SURAT

ચિંતામાં વધારો- સુરતમાં 5 અને 6 તારીખ માટે થઈ આ આગાહી

સુરત, બારડોલી: (Surat) શહેરમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો (Hot) આકરો સમય શરૂ થઈ ગયો છે. આબોહવાકિય વિચિત્રતા વચ્ચે હવામાન વિભાગે (Meteorological Department) આગામી તા. 5 અને 6 તારીખે સુરત જિલ્લામાં (Surat District) માવઠાની આગાહી કરી છે.

  • સુરત જિલ્લામાં માર્ચમાં માવઠાની આગાહી
  • કેરીનો પાક લીધેલાં ખેડૂતોને માથે ચિંતાના વાદળ
  • મહારાષ્ટ્ર તરફ એક એન્ટી સર્કયુલેશન સિસ્ટમ બની છે
  • અરબ સાગર અને બંગાળની ખાડી તરફથી આવતા વાદળોનો સમુહ સુરત અને દક્ષિણ ગુજરાત ઉપરથી પસાર થશે

હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં તા.૫ અને ૬ માર્ચના બે દિવસના સમયગાળા દરમિયાન માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જે મુજબ કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક બગડે નહીં તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધ છે. જોકે માવઠાની આગાહી સાથે જ ધરતીપુત્રોના કપાળે ચિંતાની રેખાઓ ઉપસી આવી છે. મહારાષ્ટ્ર તરફ એક એન્ટી સર્કયુલેશન સિસ્ટમ બની છે. જેને કારણે અરબ સાગર અને બંગાળની ખાડી તરફથી આવતા વાદળોનો સમુહ સુરત અને દક્ષિણ ગુજરાત ઉપરથી પસાર થશે અને સુરત જિલ્લામાં માવઠાની અસર વર્તાશે. જેના પગલે આજે બપોર બાદથી શહેર પર આછી ધુમ્મસની ચાદર છવાયેલી વર્તાતી હતી. આજરોજ મહત્તમ તાપમાન સોમવાર જેટલું જ એટલે કે 35.8 ડિગ્રી યથાવત રહ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન અડધો ડિગ્રી વધીને 19.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 36 ટકા ભેજની સાથે 4 કિમીની ઝડપે ઉત્તરનો પવન ફુંકાયો હતો.

ખેડૂતોએ રાખવાની સાવચેતીઓ
સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોએ કૃષિ જણસ, ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી દેવો. અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી પાકની નીચે જતા અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા દરમિયાન ટાળવો. એ.પી.એમ.સી.માં વેપારીમિત્રો તેમજ ખેડૂતોએ અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવાની કાળજી રાખી સાવચેતીના આગોતરા પગલા લેવા. શક્યત: આ સમયગાળા દરમ્યાન વાતાવરણનું નિરીક્ષણ કરી એ.પી.એમ.સી.માં ખેતપેદાશોને વેચાણ અર્થે લઇ જવાનું ટાળવું અથવા સુરક્ષિત રાખવી. ખાતર તેમજ બિયારણ વિક્રેતાઓએ પણ ઈનપુટ ગોડાઉનમાં પલળે નહિ તેવી કાળજી રાખવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવાયું છે.

Most Popular

To Top