SURAT

સુરત: રાત્રે ઝઘડો કરતા યુવકે ‘હમકો તુમને ઐસા કેસે બોલા કી તુમ..’ કહી કોન્સ્ટેબલ સાથે ગાળાગાળી કરી અને પછી..

સુરત: લિંબાયતના નીલગીરી સર્કલ પાસે ઝઘડો (Quarrel) કરી રહેલા બે યુવકને ઝઘડો નહીં કરી ઘરે જવાનું કહેનાર લિંબાયત પોલીસના (Police) કોન્સ્ટેબલને ભારે પડ્યું હતું. બંને યુવકે કોન્સ્ટેબલને પીઠના ભાગે છરા વડે હુમલો (Attack) કરી દીધો હતો. આ દરમિયાન જ ત્યાં પોલીસની પેટ્રોલિંગ વાન (Petroling Van) નીકળી હતી અને બંને અજાણ્યા બીજો ઘા મારી કોન્સ્ટેબલની હત્યા (Murder) કરે એ પહેલાં જ તેને બચાવી લેવાયા હતા. પોલીસે હુમલો કરનાર બંને યુવકની ધરપકડ (Attack) કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયત પોલીસમાં ફરજ બજાવતા ભાવિન પરસોત્તમ સોલંકી પીકેટ તરીકે નોકરી કરે છે. બે દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હોવાથી તેમના બંદોબસ્તમાં મોટા ભાગનો પોલીસ સ્ટાફ રોકાયો હતો. ત્યારે પીએસઓ તેમજ પીકેટના કર્મચારીઓને નાઇટ ડ્યૂટી બાદ પેટ્રોલિંગ કરવા માટે મૌખિક સૂચના આપવામાં આવી હતી. દરમિયાન ભાવિન સોલંકી પોતાની મોટરસાઇકલ લઇ પેટ્રોલિંગ કરતાં કરતાં લિંબાયતના નીલગીરી સર્કલથી શાંતિનગર જવાના રોડ ઉપર બોમ્બે ટ્રેલરની પાસે પહોંચ્યા ત્યારે બે યુવકો ઝઘડો કરી રહ્યા હતા. ભાવિનભાઇએ પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી બંનેને કહ્યું કે, ‘તુમ લોગ રાત કે ટાઇમ પે યહાં ક્યું બોલાચાલી કર રહે હો, ઘર પે ચલે જાઓ. ભાવિન સોલંકી પોતે પોલીસ યુનિફોર્મમાં હોવા છતાં બંને અજાણ્યાએ કહ્યું કે, ‘હમકો તુને ઐસા કેસે બોલા કી તુમ લોગ ઇધર સે ચલે જાઓ’ કહી ગાળાગાળી થઇ હતી. ભાવિનભાઇએ બંનેની સામે કાર્યવાહી કરવાનું કહેતા જ એક યુવકે પોતાના પેન્ટના ભાગેથી અણીદાર છરો કાઢી ભાવિનભાઇને પીઠના ભાગે ઘા મારી દીધો હતો અને લોહીલુહાણ કરી નાંખ્યા હતા. આ દરમિયાન ત્યાં લિંબાયત પોલીસની પેટ્રોલિંગ વાન નીકળી હતી અને ભાવિનભાઇએ બૂમ પાડી વાનને અટકાવી હતી. અજાણ્યો ભાવિનભાઇ ઉપર છરાનો બીજો હુમલો કરે એ પહેલા જ પેટ્રોલિંગ વાનમાંથી સાગરભાઇ નામનો લોકરક્ષક ઝડપથી આવ્યો હતો અને અજાણ્યાને ધક્કો મારી ભાવિનભાઇને બચાવી લીધા હતા. બાદ પોલીસના અન્ય સ્ટાફે બંનેને પકડી લઇ તેમનું નામ પૂછતાં બંને લિંબાયતના નીલગીરી પાસે શ્રીનાથ સોસાયટીમાં રહેતો ગણેશ છોટુ સૂર્યવંશી તેમજ સંજયનગરમાં રહેતો દીપક હિરામણ કોળી નીકળ્યા હતા. પોલીસે બંનેની સામે હત્યાના પ્રયાસનો તેમજ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

Most Popular

To Top