SURAT

મેટ્રોના બેરીકેટના કારણે થતી ટ્રાફિક સમસ્યા ઘટાડવા કાદરશાની નાળમાં કરાયું આ કામ

સુરત: (Surat) શહેરમાં મેટ્રોની (Metro) કામગીરીને પગલે ઠેકઠેકાણે બેરિકેડિંગ (Barricading) કરી દેવાયાં છે. જેના કારણે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. શહેરીજનો ટ્રાફિકને કારણે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જે વિસ્તારોમાં મેટ્રોની કામગીરી હજી શરૂ નથી થઈ ત્યાં પણ બેરિકેડિંગ કરી દેવાતાં લોકોને ખૂબ જ હાલાકી થઈ રહી છે અને લોકોમાં રોષની લાગણી વધી રહી છે. ત્યારે પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ નગરસેવકો અને ધારાસભ્યો પણ મજબૂરીથી મૌન ધરીને બેઠા હોય, પ્રજા લાચાર હોવાની પ્રતીતિ થઇ રહી છે.

  • આખરે મેટ્રોના બેરીકેટના કારણે થતી કાદરશાની નાળની ટ્રાફિક સમસ્યા ઘટાડવા ચેનલાઈઝર તોડાયુ
  • જે વિસ્તારોમાં મેટ્રોની કામગીરી હજી શરૂ નથી થઈ ત્યાં પણ બેરિકેડિંગ કરી દેવાતાં લોકોને ખૂબ જ હાલાકી થઈ રહી છે

ત્યારે મેટ્રોની મોંકાણ શરૂ થઇ ત્યારથી પ્રથમ વખત કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા કાદરશાની નાળ પાસેના સર્કલને નાનું કરવા માટે રજુઆત કરવામાં આવી હતી જેના પગલે નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં મેટ્રો રેલની બાજુમાં આવેલા ત્રિકોણ ચેનલાઈઝર તોડી દૂર કરી, રસ્તામાં પેચ વર્ક કરી રસ્તો રાહદારીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતા. આથી ટ્રાફિક માટે આવવા અને જવાનાં અલગ રસ્તા થવાથી ટ્રાફિક નું ભારણ ઓછું થશે. આગળ જરૂર જણાશે તો મોટું સર્કલ ને નાનું કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

શહેરના કોટ વિસ્તારમાં કે જ્યાં પહેલેથી જ સાંકડા રસ્તાને કારણે ટ્રાફિકની સમસ્યા થતી હતી ત્યાં હવે મેટ્રોના કારણે રસ્તા પર બેરિકેડિંગ કરી દેવાતાં ટ્રાફિક થઈ રહ્યો છે. સેન્ટ્રલ ઝોનમાં કે જ્યાં મેટ્રો અંડરગ્રાઉન્ડ પાસ થવાની છે ત્યાં ઘણા સમયથી કામ શરૂ કરી દેવાયું છે અને અહીં ચોક, કાદરશાની નાળ વગેરે વિસ્તારમાં ટ્રાફિક થઈ રહ્યો છે. ત્યારે કાદરશાની નાળનું સર્કલ કે જે ખૂબ જ મોટું છે તે નાનું કરવા નગરસેવક વ્રજેશ ઉનડકટે રજૂઆત કરી હતી. કારણ કે, આ વિસ્તારના રસ્તા ખૂબ જ સાંકડા છે અને અહીં દબાણોની પણ સમસ્યા છે.

જેથી લોકોને પહેલેથી જ અહીં ટ્રાફિકની સમસ્યા છે. ત્યારે હવે મેટ્રોનું પણ કામ શરૂ થઈ જતાં લોકોને ખૂબ જ હાલાકી થઈ રહી છે. જેથી મેટ્રોનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી આ સર્કલને નાનું કરવા વ્રજેશ ઉનડકટે રજૂઆત કરી હતી. વધુમાં તેઓએ આ વિસ્તારમાં બિરયાનીની લારીઓ તેમજ ભંગારવાળાઓને કારણે જે રસ્તા પર દબાણ થાય છે તે પણ હટાવવા માંગ કરી હતી. જેથી ટ્રાફિક હળવું થઈ શકે.

Most Popular

To Top