SURAT

સુરત રહેતી વિદેશી યુવતીઓ કારમાં દારૂ લાવતા ઝડપાઇ

પારડી : પારડી (Pardi) તાલુકાના કલસર પાતલિયા ચેકપોસ્ટ પર પારડી પોલીસની ટીમ (Police team) વાહન (Vehicle) ચેકિંગમાં હતી, તે દરમિયાન દમણ પાતલિયા તરફથી એક ઇકો કાર નં. GJ 16 DC 3802 ને ઉભી રાખી તપાસ કરતા ચાલક અને સાઈડમાં એક ઈસમ બેસેલો હતો. પાછળની સીટ પર પાંચ વિદેશી યુવતી બેઠેલી હતી. પોલીસે આ પાંચેય યુવતીના પર્સ ચેક કરતાં વિદેશી દારૂની 8 બોટલ જેની કી.રૂ. 4 હજાર મળી આવી હતી. ઝડપાયેલી આ પાંચ વિદેશી યુવતીઓમાં રૂગથીપ થાઈકલેંગ, વિવાચારા થાઈકલેંગ, કંચના સમફાન, કનલયા દીમુઈન, નાવારાત કેતકામજોનને પોલીસે ઝડપી પાડી હતી. ઇકો કાર ચાલક ભાવેશ રમન ઠાકોર અને કૃણાલ ચંદુ પટેલને પોલીસે પૂછપરછ કરતા મહિલાઓએ કાર ભાડે કરી હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલી થાઈલેન્ડની વિદેશી મહિલાઓ સામે પ્રોહિ.નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાપી હાઈવે પર દવાની આડમાં ટ્રકમાં લઈ જવાતો લાખોનો દારૂ ઝડપાયો
વાપી : વાપી નજીક સલવાવ ખાતે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ડુંગરા પોલીસની ટીમે મહારાષ્ટ્ તરફથી ટ્રકમાં સુરત તરફ લઈ જવાતો 5760 નંગ બોટલ દારૂ કિં.રૂ. 4.95 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી ટ્રક અને દારૂ સહિત કુલ રૂ.12,98,600નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપી હાઈવે પર શનિવારે મોડીરાત્રે સલવાવ ફ્લાય ઓવરબ્રિજ નજીક ડુંગરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પીઆઈ ડી.એમ. ઢોલને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી ટ્રક નં. એમએચ 03 સીપી 4751ને અટકાવી તલાસી લેતાં મેડિકલ દવાની આડમાં છૂપાવેલો દારૂનો જથ્થો વિદેશી દારૂ-બિયર ટીન નંગ 5760 કિં.રૂ. 4,95,600નો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક અનિલ કિશનરામ બિશ્નોઈની ધરપકડ કરી રૂ.8 લાખની ટ્રક અને રૂ.3 હજારનો મોબાઈલ મળી કુલ રૂ.12,98,600નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોરીયાચ ટોલનાકા પાસેથી દારૂ ભરેલી કાર સાથે 3 ઝડપાયા
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે 41 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3ને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી એક ઇકો કાર (નં. જીજે-19-એક્સ-8276) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 41,600 રૂપિયાની વિદેશી દારૂની 340 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે સુરત પલસાણા તાલુકાના કડોદરા તાતીથૈયા નીલકંઠ રેસીડન્સીમાં રહેતા રામક્રિપાલ મન્નુભાઈ વર્મા, પલસાણા તાલુકાના કડોદરા રામનગર મોદી હોસ્પિટલની બાજુમાં રહેતા અંકિત સતીષભાઈ કુર્મી અને સુરત ઓલપાડ તાલુકાના કીમ રેલ્વે ફાટક હસ્તીસારથી સોસાયટીમાં રહેતા મમતા અજયભાઈ જોષીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 3 લાખની કાર અને 3 હજારના બે મોબાઈલ મળી કુલ્લે 3,44,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ પી.એસ.આઈ. એસ.એચ. ભુવાએ હાથ ધરી છે.

Most Popular

To Top