ડીજે વગાડનાર અને ટોળા ભેગા કરનારને કશું નહીં!, અને સામાન્ય ભૂલ કરનાર બે બાળકોની ધરપકડ

સુરત : (Surat) પોતાની જાણે બહાદૂરી બતાવવા માટે નીકળી હોય તેમ ઉત્તરાયણ (Uttarayan) નિમિત્તે પોલીસ (Police) દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામાનો (Notification) અમલ માત્ર ગરીબ અને નિર્દોષ બાળકો ઉપર જ થતો જોવા મળ્યો હતો. સુરતમાં ચારેકોર લોકોએ માસ્ક (Mask) વિના જ પતંગો ચગાવ્યા હતા, તો અનેક અગાસીઓ પર બેફામ ડીજે વાગ્યા હતા પરંતુ તે પોલીસને કશું જ દેખાયું નહોતું અને છેક સચીન વિસ્તારમાં શ્રમજીવી પરિવારના જ બે બાળકો માસ્ક વિનાના હાથે લાગતા તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેમની અટકાયત પણ કરી હતી.

  • સચીન પોલીસે માસ્ક પહેર્યા વિના પતંગ ચગાવતા રઘુવીરકુમાર અને ધર્મેન્દ્ર મહંતોની ધરપકડ કરી
  • શહેરની પોલીસને ટેરેસ પર ડીજે વગાડતા અને બૂમાબૂમ કરતા લોકો દેખાયા નહીં
  • ગરીબ શ્રમજીવી પરિવારના બાળકોને દમદાટી આપી વાનમાં બેસાડી ઉંચકી ગયા

પોલીસે ઉત્તરાયણને લઇને બહાર પાડેલા જાહેરનામા પ્રમાણે એક સોસાયટીમાં બહારથી આવતા લોકો ઉપર પ્રતિબંધ, ધાબા ઉપર સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવું, માસ્ક પહેરવું, ડિજે તેમજ લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેમ છતાં પણ સુરત મનપાના આવાસ, અન્ય પ્રાઇવેટ એપાર્ટમેન્ટ, તેમજ અન્ય ટેરેસ ઉપર અનેક લોકો ભેગા થયા હતા અને તેઓએ કોરોનાને સાઇડમાં રાખીને ઉત્તરાયણના તહેવારની મજા માણી હતી.

શહેરના રસ્તાઓ ઉપર પણ ધૂમ ખરીદી જોવા મળી હતી, જેમાં પણ અનેક લોકોએ માસ્ક પહેર્યા વગર જ ફરી રહ્યા હતા. તેમ છતાં પોલીસની જાણે આંખો બંધ થઈ ગઈ હોય તેમ આવાની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને પોલીસે ખાખીનો પાવર શ્રમજીવી પરિવારના બે નિર્દોષ બાળકો પર બતાવ્યો હતો.

સચીન પોલીસે સચીનના સાંઇનાથ એપ્રિલ પાર્કના ગેટ પાસે જગન્નાથ પાલની બિલ્ડીંગમાં રહેતા રઘુવીરકુમાર ગણેશ મહંતો તેમજ ધર્મેન્દ્ર ભુવનેશ્વર મહંતો પતંગ ચગાવી રહ્યા હતા. આ બંને બાળકોએ માસ્ક પહેર્યું ન હતું. સચીન પોલીસ બંને બાળકો પાસે આવી હતી અને માસ્કના નામે દમદાટી મારીને તેઓને વાનમાં બેસાડીને પોલીસ મથકે લઇ ગઇ હતી. પોલીસે આ બંને બાળકોની સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધીને તેઓની ધરપકડ પણ કરી હતી.

Most Popular

To Top