uncategorized

સુરત: વીર નર્મદ યુનિ.માં કામ કરતા એસ.સી., એસ.ટી અને ઓબીસી કર્મીઓમાં ભયનો માહોલ

સુરત: (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (University) સેનેટની ચૂંટણી દરમિયાન અને ચૂંટણી (Election) બાદ મુઠ્ઠીભર ઈસમોએ એસ.સી., એસ.ટી તથા ઓબીસી વર્ગના કર્મચારીઓને ટાર્ગેટ કરી આતંકનો માહોલ ફેલાવ્યો હોવાનો ગણગણાટ સંભળાઈ રહ્યો છે. આ હેરાનગતિના ભાગરૂપે કેટલાક અધ્યાપકોને નોકરીમાંથી છૂટા કરવાની ધમકીઓ (Threat) આપવી, નોટિસો ફટકારવી, પ્રમોશન અટકાવવા, નોકરીમાં કાયમી થવા માટે લાયક હોવા છતાં કાયમી ન કરવા જેવી પ્રવૃત્તિ બે રોકટોક ચાલી રહી હોવાથી સમગ્ર શિક્ષણ જગત ત્રાહિમામ પોકારી ગયું હોવાની વાતો ચાલી રહી છે.

ગત સેનેટની ચૂંટણી દરમિયાન કેટલાક વિરોધી ઉમેદવારોને ફોર્મ ખેંચી લેવા માટે પણ ધાક ધમકી અને દાબદબાણ કરીને ઉમેદવારી ન કરવા કે ફોર્મ ખેંચવા મજબૂર કરવામાં આવ્યા હતા. જેની ફરિયાદ ઉપર સુધી પહોંચતા કોઈને હેરાન ન કરવાની સ્પષ્ટ સૂચના આ કારભારીઓને ઉપરથી આપવામાં આવી હતી તથા વિરોધીઓને પણ પોતાના કરી લઈ સુમેળથી કામ ચલાવવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ આ બની બેઠેલા એક બે નેતાઓએ ચૂંટણી પતી ગયા પછી પણ કેટલાક કર્મચારીઓને ટાર્ગેટ કરીને હેરાન કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખી હોવાની ફરિયાદો ઉપર સુધી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતરમાં મળેલ સિન્ડિકેટમાં આ જ રીતે પ્રોફેસર મુકેશ વસાવાને તથા પ્રોફેસર લાડને તેમનો પ્રોબેશન પિરિયડ પૂરો થઈ ગયો હોવા છતાં કાયમી કરવામાં આવ્યા ન હતા. આ ઉપરાત યુનિવર્સિટીમાં દસ પંદર વર્ષથી કામ કરતા, વધુ ભણેલા અને અનુભવી કોન્ટ્રાકચ્યુલ કર્મચારીઓ કરતા પણ વધુ વેતન આપીને તાજેતરમાં ઓછું ભણેલા અને બીન અનુભવી કર્મચારીઓને કલાકના હીસાબે વધુ રકમ આપીને રોકવામાં આવ્યા હોવાથી, જૂના અને વફાદાર કર્મચારીઓમાં હતાશા ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ પૈકી ઉંચા પગારે લેવામાં આવેલ એક બે હંગામી કર્મચારીઓ યુનિવર્સિટીના માલિક હોય તે રીતે બેફામ બન્યા હોવાનું ડેપ્યુટી રજીસ્ટ્રાર કક્ષાના અધિકારીઓને પણ દબડાવતા હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે એસ.સી., એસટી અને ઓબીસી અધિકારીઓ, કર્મચારીઓ તથા અધ્યાપકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.

Most Popular

To Top