SURAT

નવી સિવિલમાં 34મું અંગદાન : 19 વર્ષીય બ્રેઈનડેડ યુવકની આંખ અને બે કિડનીના દાનથી માનવતા મહેંકી

સુરત : દાનવીરોની ભૂમિ સુરતમાં (Surat) સપ્તાહમાં બેથી વધુ બ્રેઈનડેડ (brain dead) વ્યક્તિના પરિવારજનોએ અંગદાન (Organ Donation) કર્યું. અકસ્માતની ઘટનાઓમાં વ્યકિતને માથાના ભાગે ઈજા થવાના કારણે અથવા બ્રેઈન સ્ટ્રોકના કારણે બ્રેઈનડેડ જાહેર કરવામાં આવતા હોય છે. ત્યારે બ્રેઈનડેડ વ્યક્તિના અંગો જરૂરિયાતમંદ દર્દીઓના નવજીવનના નવા રંગો પૂરે છે. શહેરમાં દેશભરમાંથી રોજગારી અર્થે આવેલા પરપ્રાંતીય લોકોમાં પણ બ્રેઈનડેડ સ્વજનના આંખ અને બે કિડનીનું દાન કરવામાં જાગૃત્તિ આવી છે. જેનું તાદ્રશ્ય ઉદાહરણ મિશ્રા પરિવારે પૂરૂ પાડ્યું છે. મિશ્રા પરિવારના 19 વર્ષીય બ્રેઈનડેડ યુવકની આંખ અને બે કિડનીના દાનથી માનવતા મહેંકી હતી. આ સાથે સુરતની નવી સિવિલમાં (New Civil) 34મું અંગદાન થયું હતું.

મૂળ ઉત્તરપ્રદેશના ચિત્રકુટના વતની અને સુરત શહેરના નવાગામ ડીંડોલી સ્થિત ગીતાનગરમાં પરિવાર સાથે 19 વર્ષીય નિરજ ભૈયાલાલ મિશ્રા રહે છે. નિરજ ભૈયાલાલ મિશ્રા 17મી જુલાઈના રોજ સાંજે 5 વાગ્યે ઉધના-ભેસ્તાન સ્થિત સુર્યોદય સ્કુલમાં મિત્રની બર્થ ડેની ઉજવણી દરમિયાન મોબાઈલમાં સેલ્ફી ખેંચતા સમયે પહેલા માળેથી પડી ગયો હતો. નીચે પડી જતા તેને તાતત્કાલીક 108 એમ્બ્યુલન્સના મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યાના ચાર દિવસ સુધી સારવાર ચાલી હતી. જે પછી 21મી જુલાઈએ એટલે કે આજ રોજ સવારે 8:46 વાગે ન્યુરોસર્જન ડો.જય પટેલ તથા ન્યુરો ફિજીશ્યન ડો.કેયુર પ્રજાપતિએ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયાએ બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. નિરજ ભૈયાલાલ મિશ્રાને બ્રેઈનડેડ જાહેર કરતા નવી સિવિલ હોસ્પિટલના ડો.નિલેશ, કાઉન્સેલર નિર્મલા કાથુડ, ગુલાબેએ મિશ્રા પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.

પિતાએ અંગદાન માટે સંમતિ આપી
નિરજ ભૈયાલાલ મિશ્રાના પિતા ભૈયાલાલ મિશ્રાએ અંગદાન માટે સંમતિ આપી હતી. સંમતિ આપતા વહેલી સવારે બ્રેઈનડેડ સ્વ.નિરજની આંખ અને બન્ને કિડનીનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. જેમાં આંખ આઈ બેંક નવી સિવિલ હોસ્પિટલ ખાતે તથા બન્ને કિડની અમદાવાદની I.K.D હોસ્પિટલમાં એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

મિશ્રા પરિવારે ‘મહાદાન અંગદાન’ના વાક્યને સાકાર કર્યું
નિરજ ભૈયાલાલ મિશ્રાના અંગોનાદાન કરી મિશ્રા પરિવારે ‘મહાદાન અંગદાન’ના વાક્યને સાકાર કર્યું છે અને તેનાથી અન્ય વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ અને સિકયુરિટી સ્ટાફના પ્રયાસો થકી એક વધુ અંગદાન સફળ બન્યું હતું. આ અંગદાન સાથે સુરતની નવી સિવિલમાં 34મું અંગદાન થયું હતું.

Most Popular

To Top