SURAT

સુરતની ફોરસીઝન હોટલમાં રૂમ ભાડે રાખી ચાલતું હતું આ કામ, લેપટોપ અને મોબાઈલ મળ્યા

સુરત: (Surat) પીસીબી પોલીસે (Police) પાલ ખાતે આવેલી ફોરસીઝન હોટલમાં (Hotel) રૂમ ભાડે રાખી સટ્ટો રમાડતા ત્રણને પકડી પાડ્યા હતા. ૩ બુકીને વોન્ટેડ જાહેર કરીને કુલ ૨.૧૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. મહેસાણા અને પાટણના ત્રણેય આરોપીઓને પકડી અમદાવાદ, મુંબઈના બુકીને વોન્ટેડ (Wanted) જાહેર કરાયા હતા.

  • પાલનાં ફોરસીઝન હોટલમાં રૂમ ભાડે રાખી ઓનલાઈન સટ્ટો રમાડતા ૩ પકડાયા
  • મહેસાણા અને પાટણના ત્રણેય આરોપીઓને પકડી અમદાવાદ, મુંબઈના બુકીને વોન્ટેડ જાહેર કરાયા
  • હોટલમાંથી લેપટોપ, મોબાઈલ, રોકડા મળી ૨.૧૦ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

પીસીબી પોલીસની ટીમને પાલ, પાલનપુર ઇલેક્ટ્રિક BRTS ડીપોર્ટ, કેનાલ વોક શોપર્સ બિલ્ડીંગના પાંચમા માળે ફોરસીઝન હોટલમાં ક્રિકેટ ઉપર ઓનલાઈન સટ્ટા બેટીંગ ચાલતી હોવાની બાતમી મળી હતી. બાતમીના પીસીબીએ આધારે રેઈડ કરતા હોટલના રૂમ નં.૫૦૬ તથા રૂમ નં.૫૦૭ માંથી ૩ આરોપીને દિપક ગાંડાલાલ પ્રજાપતિ (ઉ.વ.૪૦ રહે.ઘર નં.એ/૨૦, બ્રમ્હાણી નગર સોસાયટી, તા.જી.મહેસાણા), કમલેશકુમાર ગોવિંદભાઇ અસરાણી (ઉ.વ.૩૧ રહે.ઘર નં.૩૧, તિરૂપતી નગર, બિન્દુ સરોવર પાસે, તા.સિધ્ધપુર જી.પાટણ), ભાવિન વિનોદકુમાર મોદી (ઉ.વ.૩૨ રહે.ઘર નં.૨/૨૫૦, વારાહીનો મહાડ, સ્વામીનારાયણ મંદિરની પાછળ, તા.સિધ્ધપુર જી.પાટણ) ને પકડી પાડ્યા હતા.

પકડાયેલા ત્રણેય આરોપીઓએ ફોરસીઝન હોટલમા રૂમ નં.૫૦૬ તથા ૫૦૭ ભાડે રાખ્યા હતા. હાલમાં ચાલતી BIG BASH LEAGUE-2022-23 ક્રિકેટ ટુર્નામેન્ટની સીડની સિક્સર વિરૂદ્ધ બ્રીસબન હિટ ટીમોની મેચ ઉપર લેપટોપ તથા મોબાઇલ ફોન વડે આરોપીઓ પોતે તેમજ અન્ય ગ્રાહકોની સાથે ટેલિફોનીક સંપર્ક સાધીને ખેલાડીઓના રનો તેમજ મેચના સેશન્સ ઉપર રૂપિયા પૈસાનો હારજીતનો ક્રિકેટ સટ્ટાબેટીંગનો જુગાર રમતા અને રમાડતા હતા. આરોપીઓ બુકીઓ ધ્રુવેશ (રહે.મુંબઇ), મનોજ સાંઇનાથ (રહે.અમદાવાદ), ભાણો છાપી (રહે.છાપી ગામ, પાલનપુર), દિપુ સુરત (રહે.સુરત) ની પાસે જુગારની હારજીતની રકમ કપાવી ક્રિકેટ સટ્ટાબેટીંગનો જુગાર રમાડતા હતા. ત્રણેય બુકીઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. પીસીબીએ જુગારના રોકડા રૂપિયા ૯૩,૭૦૦ તથા ૮ મોબાઇલ ફોન, ૨ લેપટોપ મળી કુલ ૨.૧૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

સીઆઈડી ક્રાઈમે રેઈડ કરી બે આરોપીઓ પાસેથી સટ્ટાની 17 આઈડી મેળવી
સુરતઃ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ પોલીસે ગઈકાલે સચીન વિસ્તારમાં આવેલી હોટલ રેસ્ટ ઝોનમાં રેઈડ કરીને બે આરોપીઓને તેમના મોબાઈલમાં સટ્ટો રમવાની 17 આઈડી સાથે ઝડપી પાડી ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સીઆઈડી ક્રાઈમ પોલીસની ટીમને સચીન જીઆઈડીસી ખાતે આશિષ હોટલ સામે જલારામ શોપિંગ સેંટરમાં આવેલી હોટલ રેસ્ટ ઝોન ખાતે જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેડ કરતા સ્થળ ઉપર આરોપી ભવ્ય ચેતન્ય દવે (ઉ.વ.૨૬, રહે. ગામ-ડભોઇ, સંખેડા, વડોદરા હાલ રહે.મકાન નં- ૩૦૪, એ વિંગ, અમીસા એપાર્ટમેન્ટ, એલ એમ રોડ, દઈસર વેસ્ટ મુંબઈ), રંમઝાન અલી ઇસામૂદીન સૈયદ (ઉ.વ.૩૫, રહે.બી-૦૪, બાઈતુલનસર, સોંપર ગામ, તા.વસઇ, જી.પાલઘર તથા મૂળ ઉતરપ્રદેશ) ને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ઉપર ક્રિકેટ સટ્ટાના જુદા-જુદા ૧૭ આઇ.ડી. મળી આવી હતી.

આ આઈડી ઉપર તે જુગાર રમતાં મળી આવ્યા હતા. જ્યારે આરોપી આસિફ કાસિફ (રહે મીરા રોડ મુંબઈ), રાજેશ પાસપોર્ટ, કરણ બુકી (રહે. દઈસર) સ્થળ ઉપર મળી આવ્યા નહોતા. પકડાયેલા બંને આરોપી પાસેથી મોબાઈલ ફોન તથા જુદી-જુદી ક્રિકેટ સટ્ટાની 17 જેટલી આઇ.ડી.ઓ. ઉપર રૂ. 1,62,804 નો જુગાર સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો.

Most Popular

To Top