SURAT

એક કિલોમીટર સુધી નહેરમાં તણાયા બાદ સુરતના વિદ્યાર્થીના હાથમાં આવી એક વસ્તુ અને બચી ગયો

કામરેજ: (Kamrej) બે દિવસ અગાઉ શેખપુર પાસે કાકરાપાર જમણા કાંઠાની નહેરના બીમ સાથે બે મિત્રોની બાઇક અથડાયા બાદ નહરેમાં ખાબકી હતી. આ બંને મિત્રો (Friends) મોટરસાઇકલ સાથે જ નહેરમાં તણાયા હતાં. આ બનાવમાં એક મિત્ર નહેરમાંથી (Canal) બહાર નીકળવામાં સફળ રહ્યો હતો જ્યારે બીજાનો મૃતદેહ પાલડી ગામ ખાતેથી મળી આવ્યો હતો.

  • એક કિલોમીટર સુધી નહેરમાં તણાયા બાદ ગાબડાંનો ખાંચો હાથમાં આવી જતાં ગાંધી કોલેજના વિદ્યાર્થીનો જીવ બચ્યો
  • પૂણાગામના બે મિત્રોને અકસ્માત થતાં બાઇક સાથે કુડસદ નહેરમાં ખાબક્યા હતાં
  • બે દિવસ બાદ એક મિત્રની લાશ કીમના પાલડી ખાતેથી મળી આવી

આ બનાવની મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેકડા ગામના વતની અને હાલ સુરતના પુણા ગામ પાસે શીક્ષાપત્રી એવન્યુમાં ફલેટ નંબર જે 403 માં રહેતા ભાવિન કિરીટભાઈ અકબરી મજૂરાગેટ ખાતે ગાંધી કોલેજમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. બે દિવસ પહેલા તે પાડોશમાં રહેતા મિત્ર મોહિત બેચરભાઇ દેસાઇ સાથે ઓલપાડ તાલુકાના કુડસદ ગામે આવેલા મિત્રના ફાર્મ ઉપર જઇ રહ્યાં હતાં.

આ બંને કામરેજના શેખપુરની સીમમાંથી પસાર થઇ રહ્યાં હતાં ત્યારે, શેખપુર ગામ પાસે તેમની બાઇક નહેરના બીમ સાથે અથડાઇ ગઇ હતી. જેના કારણે સંતુલન ગુમાવતા બંને બાઇક સાથે નહેરમાં ખાબક્યા હતાં. આ નહેરના ધસમસતા પાણીમાં બંને તણાઇ ગયા હતાં. જેમાં એકાદ કિલોમીટર જેટલું તણાયા બાદ ભાવિનના હાથમાં નહેરમાં પડેલા ગાબડાનો ખાંચો આવી જતા તે યેનકેન પ્રકારે નહેરની બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. તેણે બહાર નીકળીને થોડે દૂર ચાલતી બુલેટ ટ્રેનની સાઇટ ઉપર પહોંચ્યો હતો. ત્યાં કોઇનો મોબાઇલ માંગીને પરિવારજનોને ઘટનાનીજાણ કરી હતી. જેના કારણે પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દરમિયાન સોમવારે સાંજે મોહિતની લાશ કીમ પાસે આવેલા પાલડી ગામની હદમાંથી મળી આવી હતી.

યુવકે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યુ
વ્યારા: ઉચ્છલ તાલુકાના વડદેખુર્દ ગામે અલ્કાબેન બિપીનભાઇ વસાવા (ઉ.વ.૨૨)એ કોઇ અગમ્ય કારણોસર આપઘાત કરી જીવન ટુંકાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગત તા.૨૯/૦૫/૨૦૨૨ ના રોજ રાત્રીના આશરે ૮ થી ૧૧:૩૦ વાગ્યાના અરસામાં અલ્કાબેને પોતાના ઘરના છતના આડીયા સાથે દોરડુ બાંધી ગળે ફાંસો ખાઇ લેતા અરેરાટી મચી જવા પામી છે. આ યુવતીને હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મોતથી પરિવારમાં શોક છવાયો હતો. જે અંગેની આપઘાત કર્યાની ઘટના પોલિસ ચોપડે નોંધાઇ છે. જેતુભાઈ રામજીભાઈ ગામીત (ઉ.વ.૫ર)એ આ ઘટનાની પોલિસને જાણ કરતા આ અંગેનો ગુંહો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top