SURAT

અઢી વર્ષમાં 5000થી વધુ વૃક્ષ ઉગાડી સુરતના આ વિસ્તારમાં ઉભું કરાશે જાપાનીઝ સ્ટાઈલનું ગીચ જંગલ

સુરત: (Surat) ગુજરાતની 224 જીઆઇડીસી પૈકી પાંડેસરા જીઆઇડીસી (Pandesara GIDC) જાપાનીઝ (Japanese) મિયાવાકી (Miyawaki Forest) ફોરેસ્ટ (ગીચ જંગલ) ધરાવનાર રાજ્યની પ્રથમ જીઆઇડીસી બનશે. જીઆઈડીસીમાં ક્લાયમેટ એક્શનના ભાગરૂપે અર્બન ફોરેસ્ટ (Urban Forest) તૈયાર કરવા GPCB અને પાંડેસરા ઈન્ફ્રાસ્ટ્રક્ચરે એમઓયુ કર્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ ફેસ વનમાં 6થી 7 વર્ષ જૂનાં 300 મેચ્યોર્ડ વૃક્ષ રોપવામાં આવ્યાં છે.

  • પાંડેસરા જીઆઇડીસીમાં અઢી વર્ષમાં જ ગીચ જંગલ ઉભું થશે
  • આ જંગલના કારણે તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો થશે
  • GPCB અને પાંડેસરા ઈન્ફ્રાસ્ટ્રક્ચરે એમઓયુ કર્યા
  • પાંડેસરા જાપાનીઝ મિયાવાકી ફોરેસ્ટ ધરાવનાર રાજ્યની પ્રથમ જીઆઈડીસી બનશે

પાંડેસરા જીઆઈડીસીમાં નાનું ડાંગ વિકસાવવા ઝડપથી વિસ્તરતાં 500 વૃક્ષ અને 5000 છોડ થકી અઢીથી ત્રણ વર્ષમાં ગીચ જંગલ ઊભું થશે. આ પ્રોજેક્ટ દ્વારા પાંડેસરા જીઆઇડીસીના ચોક્કસ વિસ્તારમાં એર ક્વોલિટીમાં કેટલો સુધારો થયો, ઓક્સિજનની માત્રા કેટલી વધી, કાર્બનનું પ્રમાણ કેટલું ઘટ્યું એ જાણવા જીપીસીબી (GPCB) સાધનો મૂકશે. પાંડેસરા જીઆઈડીસીમાં નવનિર્મિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી પાસેના ખાડી કિનારે આવેલા પ્લોટમાં એક વિશાળ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવા માટે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન, જીપીસીબી અને પાંડેસરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ વચ્ચે એમઓયુ કરાયા હતા. અને એ સાથે પહેલાં ફેઝનું ટ્રી પ્લાન્ટેશન પણ કરાયું હતું. એમઓયુ અને પ્લાન્ટેશનના આ કાર્યક્રમમાં પાંડેસરા ઈન્ફાસ્ટ્રક્ચર લિમિટેડના ચેરમેન કમલવિજય તુલસ્યાન, સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોશિયેશનના પ્રમુખ જીતુભાઈ વખારિયા, મહેશભાઈ કબૂતરવાલા, જીપીસીબીના રિજનલ અધિકારી જિજ્ઞાસા ઓઝા અને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના ફાઉન્ડર વિરલ દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે જીપીસીબીનાં રિજનલ ઓફિસર જિજ્ઞાસા ઓઝાએ કહ્યું, ‘પ્રદૂષણ સામે લડવા માટે અમારો વિભાગ હંમેશાં પ્રતિબદ્ધ રહ્યો છે. એવામાં કોઈ સેવાભાવી સંસ્થા ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન’ના વિચાર સાથે આવે ત્યારે અમને એમાં જોડાવાનો આનંદ થાય જ. મને વિશ્વાસ છે કે આ અર્બન ફોરેસ્ટ રાજ્યની જીઆઈડીસીમાં એક મોડેલ તરીકે ઓળખાશે. આ અર્બન ફોરેસ્ટને ‘અમૃતવન’ નામ અપાયું છે,

