘટ્યું છે. મોટાભાગની મધ્યપૂર્વીય કરન્સી ડોલર સાથે જોડાયેલી હોય છે. તેથી હવે જ્યારે વિદેશીઓ રૂપિયાના ઘટાડા પછી ઘરે પૈસા મોકલે છે ત્યારે અહીં ભારતમાં તેઓને પહેલા કરતાં વધુ રૂપિયા મળે છે.

અખાતના દેશો ભારતમાં કુલ રેમિટન્સનો 30% હિસ્સો ધરાવે છે અને આમા વધુ વૃદ્ધિ થઈ રહી છે. 2020માં મધ્ય પૂર્વના દેશોમાં ઘણા વિદેશીઓએ તેમની નોકરી ગુમાવી દીધી હતી. પરંતુ આ દેશોની અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપથી સારી થઈ ગઈ. તેલના ભાવ ટૂંક સમયમાં આસમાને પહોંચ્યા. મજૂરની માંગ પણ વધવા લાગી. ગલ્ફ દેશોમાં ફુગાવો વિશ્વના મોટા ભાગના ભાગોની સરખામણીમાં સાધારણ રહ્યો હતો. લોકો પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા હતા અને તેઓએ તેનો કેટલોક હિસ્સો ઘરે એટલે કે ભારતમાં મોકલી આપ્યો.

બીજી તરફ યુએસમાં 5 મિલિયન ભારતીયોમાંથી 57% 10 વર્ષથી વધુ સમયથી ત્યાં વસ્યા છે. આનો અર્થ એ છે કે તેઓ પણ હવે તેમની કમાણીના ટોપ પર પહોંચી રહ્યા છે. તેઓ સેવા ક્ષેત્રમાં ઉચ્ચ કમાણી કરનારા છે. 2021 અને 2022 દરમ્યાન વિદેશમાં ટેકના ક્ષેત્રમાં કામ કરતા લોકોની આવકમાં વધારો જોવા મળ્યો હતો. લોકોએ તેમાંથી કેટલીક વધારાની રોકડ બચાવી અને ઘરે મોકલી. યુ.એસ. અને કેનેડા જેવા વિકસિત દેશોના NRI ગલ્ફ દેશોના NRI કરતાં ઘણી વધુ કમાણી કરતા હોવાથી ઘરે રૂપિયા મોકલવામાં તેમનો ફાળો વધુ છે. 2017 થી યુ.એસ., યુકે અને સિંગાપોરથી દેશમાં મોકલવામાં આવેલ રેમિટન્સ વિદેશીઓ દ્વારા ભારતમાં મોકલવામાં આવતા કુલ રેમિટન્સના 26% થી વધીને 36% થઈ ગઈ છે. હવે અમેરિકાથી ભારતમાં સૌથી વધુ નાણા આવી રહ્યા છે અને તેણે UAEને પાછળ છોડી દીધું છે.

વાત કરીએ કે NRI દ્વારા મોકલવામાં આવતા વિદેશી નાણાં ભારતના કયા શહેરમાં વધુ જાય છે. તો 2016-17માં કેરળમાં NRI તરફથી દેશમાં મોકલવામાં આવેલી કુલ રકમના 19% રકમ હતી. પરંતુ 2021 સુધીમાં તે ઘટીને 10% થઈ ગઈ. તેની અસર રાજ્યના અર્થતંત્ર પર પણ પડી રહી છે. કેરળ એક એવું રાજ્ય છે જે હજી પણ પ્રવાસી ભારતીયો તરફથી મોકલવામાં આવતા નાણાં પર ખૂબ આધાર રાખે છે. આ વર્ષની શરૂઆતમાં આરબીઆઈએ નોંધ્યું હતું કે કેરળ સૌથી વધુ દેવાનો બોજ ધરાવતા ટોચના 10 રાજ્યોમાં છે. આવી સ્થિતિમાં તે સ્પષ્ટ છે કે કેરળ ભારતને મોકલવામાં આવેલી સો અબજ ડોલરની રેકોર્ડ રકમનો સૌથી મોટો લાભાર્થી નથી. હવે કેરળ વિદેશમાં નોકરીઓ માટે જરૂરી ટેલેન્ટ પેદા કરી રહ્યું નથી. તેથી કેરળને બદલે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના કુશળ કામદારોને વિદેશમાં વધુ તકો મળી રહી છે. જેથી હવે દેશના આ ભાગોમાં વધુ વિદેશી નાણું આવે તે સ્વાભાવિક છે.

Most Popular

To Top