SURAT

સુરતથી નાસિક વચ્ચેનું એક્સપ્રેસ વેનું કામ અટકી પડ્યું, આ છે કારણ

સુરત: (Surat) સુરત-ચેન્નઇ એક્સપ્રેસ વેનું (Express Way) કામ હાલ અટકી પડ્યું છે. પર્યાવરણ મંત્રાલયે (Ministry of Environment) મંજૂરી ન આપતા આ કામ અટક્યું છે. આ રસ્તા પર ઇકોલોજિકલ ઝોન આવતો હોવાને કારણે મુશ્કેલી સર્જાઇ છે. જણાવી દઈએ કે સુરત-ચેન્નઈ (Surat-Chennai) વચ્ચે વેપારી ગતિવિધિને પ્રોત્સાહન આપવા માટે સુરતથી ચેન્નઇ વચ્ચે 1271 કિ.મી. લાંબો કોરિડોર બની રહ્યો છે. હવે સુરત-ચેન્નઇ એક્સપ્રેસ વેનું રૂટ બદલાય તેવી શક્યતા છે. તેનું કારણ એ છે કે હાલના સૂચિત રૂટમાં પહાડો અને જંગલ (Mountains and Forest) છે. છ લેનનો એક્સપ્રેસ હાઈવે બનાવવા માટે ઘણાં વૃક્ષો અને પર્વતો કાપવાની જરૂર પડી શકે તેમ છે. પર્યાવરણ મંત્રાલયની મૂલ્યાંકન સમિતિએ આ મામલે વાંધો લીધો છે. જેને કારણે કામ અટકી પડ્યું છે.

સુરતથી ચેન્નઇ વચ્ચે 1271 કિ.મી. લાંબા એક્સપ્રેસ વેની યોજનામાં સુરતથી નાસિક અને નાસિકથી અહમદનગર સુધી 290 કિ.મી.નો રૂટ છે. સુરત-ચેન્નઇ ઇકોનોમિક કોરિડોર બની જવાથી મુંબઇ જવાની જરૂર નહીં પડે. સીધા નાસિકથી અહમદનગર થઇને ચેન્નઇ પહોંચી શકાશે. તેનાથી ઘણો સમય અને ઇંધણ બચી શકે તેમ છે. હાલ સુરતથી ચેન્નઇ જવા માટે મુંબઇ-પૂણે અને હૈદરાબાદા થઈને જવું પડે છે. આ રૂટ ખૂબ વ્યસ્ત હોવાને કારણે અહીં ભારે ટ્રાફિક રહે છે. સુરતથી ચેન્નઈ વચ્ચે 1271 કિમીનો કોરિડોર બનવાને કારણે 300 કિ.મી. જેટલું અંતર ઓછું કાપવું પડી શકે છે. જેથી ચેન્નઈ પહોંચવા માટે સમય પણ ઓછો જશે.

જોકે સુરતથી નાસિક સુધી 150 કિ.મી. સુધીનો વિસ્તાર પશ્ચિમ ઘાટના ઇકોલોજિકલ ઝોન હેઠળ આવતો હોવાથી સુરત-ચેન્નઇ એક્સપ્રેસ વેનું એલાઇન્મેન્ટ બદલાય તેવી શક્યતા જણાઈ રહી છે. તેનું કારણ એ છે કે આ વિસ્તારમાં પર્વતો અને જંગલ આવે છે. ઇકોલોજિકલ ઝોનના નિયમો હેઠળ અહીં નવું નિર્માણ કરવું મુશ્કેલ છે. કારણકે કામગીરી આગળ વધારવા માટે ઘણાં વૃક્ષો કાપવાની જરૂર પડી શકે છે. પર્યાવરણ મંત્રાલયની મૂલ્યાંકન સમિતિએ આ મુદ્દે વાંધો લીધો છે. જેના કારણે ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે નાસિક નજીક 150 કિ.મી.ના એલાઇન્મેન્ટનું કામ શરૂ થઈ શક્યું નથી. હવે એલાઇન્મેન્ટ બદલીને તેને હાલના હાઇવે સાથે જોડવાની ચર્ચા ચાલી રહી છે. નાસિકથી અહમદનગર સુધી 160 કિ.મી.ના અંતરમાં પણ યોજના અટકી ગઇ છે.

Most Popular

To Top