ઓક્સિજનનું પ્રમાણ વધે એવાં વૃક્ષ રોપાશે, ચકલી, પોપટ, ખિસકોલી મોટી સંખ્યામાં આવશે
હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના વિરલ દેસાઇએ જણાવ્યું હતું કે, પાંડેસરા જીઆઈડીસીમાં અર્બન ફોરેસ્ટ ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન’ ચળવળ અંતર્ગત જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી તૈયાર કરાશે. જેની દેખરેખ જીપીસીબી તેમજ પીઆઈએલ કરશે. આ અર્બન ફોરેસ્ટમાં આગામી સમયમાં એક જ પોકેટમાં પાંચસોથી વધુ નેટિવ વૃક્ષોનું વાવેતર કરી ઓક્સિજન પાર્ક તૈયાર કરાશે. સાથે જ આ અર્બન ફોરેસ્ટ દ્વારા આવનારા સમયમાં ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન તેમજ બાયોડાવર્સિટીને સપોર્ટ અપાશે. કૃત્રિમ વન ઊભું કરવા લીમડો, પીપળો, વડ, બદામ, જાંબુ, આંબો, ગરમાળો જેવાં વૃક્ષ રોપવામાં આવી રહ્યાં છે. આ વૃક્ષ ઝડપથી મોટાં અને ઘટાદાર થશે. પ્રયાસ એવો છે કે, કબૂતર અને બગલાને બદલે ચકલીઓ, પોપટ અને ખિસકોલી મોટી સંખ્યામાં વસવાટ કરે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. પાણી છંટકાવ માટે ડ્રીપ ઇરિગેશન અને સ્પ્રીંકલર્સ રાખવામાં આવ્યાં છે. હવાની શુદ્ધતામાં વધારો, ટેમ્પ્રેચરમાં ઘટાડો અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો એ જીપીસીબી ટ્રેક કરશે. પાંડેસરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ આપવા સાથે મેઇન્ટેનન્સનો ખર્ચ ઉપાડશે. અન્ય સુવિધા ફાઉન્ડેશન કરશે.

માત્ર 2 સપ્તાહમાં વૃક્ષ અને છોડની રોપણી પૂર્ણ થશે : કમલવિજય તુલસ્યાન
પાંડેસરા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રમુખ કમલ વિજય તુલસ્યાને જણાવ્યું હતું કે, 2 સપ્તાહમાં મોટી સંખ્યામાં વૃક્ષ અને છોડની રોપણી પૂર્ણ થશે. અમૃતવનમાં જે વૃક્ષ રોપાશે એનાં નામ પણ લખવામાં આવશે. જીપીસીબીના રિજનલ અધિકારી જિજ્ઞાસા ઓઝા અને વન સંરક્ષક પુનિત નૈયરના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસીમાં ગ્રીનરી વધારવા ઉપરાંત જાપાનીઝ મોડેલ પર કૃત્રિમ મિયાવાકી ફોરેસ્ટ ઊભું કરાશે. અઢીથી બે વર્ષમાં અહીં ગીચ જંગલ જોવા મળે એવો નાનો પણ સહિયારો પ્રયાસ છે.

વિશ્વના સૌથી મોટા નારગોલના મિયાવાકી ફોરેસ્ટથી પ્રેરણા લેવાઈ
વિશ્વનું સૌથી મોટું જાપાનીઝ પદ્ધતિનું મિયાવાકી વન ઉમરગામના નારગોલ ગામના દરિયા કિનારે વિકસાવાયું છે. જ્યાં 2.25 લાખ વૃક્ષ 27 દિવસમાં રોપાયાં હતાં. જાપાનના બોટેનિસ્ટ અકિરા મિયાવાકીએ 40 વર્ષ અગાઉ કરેલી ક્રાંતિ અહીં દોહરાવાઈ છે. અહીં મુંબઈના ક્રિએટર ફાઉન્ડેશનના દીપેન જૈન અને ગ્રીન મેન ઓફ ઇન્ડિયા ડો.આર.કે.નાયરે આ ફોરેસ્ટ વિકસાવ્યું હતું. એવી જ રીતે ઉધના રેલવે સ્ટેશને નાનું મિયાવાકી વન બનાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top