SURAT

સુરતના જાણીતા મેગા સ્ટોર ધીરજ સન્સના સંચાલકને એક વર્ષની સજા

સુરત (Surat): સુરત શહેરમાં સુપર સ્ટોર્સ ક્ષેત્રે ખૂબ જ જાણીતી કંપની ધીરજ સન્સના (Dhiraj Sons) સંચાલકને એક વર્ષની સજાનો હૂકમ સુરત જિલ્લા કોર્ટ (Surat District Court) દ્વારા કરાતા સોંપો પડી ગયો છે. એવું તો શું થયું કે શહેરની આટલી પ્રખ્યાત કંપનીના સંચાલકને કોર્ટે સજા ફટકારી? આ સવાલ સવારથી જ શહેરમાં ચર્ચાવા લાગ્યો છે.

  • ધીરજ સન્સના સંચાલક અંકુર મોદીને 1 વર્ષની સજા
  • ચેક રિટર્ન કેસમાં સુરત જિલ્લા કોર્ટે સજા ફટકારી
  • મિત્ર પાસેથી 10 લાખ ઉધાર લીધા બાદ ચૂકવ્યા નહોતા

આ કેસની વિગત એવી છે કે ધીરજ સન્સના અત્યંત જાણીતા અઠવાગેટ ખાતે આવેલા મેગા સ્ટોર્સનું સંચાલન કરતા અંકુર પ્રફુલચંદ્ર મોદી વિરુદ્ધ તેમના મિત્ર અશ્વિન બચુ શાહએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. અશ્વિન બચુ શાહે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ અંકુર મોદી વિરુદ્ધ કોર્ટને ફરિયાદ આપી હતી. ફરિયાદી અશ્વિન શાહના એડવોકેટ યાહ્યા શેખ મુખ્તીયાર શેખ દ્વારા 16-12-2019ના રોજ સુરતની જિલ્લા કોર્ટમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ તા. 22-12-2022ના રોજ ધીરજ સન્સના સંચાલક અંકુર પ્રફુલચંદ મોદીને સંબંધિત કેસમાં તકસીરવાર ઠેરવી એક વર્ષની કેદની સજા તેમજ ફરિયાદીને રૂપિયા 10 લાખનું વળતર ચૂકવવા હૂકમ કર્યો છે.

અંકુર મોદી વિરુદ્ધ શું હતી ફરિયાદ?
આ કેસની હકીકત એવી છે કે ફરિયાદી અશ્વિન શાહ કેટરીંગનું કામકાજ કરે છે, જ્યારે આરોપી અંકુર પ્રફુલચંદ મોદી અને તેમની પત્ની જેનીશબેન અંકુર મોદી અઠવાગેટ ખાતે આવેલા ધીરજ સન્સ મેગા સ્ટોર્સનું સંચાલન કરે છે. અંકુરભાઈને 2018ના અરસામાં રૂપિયાની જરૂરિયાત હોવાથી મિત્ર અશ્વિનભાઈ પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી, અશ્વિનભાઈએ મિત્રતાના નાતે અંકુરભાઈ મોદીને ટુકડે ટુકડે રૂપિયા 10 લાખ ઉધાર આપ્યા હતા. થોડા સમય બાદ અશ્વિનભાઈએ પોતાની લેણી રકમની ઉઘરાણી કરી ત્યારે અંકુરભાઈએ ચૂકવણા પેટે ચેક આપ્યા હતા. જોકે, આ ચેક રિટર્ન થયા હતા. તેથી અશ્વિનભાઈએ કોર્ટમાં અંકુર મોદી વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

અંકુર મોદીએ અનેક લોકો પાસેથી ઉધાર રૂપિયા લીધા હતા
આ કેસની તપાસ દરમિયાન એવી હકીકત બહાર આવી હતી કે અંકુર મોદીએ મિત્ર અશ્વિન શાહ ઉપરાંત અન્ય અનેક ઈસમો પાસેથી ઉધારમાં નાણાં લીધા હતા. તે માટે અંકુર મોદીએ લેણદારોને મિલકતો આપવાનું વચન આપ્યું હતું. લેણદારોની યાદી સાથેના પુરાવા અશ્વિન શાહે કોર્ટમાં રજૂ કર્યા હતા. સંબંધિત પુરાવાઓને ધ્યાને લઈ કોર્ટે ધીરજ સન્સ મેગા સ્ટોર્સના સંચાલક અંકુર મોદીને તકસીરવાર ઠેરવી એક વર્ષની સજા ફરમાવી છે.

Most Popular

To Top