SURAT

વિચાર્યા વગર 80 ફૂટ ઊંડા કુવામાં કૂદકો મારનાર સુરતના યુવકની હાલત આવી થઈ

સુરત: સુરતના યુવાનોમાં માનસિક હતાશાનું પ્રમાણ વધી ગયું હોવાના પુરાવા આપતી બે ઘટના 24 કલાકમાં બની છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતો 22 વર્ષની ઉંમરનો એક યુવક શુક્રવારની રાત્રે 80 ફૂટ ઊંડા કૂવામાં કૂદી ગયો હતો, તો બીજી તરફ શનિવારે બપોરે ઉમરવાડની માત્ર 19 વર્ષની ઉંમર ધરાવતી મુસ્લિમ યુવતીએ મક્કાઈપુલ પરથી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. સદ્દનસીબે બંને જણાને સુરત ફાયર બ્રિગેડના જવાનોએ બચાવી લીધા છે.

ફાયર બ્રિગેડના જવાનોએ દોરડું નાંખી યુવકને 80 ફૂટ ઊંડા કૂવામાંથી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.

ડિંડોલીનો 22 વર્ષીય યુવક કરાડવા ગામના 80 ફૂટ ઊંડા કૂવામાં કૂદી ગયો, ફાયરે દોરડાથી ખેંચી બહાર કાઢ્યો
પહેલી ઘટના શુક્રવારે રાત્રે 10 કલાકના અરસામાં બની હતી. ડિંડોલીના કરાડવા વિસ્તારમાં બનેલી આ ઘટનાની વિગત એવી છે કે ડિંડોલીમાં રહેતા 22 વર્ષીય રાહુલ હેમંતભાઈ રાઠોડે કરાડવા ગામમાં આવેલા 80 ફૂટ ઊંડા કૂવામાં કૂદકો માર્યો હતો. આ અંગેનો કોલ મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દોરડાંની મદદથી ફાયરના જવાનોએ યુવકને બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો હતો. યુવકે કૂવામાં કેમ કૂદકો માર્યો તે જાણી શકાયું નથી.

તાપી નદીમાં પાણી નહીં હોય યુવતી કાદવમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડે તેને નદીમાંથી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો.

ઉમરવાડાની 19 વર્ષીય યુવતી મક્કાઈપુલ પરથી તાપી નદીમાં કૂદી, કાદવમાં ફસાઈ જતા જીવ બચ્યો
બીજી ઘટના શનિવારે બપોરે 12.37 કલાકે મક્કાઈપુલ ખાતે બની હતી. ઉમરવાડાના નહેરૂ નગરમાં રહેતી 19 વર્ષીય યુવતીએ મક્કાઈપુલ પરથી તાપી નદીમાં કૂદકો માર્યો હતો. જોકે, નદીની અંદર પાણી નહીં હોય તે કાદવમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિક તરવૈયાઔએ તેને તાપી નદીમાંથી બહાર કાઢી હતી. ફાયરના કાફલાએ ઘટના સ્થળે પહોંચી યુવતીને બહાર કાઢી 108માં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. આમ, સુરત ફાયર બ્રિગેડના જવાનોની સ્ફૂર્તિના પગલે બે યુવાનોના જીવ બચાવી શકાયા હતા.

અમરોલીની યુવતીએ બાજુની બિલ્ડિંગના ટેરેસ પરથી કૂદકો માર્યો
અમરોલીમાં કોસાડ રોડ નજીક સ્વીટ હોમ્સમાં રહેતા તારાસિંહ ઠાકોર (મૂળ રહે.,બિહાર) એલઆઈસીના એજન્ટ તરીકે કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. પરિવારમાં પત્ની ઉપરાંત બે પુત્રી અને એક પુત્ર છે. પુત્ર વ્યારાની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. તેમની 18 વર્ષિય પુત્રી ભારતીએ હાલમાં ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તા. 9 ફેબ્રુઆરીના સવારના સમયે ભારતી કતારગામ ખાતેની કોઈ ઓફિસમાં ઇન્ટરવ્યૂ આપીને પરત આવી હતી. ભારતીએ પરિવારને કહ્યું કે, તે શુક્રવારથી નોકરીએ જશે. શુક્રવારે સવારે ભારતી નોકરી જવાની હતી. એ પહેલા બાથરૂમમાં ગઈ હતી. આ દરમિયાન તેણીએ બાથરૂમની બારીનો કાચ કાઢીને બાજુની પાંચ માળની બિલ્ડિંગના ટેરેસ પર જઈ ત્યાંથી નીચે કૂદકો મારી જીવન ટૂંકાવી લીધું હતું. અમરોલી પોલીસના જણાવ્યા અનુસાર ભારતીએ તેનો મોબાઇલ ફોન ફોર્મેટ મારી દીધો હતો. તેના ફ્લેટમાંથી નીચે કૂદી શકાય એવું ન હોવાથી તેણીએ બીજી બિલ્ડિંગ પર જઈને કૂદકો માર્યો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Most Popular

To Top