SURAT

સુરતની આ હોટલમાં કામ કરતા બે કર્મચારીઓએ આધેડની હત્યા કરી પછી દુષ્કામ કરી નાસી ગયા

સુરતઃ (Surat) ઉધનાની ઉડ્ડુપી હોટલમાં (Hotel) કામ કરતા બે કર્મચારીઓએ પોતાની હવસ સંતોષવા રસ્તા ઉપર સુતેલા આધેડ સાથે સૃષ્ટિવુરૂધનું કૃત્ય કરવા પ્રયાસ કર્યો હતો. આધેડે પ્રતિકાર કરતા બંનેએ તેને માર મારી તેની હત્યા (Murder) કરી બાદમાં સૃષ્ટિવિરૂધનું કૃત્ય કરી ત્યાંથી નાસી ગયા હતા. ઉધના પોલીસે પહેલા અકસ્માતનો ગુનો દાખલ કરી બાદમાં હત્યા અને સૃષ્ટિવિરૂધનું કૃત્ય કરવાનો ગુનો દાખલ કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

  • ઉધનામાં હવસ સંતોષવા બે જણાએ આધેડ સાથે સૃષ્ટિવિરુધનું કૃત્ય કરવા તેને માર મારી પતાવી દીધો
  • આધેડ દુષકામ માટે પ્રતિકાર કરતા તેના માથામાં મારી બેભાન કરી દીધો હતો બાદમાં ઘસેડીને લઈ ગયા
  • આધેડ બેભાન થઈ ગયો પછી સુષ્ટિવિરુધનું કૃત્ય કરી બાદમાં ત્યાંથી નાસી ગયા

ઉઘના ત્રણ રસ્તા પાસે ગત 14 તારીખે સવારે જેપી બેકરીની પાછળ એક વ્યક્તિની લાશ પડી હોવાનો કોલ પોલીસ કંટ્રોલરૂમમાં મળ્યો હતો. જેથી ઉધના પોલીસની પીસીઆર વાન સ્થલ પર પહોંચી ગઈ હતી. ઉધના રોડ નં-15 મેવાડ ભવનની સામે રોડની સાઈડ ઉપર એક અજાણ્યાની લાશ પડેલી હતી. જેથી પોલીસે આસપાસના લોકોને તેની ઓળખ કરવા પુછપરછ કરી હતી. દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિ આશિષ વિરેન્દ્ર શુક્લા (ઉ.વ.26, રહે. ગાયત્રીનગર નવાગામ ડિંડોલી) એ મરણ જનાર તેના માનીતા કાકા રામમુરત રામબદન તિવારી (ઉ.વ.૫૩ રહેવાસી- ૧૨૭ મફતનગર રોડ નં.૧૨ ઉધના સુરત ગામ,પોસ્ટ, જનકહાઇ થાના જવા તા,જવા જી.રીવા એમ.પી) હોવાનું જણાવ્યું હતું. રામમુરત છેલ્લા પંદર વર્ષથી આશિષના ઘરે એકલા રહેતા હતા. બાદમાં ઉધના પોલીસે આ અંગે અકસ્માત મોતની નોંધ લઈને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. દરમિયાન મૃતકના માથાની બાજુના ભાગે ઇજાના નિશાન હતા. કપાળના ભાગે ધસરકાના નિશાન દેખાયા હતા. સ્મીમેરના તબીબોએ શંકાસ્પદ મોત હોવાનું જણાવ્યું હતું. અને મોતનું કારણ માથામાં ઇજા થવાથી થયું હોવાનો અભિપ્રાય આપ્યો હતો. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી હતી.

સીસીટીવીમાં બંને આરોપીઓ ઉડ્ડુપી હોટલના રૂમમાં જતા દેખાયા
પોલીસે સીસીટીવી ચેક કરતા 13 તારીખે રાત્રે 10 વાગે જ્યાં લાશ મળી ત્યાં સુતેલો જોવા મળે છે. બાદમાં રાત્રે દોઢ વાગે બે જણા ઉધના ત્રણ રસ્તાથી ચાલતા આવે છે. અને રામમુરત સાથે કોઈક કારણસર બોલાચાલી થાય છે. અને બંનેજણાએ બોથડ પદાર્થ વડે રામમુરતને માથામાં મારી તેને ઘસડીને આગળ લઈ જઈ પાડી દે છે. અને માર મારીને બંને જતા રહે છે. સીસીટીવીમાં આ બંને વ્યક્તિ હોટેલ ઉડ્ડુપી શ્રી ક્રિષ્ણાની રૂમમાં જાય છે. આ બંને હોટેલમાં કામ કરતા કારીગરો છે. જેમાં અજય ઇનાકરમ પટેલ (ઉ.વ.૧૯ હાલ રહે- ઉડ્ડૂપી શ્રી કિષ્ણા હોટલની ની રૂમમાં ઉધના ત્રણ રસ્તા પાસે ઉધના તથા મુળ નેપાનગર જી.બુહાનપુર, મધ્યપ્રદેશ) તથા સુરેશ ચતુરસિંહ કોરકુ (ઉ.વ.૨૪ રહે, શ્રી કિષ્ણા હોટલની રૂમમાં તથા મુળ નેપાનગર જી.બુહાનપુર, મધ્યપ્રદેશ) નો હોવાનું જાણવા મળ્યું હતું.

સુરેશને હવસ જાગતા આધેડ સાથે સૃષ્ટિવિરુધનું કૃત્ય કરવું હતું
મૃતક રસ્તાની બાજુમાં સુતેલો હતો જેથી આરોપી સુરેશને મનમાં હવસ જાગતા તેણે મૃતક સાથે સૃષ્ટી વિરૂધ્ધનુ કૃત્ય કરવાની કોશીષ કરી હતી. પરંતુ મૃતકે તેનો પ્રતિકાર કરતાં આરોપીએ ગડદા પાટુનો માર મારી પોતાના હાથમાં પહેરેલું સ્ટીલનુ કડુ માથાના ભાગે મારી ગંભીર ઇજા પહોચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક બેભાન થઇ જતાં તેને ઘસેડી રોડની સાઇડમાં લઇ જઇ તેની સાથે સૃષ્ટી વિરૂધ્ધનુ કૃત્ય કરી આરોપીઓ નાસી ગયા હતા. આ બંને આરોપીઓને પકડવા માટે ઉધના પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પોલીસે બાતમીના આધારે આરોપી અજય ઇનાકરમ પટેલને પકડી પાડ્યો હતો. અને તેની સાથે રહેલા આરોપીની પુછપરછ કરતા આરોપી સુરેશ ચતુરસિંહ કોરકુ પોતાના વતન મધ્યપ્રદેશ ખાતે નાસી ગયો હોવાનું કહ્યું હતું. જેથી પોલીસની એક ટીમ વતન રવાના થઈ હતી. અને આરોપીને પકડી લાવી હતી.

Most Popular

To Top