SURAT

સુરત પોલીસે આરીફ મીંડી અને તેની ગેંગ સામે સકંજો કસ્યો: લોકોને ડર્યા વિના ફરિયાદ કરવા કહ્યું

સુરત(Surat): સુરતમાં સક્રિય આરીફ મિંડી(Arif Mindy) સહિત તેની ગેંગ(Gang)ના 7 બદમાશો વિરૂદ્ધ પોલીસ કમિશનર(Commissioner of police) અજય કુમાર તોમરના આદેશ બાદ અઠવા પોલીસે ગુજસીટોક(Gujcitok)નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી આ ગેંગ વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી, મારા-મારી, આર્મ્સ એક્ટ સહિત અનેક ગુના શહેરના અલગ-અલગ પોલીસ મથકે નોંધાઇ ચૂક્યા છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા શહેરના નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં સક્રિય આ ગેંગ સામે ગુજસીટોકનું હથિયાર ઉગામવામાં આવ્યું છે.

  • કાદરશાની નાળ વિસ્તારમાં સક્રિય છે આરીફ મીંડી ગેંગ
  • ગેંગ સામે હત્યાનો પ્રયાસ, મારામારી અને ખંડણી જેવા ગુના નોંધાયા છે : સાત શખ્સોની અટકાયત

અઠવા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર શહેરમાં સંગઠીત અપરાધ કરતી આરીફ મિંડી અને તેની ગેંગના સાગરીતો વિરૂદ્ધ મંગળવારે રાત્રે ગુજસીટોક નોંધાયો હતો. અઠવા પોલીસે આરીફ મીંડી ગેંગના મુખ્ય સુત્રધાર આરીફ ગુલામ રસુલ શેખ ઉર્ફે આરીફ મીંડી ઉપરાંત તેના પુત્ર કૈઝર, ભત્રીજા અનસ શફી રંગરેજ, જુનેદ હનીફ ઉર્ફે બચુ ટુકડી શેખ, તુફેલ ઉર્ફે માવીયા ઇકબાલ કુંભાર, ફહડ આરીફ ગુલામ શેખ અને યશા શેખની મંગળવારે અટકાયત કરી હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ગેંગનો ભોગ બનેલા લોકોને પોલીસ ફરિયાદ નોંધાવવા અપીલ
આરીફ મિંડી ગેંગ વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી, મારા-મારી, આર્મ્સ એક્ટ સહિત અનેક ગુના ભૂતકાળમાં નોંધાઇ ચૂક્યા છે. દરમિયાન અઠવા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસ દ્વારા આરીફ મિંડી ગેંગનો જે કોઇ લોકો પણ ભોગ બન્યા છે તે લોકો ડર્યા વગર પોલીસ પાસે જઇ ફરિયાદ કરવાની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા શહેરના માથાભારે આશીફ ટામેટા, લાલ ઝાલીમ ઉર્ફે અમિત રાજપુત, વિપુલ ગાપરા અને અશરફ નાગોરી સહિતની ગેંગો વિરુદ્ધ ગુજસીટોક નોંધાઇ ચુક્યા છે.

અઠવામાં 10 વર્ષથી રાયોટિંગના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
સુરત: શહેરમાં 10 વર્ષ પહેલા અકસ્માતની ઘટનાએ કોમી સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં રાયોટિંગનો ગુનો નોંધાતા એક આરોપી દસ વર્ષથી વોન્ટેડ હતો. એસઓજીની ટીમે ગઈકાલે 10 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. એસઓજીની ટીમે બાતમીના આધારે આરોપી મોહંમદ ગુલામ રસુલ રફીક ઉર્ફે છોટા શેખ (ઉ.વ.36, રહે. દરોગાકી ચાલ, નોવેલ્ટી પેપર બોક્સની સામે નાનપુરા, ખંડેરાવપુરા તથા હાલ રહે. કાળામહેતાની શેરી અલ-રશીદ રેસિડેન્સી ફ્લેટ નં.૪૦૨ સગરામપુરા, તલાવડી) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, વર્ષ 2012 માં નાનપુરા કાદરશાની નાળ પાસે સામાન્ય અકસ્માતનો બનાવ બન્યો હતો. જેને લઈને ઝઘડો થયો હતો. ઝઘડાએ મોટુ સ્વરૂપ ધારણ કરી લેતા હિન્દુ તથા મુસ્લિમ સમાજના 400 થી 500 લોકોનાં ટોળા ઘાતક હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. આ ઉપરાંત ત્યાં હાજર પોલીસ ઉપર પણ હુમલો થયો હતો. સરકારી તથા ખાનગી વાહનોની તોડફોડ થઈ હતી. અને આ ઝઘડામાં પોતે પણ સામેલ હતો. જે તે સમયે ટોળામાંથી કેટલાકની ધરપકડ થઈ હતી. અને હાલ પકડાયેલો આરોપી અંધારાનો લાભ લઇને ભાગી ગયો હતો. બાદમાં પોલીસથી બચવા પોતાનું મકાન બદલી બીજા વિસ્તારમાં મકાન ભાડે રાખી રહેતો હતો.

Most Popular

To Top