SURAT

સુરતના ડુમસની ઘટના: પોલીસે દરિયામાં મોજમસ્તી માટે ઉતરેલા યુવકનો જીવ બચાવ્યો

સુરત: સુરતનો (Surat) ફેમસ ડુમસ (Dumas) દરિયો પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થળ છે. પરંતુ કેટલાક માટે તે ભયજનક પણ છે. હાલ ડુમસની એક ઘટના સામે આવી છે. જેમાં ડુમસ ના દરિયામાં (Dumas beach) મોજ મસ્તી માટે ઉતરેલા અને ડુબકા ખાતા એક યુવકને ફાયર ના જવાનોએ સમય સર સ્થાનિક લોકોની મદદથી બચાવી નવજીવન આપ્યું હતું. ફાયર ઓફિસર (Fire Officer) પરીખ સાહેબે જણાવ્યું હતું કે યુવક નું નામ વિષ્ણુ ગાડરિયા ઉ.વ. 16 અને યુ. પી અલીગઢનો રહેવાસી હતો. તે સુરત જોબની શોધમાં આવ્યો હતો. હાલ વિષ્ણુ ને 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ રવાના કરવામાં આવ્યો છે.

પ્રવાસીએ પોલીસને જાણ કરી
જો કે ઘટનાસ્થળ પર ઉપસ્થિત પ્રવાસી આકાશે જણાવ્યું હતું કે તે મિત્રો સાથે ડુમસ ફરવા ગયો હતો. જ્યાં તેમણે જોયું કે દરિયાઈ મોજાની લહેર માં એક કિશોર મોજ મસ્તી કરતો હતો, થોડીવાર બાદ એ દેખાતો બંધ થઈ ગયો હતો. જે બાદ તત્કાલિક સ્થાનિક લોકોને કહી પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ અને ફાયરના જવાનો સમય સર દોડી આવ્યા હતા. તેમજ દરિયાઈ પાણીમાં ગરકાવ કિશોર ને ડૂબકી મારી બહાર કાઢી લાવવામાં આવ્યુ હતું.

નસીબ એને મોત ના મુખમાંથી બહાર લઈ આવ્યું- ફાયર ઓફિસર
વેસુ વિસ્તારના ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે કિશોરનું નસીબ એને બચાવી લાવ્યું. કારણ કે આજે પૂનમની ભરતીને લીધે પાણી કિનારે સુધી આવી ગયુ હતું. જેનાથી કિશોર અજાણ હતો. તેમજ મોજા ઉછળતા હતા. જેમાં કિશોર ભાન ભૂલી ગયો હતો. તેમણે વધુમાં જણાવ્યુ કે ઘટનાની જાણ બાદ 20 મિનિટે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારબાદ પાણીમાં ઉતર્યા અને રેસ્ક્યુ કર્યુ ત્યારે કિશોર દુબકા ખાતો હતો અને જવાનોએ એને દરિયાઈ પાણીના પેટાળ માંથી જીવિત બહાર કાઢ્યો. એક ભાઈ સમય સર બહાર નીકળી ગયો હતો અને વિષ્ણુ દરિયાઈ પાણીના મોજામાં અટવાય ગયો હતો. જો કે એનું નસીબ એને મોત ના મુખમાંથી બહાર લઈ આવ્યું એમ કહી શકાય છે.

Most Popular

To Top