SURAT

15000 કરોડનાં લેબગ્રોન ડાયમંડના વેપાર માટે જુદી પોલીસી બનશે, કેન્દ્ર સરકારની નજર ઠરી

સુરત: વિશ્વમાં (World) નેચરલ ડાયમંડની (Diamond) સાથે સિન્થેટિક કે લેબગ્રોન ડાયમંડની વધી રહેલી માગને પગલે ચીન અને અમેરિકા મોટા માર્કેટ બન્યા છે. ત્યારે પરંપરાગત ભારતીય વ્યવસાયમાં દેશ પાછળ નહીં રહે તે માટે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સુરત અને મુંબઈમાં લેબગ્રોન કટ એન્ડ પોલિશડ ડાયમંડ મેન્યુફેકચર્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા 10 મોટા ગ્રોઅર્સ, એક્સપોર્ટરને આવતીકાલે મંગળવારે નવી દિલ્હી બોલાવ્યા છે.

જીજેઈપીસી ગુજરાતના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, અત્યારે લેબગ્રોન ડાયમંડ માટે HPHT રફ 100 ટકા ચીનથી ઈમ્પોર્ટ કરવી પડે છે. બીજી તરફ આ ઇન્ડસ્ટ્રીનો ભારતનો કુલ વેપાર 15,000 કરોડનો છે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને અગાઉ લેબગ્રોન માટે અલાયદી પોલીસી બનાવવા રજૂઆત કરવામાં આવી હતી. સરકાર ઈચ્છે છે કે HPHT લેબગ્રોન ડાયમંડની રફ સુરત કે મુંબઈના મેન્યુફેકચર્સ બનાવે. અત્યારે સુરત – મુંબઇના મેન્યુફેકચર્સ સીવીડી – સિન્થેટિક રફનું ઉત્પાદન કરે છે. અને સીવીડી પોલિશ્ડ તથા સીવીડીમાંથી બનેલી જવેલરીનો એક્સપોર્ટ કરે છે. સરકાર લેબગ્રોન કે સિન્થેટિક ડાયમંડ માટે નવી પોલિસી બનાવે એવી રજૂઆત વાણિજ્ય મંત્રીને કરાશે. સાથે સાથે ચીન મેન્યુફેકચર્સ અને એક્સપોર્ટર જે ઇનસેન્ટિવના લાભો આપે. સુરતમાં અત્યારે 500 લેબગ્રોન કટ એન્ડ પોલિશડ મેન્યુફેકચરર કાર્યરત છે. 10 મોટા ગ્રોઅર્સ અને એક્સપોર્ટર પણ સક્રિય છે. સીવીડીમાં સુરત આગળ છે.

કોરોના પછી સુરતથી સતત એક્સપોર્ટ વધ્યો
સુરત: કોવિડ-19 કોરોના સંક્રમણના દોઢ વર્ષ પછી વિશ્વના જેમ એન્ડ જવેલરી માર્કેટમાં જોવા મળેલી તેજીને પગલે ભારતથી લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં એપ્રિલ થી ઓક્ટોબર 2021 સુધી 188.70 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. જીજેઈપીસી દ્વારા છેલ્લા 3 વર્ષના એપ્રિલથી ઓક્ટોબર સુધીના તુલનાત્મક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. તે મુજબ આ અરસામાં 2019માં લેબગ્રોન ડાયમંડનો એક્સપોર્ટ 207.58 મિલિયન અમેરિકન ડોલર હતો. જે 2020માં વધીને 288.42 મિલિયન ડોલર થયો અને 2021માં એપ્રિલથી ઓક્ટોબર 2021 સુધીમાં 188 ટકા વધી 734.01 મિલિયન ડોલર નોંધાયો છે. લેબગ્રોનમાં આગ ઝરતી તેજી 2022માં પણ ચાલુ રહી છે. માત્ર સુરતથી 2600 કરોડનો વેપાર થયો છે. આ તેજીને લીધે લેબગ્રોનમાં પાતળી રફના ભાવમાં 40 ટકા અને જાડી રફમાં 50 ટકા વધારોનોંધ્યો છે. વિશ્વમાં સારી માંગને પગલે છેલ્લા ચાર મહિનામાં જ લેબગ્રોન હીરાની રફના ભાવમાં વધારો થયો છે.

સુરત લેબગ્રોન ડાયમંડ મેન્યુફેકચર્સ એસોસિએશનના પ્રમુખ બાબુ વાઘાણી એ જણાવ્યું હતું કે, કુદરતી હીરાની જેમ લેબગ્રોન રફના ભાવમાં વધારો થઈ રહ્યો છે. નેચરલ ડાયમંડની રફમાં થયેલા ભાવ વધારા પછી લેબગ્રોન હીરાની માંગમાં વધારો થયો હતો. સુરતમાં લેબગ્રોન મેન્યુફેકચરિંગના 300 કારખાનાઓ ચાલી રહ્યાં છે. લેબગ્રોન ડાયમંડ (કૃત્રિમ હીરા) નેચરલ (કુદરતી હીરા) કરતાં સસ્તા હોય છે.ક્વોલિટી પ્રમાણે 60/40 અથવા 70/30 નો ભાવ ફેર હોય છે.હલકી જવેલરીમાં લેબગ્રોનનો ઉપયોગ વધ્યો છે.

Most Popular

To Top