SURAT

સુરતમાં હીરા ઘસતા યુવાનનું જીવન હીરાની જેમ ચમક્યું

સુરત: મૂળ ભાવનગરના (Bhavnagar) ગારિયાધારના રૂપાવટી ગામના વતની, ગરીબ પરિવારના (Family) યુવાન વિવેક ગોટી ગોટીની કિસ્મત સુરતમાં (Surat) હીરાની (Diamond) જેમ ચમકી ઊઠી છે. ધો.12 પાસ કર્યા પછી રોજગારી ન મળતાં વિવેકે હીરા ઘસવા માટે સુરતની વાટ પકડી હતી. સુરતમાં હીરા ઘસવાની સાથે બાસ્કેટ બોલ રમવાનો શોખ ધરાવનાર વિવેકનો ભેટો સુરતમાં અનાયાસે બાસ્કેટ બોલના એક કોચ સાથે થતાં રત્નકલાકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર રાત-દિવસની મહેનત પછી આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે ઊભરી આવ્યો હતો. બાસ્કેટ બોલમાં ચેમ્પિયન ખેલાડીની જેમ રમનાર વિવેક ગોટી પર ઇન્ડિયન નેવીના અધિકારીઓની નજર પડતાં સ્પોર્ટ્સ ક્વોટામાં નેવીમાં ઓફિસરની નોકરી ઓફર થતાં વિવેકે સ્વીકારી હતી. પરિણામે આજે તે ઇન્ડિયન નેવીની બાસ્કેટ બોલ ટીમના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે દેશ-વિદેશમાં પ્રતિનિધિત્વ કરે છે. અને મહારાષ્ટ્રના લોનાવાલામાં વસવાટ કરે છે.

સુરતના જાણીતા બાસ્કેટ બોલ કોચ રાજેશ ભાલાળાએ કહ્યું હતું કે, ભાવનગરના ગારિયાધારના રૂપાવટી ગામનો વતની, ગરીબ પરિવારનો વિવેક ગોટી નામનો યુવાન ગામમાં ધો.12નો અભ્યાસ પૂરો કરી પરિવારને મદદરૂપ બનવા રોજગારીની શોધ માટે સુરત આવ્યો હતો. 6 ફૂટ અને 8 ઇંચની ઊંચાઈ ધરાવતા વિવેક ગોટીને નાનપણથી સ્પોર્ટ્સમાં રુચિ હતી.
હીરા બજારમાં મંદી આવતા હીરાની દલાલી તરફ વળવાની વિવેક ગોટીને ફરજ પડી ત્યારે તેના એક મિત્રએ શહેરના નામાંકિત બાસ્કેટ બોલ ખેલાડી અને કોચ એવા રાજેશ ભાલાળા સાથે મુલાકાત કરાવી. રાજેશભાઈ વિવેકની ઊંચાઈ જોઈ બાસ્કેટ બોલ માટે આ વિવેકને તાલીમ આપવાની શરૂઆત કરી હતી.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાસ્કેટ બોલ મેદાનમાં રોજ સવારે છ વાગ્યે વિવેક પહોંચી જતો અને પ્રેક્ટિસ કરતો હતો. બાસ્કેટ બોલની એક સ્પર્ધા માટે કચ્છ ગયો ત્યારે બાસ્કેટ બોલ એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેને રમતો જોઈને આ યુવાનમાં આંતરરાષ્ટ્રીય ખેલાડી બનવાની સંભાવના પારખી લીધી. તેમણે પોતે ખર્ચ ઉઠાવી ભાવનગર બાસ્કેટ બોલ એકડેમીમાં એડમિશન કરાવ્યું હતું. એ પછી તે ઘણી સ્ટેટ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલની મેચોમાં ઝળક્યો હતો. અને અહીંથી તેનો સમાવેશ ઇન્ડિયન નેવીની ટીમમાં થયો હતો.

Most Popular

To Top