SURAT

સુરતમાં વધુ બે યુવક અને બે આધેડ હાર્ટ એટેકના ખપ્પરમાં હોમાતા ખોફનો માહોલ

સુરત: (Surat) શહેરમાં અચાનક બેભાન થઈ જતાં વધુ 4 યુવાનના મોત (Death) નીપજતાં ડરનો માહોલ ફેલાયો છે. ઘરેથી રૂપિયા લઈને હોસ્પિટલ બતાવવા જાઉં છું તેવું વિચારતા પુણાગામના યુવકનું બેભાન થઈ જતાં મોત નિપજ્યું હતું. તેમજ ટેમ્પો લઈને જતા ડ્રાઈવરને છાતીમાં દુખાવો થતાં તે ટેમ્પો સાઈડ ઉપર રોકી દેતા અકસ્માત સર્જાતા બચ્યો હતો, પરંતુ તેને સારવાર મળે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું.

  • શહેરમાં વધુ બે યુવક અને બે આધેડ હાર્ટ એટેકના ખપ્પરમાં હોમાતા ખોફનો માહોલ
  • 27 વર્ષીય યુવકે વિચાર્યું કે પૈસા લઈને હોસ્પિટલ બતાવવા જાઉં, પણ કાળે એટલો પણ સમય આપ્યો નહીં
  • ચાલુ ટેમ્પાએ ડ્રાઈવરને છાતીમાં દુખ્યું, ટેમ્પો સાઈડ પર ઉભો રાખતાં અકસ્માત ટળી ગયો, મોત નહીં
  • છાતીમાં દુખાવાના અગોચર માર્ગે વધુ ચારનાં મોત નીપજ્યા

મળેલી માહિતી મુજબ, મૂળ સૌરાષ્ટ્રના વતની દર્શન રસિક વાઘેલા (27 વર્ષ) પુણાગામ ખાતે હસ્તીનાપુર રોડ ઉપર પત્ની તેમજ ત્રણ સંતાન સાથે રહેતો હતો અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મંગળવારે સવારે 11:30 વાગ્યાના અરસામાં દર્શન ડિંડોલી ખાતે સાઈ પોઇન્ટ એપાર્ટમેન્ટમાં તેના સાસરે ગયો હતો. જ્યાં તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. જેથી તેના સાળા રાજેશે તેને હોસ્પિટલ જવાનું કહ્યું હતું. ‘હું ઘરે જઈને રૂપિયા લીધા પછી હોસ્પિટલ જવા’ તેમ કહી દર્શન રોકાઈ ગયો હતો. જો કે થોડીવાર બાદ દર્શન અચાનક ઢળી પડ્યો હતો. રાજેશ 108 એમ્બ્યુલન્સ મારફતે દર્શનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈને ગયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

બીજા બનાવમાં, મૂળ તેલંગાણાના વતની અને લિંબાયત મીઠીખાડી ડુભાલ ટેનામેન્ટ ખાતે રામક્રિષ્ન સૌમયા બિરલા (40 વર્ષ) ખાતે બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતો હતો અને ઘર પાસે મહાપ્રભુ નગરમાં સાડીના ધાગા કટિંગનું કામ કરતો હતો. સોમવારે સવારે રામક્રિષ્ન નોકરી ઉપર હતો. તે દરમિયાન તેને છાતીમાં દુખાવો થતાં તેનો શેઠ સાગર તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ત્રીજા બનાવમાં, મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ઉત્રાણ રામનગર હળપતિવાસમાં વિજય દશરથ મહાજન (44 વર્ષ) પરિવાર સાથે રહેતો હતો અને કતારગામ જીઆઇડીસી ખાતે એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં ટેમ્પો ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. સોમવારે સાંજે 4:25 વાગ્યાના અરસામાં વિજય ટેમ્પો લઈને અન્ય બે મજુર સાથે બમરોલી ખાતે માલની ડિલિવરી કરવા માટે ગયો હતો. વિજય ત્યાંથી પરત આવી રહ્યો હતો તે દરમિયાન લાલદરવાજા બ્રિજ ઉપર વિજયને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. જેથી તેણે રસ્તાની સાઈડમાં ટેમ્પો ઉભો કર્યો હતો. તેની સાથેના મજૂરોએ તેના શેઠ દીપકને ફોન કરીને બોલાવ્યા હતા. 108 મારફતે વિજયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ચોથા બનાવમાં, મૂળ અમરેલીના વતની જીગ્નેશ વ્રજલાલ પટેલ (45 વર્ષ) પુણાગામ મીરા અંબિકા સોસાયટીમાં બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતો હતો અને ઘરમાં સાડી ઉપર લેસપટ્ટી લગાવવાનું કામ કરતો હતો. સોમવારે બપોરે 3:30 વાગ્યાના સુમારે જીગ્નેશ ઘરમાં હતો, તે દરમિયાન તેને છાતીમાં દુખાવો થતા તે બેભાન થઈ ગયો હતો. પરિવારજનોએ 108 મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

Most Popular

To Top