SURAT

સુરતમાં બે વર્ષના બાળક પર રખડતાં કૂતરાંનો હિંસક હુમલો, બાળકના માથા પર સાત ટાંકા આવ્યા

સુરત: (Surat) સુરતમાં ફરી એકવખત બાળકને ડોગ બાઈટનો (Dog Bike) કિસ્સો સામે આવ્યો છે. પર્વત ગામનો માંડ 2 વર્ષનો બાળક રખડતાં કૂતરાંનો ભોગ બન્યો છે. તેણે બાળક પર હિંસક હુમલો કરીને તેનું માથું પોતાના મોઢામાં લઈ લીધું હતું. લોહીલુહાણ થઈ ગયેલા બાળકને માથાના અને આંખના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બાળકના માથામાં 7 ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે આંખ બચી ગઈ હતી.

  • પર્વતગામમાં બે વર્ષના બાળક પર રખડતાં કૂતરાંનો હિંસક હુમલો: કૂતરાંના મોઢામાંથી બાળકનું માથું લોકોએ માંડ છોડાવ્યું
  • બાળકના માથા પર સાત ટાંકા આવ્યા જ્યારે આંખ પર ગંભીર ઇજા, આંખ ખૂલી નહીં શકતા પરિવાર ફરી સિવિલમાં સારવાર માટે દોડ્યું

શહેરમાં રખડતા કૂતરાંના હિંસક હુમલાનો ભોગ સતત બાળકો બની રહ્યાં છે, અને સુરત મહાનગરપાલિકાના શાસકો તથા વહીવટીતંત્ર આંખે પાટા બાંધીને બેઠું છે. પાલિકાના વિપક્ષના નેતા દ્વારા આ મુદ્દો ઉઠાવીને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્રને બાળકો પર થતાં હુમલાથી જાણે કોઈ ફેર જ નથી પડતો. આ સ્થિતિમાં આખા શહેરમાં ચોરેને ચૌટે રખડતાં કૂતરાંઓના ટોળા રખડતાં જોવા મળે છે, જેનો સૌથી વધુ ભોગ નાના બાળકો બને છે.

નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૂળ ઝારખંડનો વતની વિજય રામ હાલ પર્વતગામમાં વિસ્તારમાં આવેલા રબારીવાસ, સંતોષ નગરમાં પત્ની સહિત બે સંતાન સાથે રહે છે. વિજય કાપડ માર્કેટમાં છૂટક મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે સવારે વિજય કામ પર ગયો હતો અને તેની પત્ની ઘરમાં રસોઈ બનાવી રહી હતી. વિજયનો 2 વર્ષનો પુત્ર શિવાન્સ ઘરની બહાર અન્ય 4 થી 5 બાળમિત્રો સાથે રમી રહ્યો હતો. તે દરમિયાન એકાએક રખડતાં કૂતરાએ શિવાન્સ હુમલો કરી શિવાન્સના માથાને મોઢામાં લઇ લીધું હતું. જેથી અન્ય મિત્રોએ બૂમાબૂમ કરતા શિવાન્સની માતા સહિત અન્ય લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં અને શિવાન્સને કૂતરાંના મોઢામાંથી માંડ બચાવ્યો હતો.

આ હુમલામાં શિવાન્સને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ પરિવારજનો શિવાન્સને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં શિવાન્સને માથામાં 7 ટાંકા લેવા પડ્યા હતાં. શિવાન્સને સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. પરંતુ મંગળવારે સવારે શિવાન્સની આંખ ઈજાને કારણે એટલી સુઝી ગઈ હતી કે બાળક આંખ ખોલી શકે તે સ્થિતિમાં જ ન હતો. જેથી પરિવારજનો બપોરે શિવાન્સને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. શિવાન્સના પિતા વિજયે જણાવ્યું હતું કે, કૂતરાના એકાએક હુમલામાં મારા દીકરાની આંખ પર પણ ઈજાઓ પહોંચી હતી. સદનસીબે શિવાન્સની આંખ બચી ગઈ છે. અમારા વિસ્તારમાં રખડતાં કૂતરાંઓનો આતંક એ હદ સુધી વધી ગયો છે કે અમારે રાત્રે પણ ઘરની બહાર નીકળતા પહેલા વિચારવું પડે છે. આ હુમલા બાદ બાળકો પણ ભયભીત છે.

Most Popular

To Top