SURAT

સુરતના વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર ટીઆરબી સાજન ભરવાડને આખરે સસ્પેન્ડ કરાયો

સુરતઃ સુરત શહેરના ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનોના ભ્રષ્ટ્રાચારની પોલમપોલ ઉઘાડી પાડનાર એડવોકેટ મેહુલ બોઘરા પર ગુરુવારે સવારે સરથાણા કેનાલ રોડ પર પોલીસની હાજરીમાં દંડાથી જીવલેણ હુમલો કરનાર ટીઆરબી સુપરવાઈઝર સાજન ભરવાડને આખરે સુરત શહેર પોલીસ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ૨૪ કલાકથી વધુ સમય સુધી તપાસની રમત રમાયા બાદ આખરે પોલીસ પર પ્રેશર બનતા સાજન ભરવાડને સસ્પેન્ડ કરાયો છે.

સુરત શહેરમાં ટ્રાફિક નિયમન સુવ્યવસ્થિત રીતે સુચારૂરૂપે જળવાઈ રહે તે હેતુથી શહેરની જનતાના યોગદાનથી શહેરમાં ટ્રાફિક બ્રિગેડની રચના કરવામાં આવી હતી. આ ટ્રાફિક બ્રિગેડનું કાર્ય સુરત શહેર ટ્રાફિક પોલીસને મદદરૂપ થવાનું હતું. જેથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે પરંતુ આ ટ્રાફિક બ્રિગેડ સુરત શહેર પોલીસને ટ્રાફિક વ્યવસ્થા જાળવવાના બદલે ટ્રાફિક પોલીસની અંગત વ્યવસ્થા જાળવવામાં વધુ મદદરૂપ બની રહ્યાં છે. ટીઆરબીના જવાનો ટ્રાફિક પોલીસ વતી લાંચ ઊઘરાવનારા એજન્ટ બની ગયા છે. પ્રજાને લૂંટનારા આ ટીઆરબીને પગાર પણ પ્રજાના જ ગજવામાંથી ઉઘરાવીને ચૂકવવામાં આવી રહ્યો છે. આવા ભ્રષ્ટ્રાચારી ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોની પોલને ઉઘાડી પાડવાના હેતુથી ગુરુવારે સવારે સરથાણાના વકીલ મેહુલ બોઘરા લાઈવ વીડિયો ઉતારી રહ્યાં હતાં ત્યારે સાજન ભરવાડ નામના ટીઆરબી સુપરવાઈઝરે તેમની પર પોલીસના દંડાથી જીવલેણ હુમલો કર્યો હતો. ૧૫થી વધુ વખત દંડા મારી વકીલ સાજન ભરવાડનું માથું ફોડી નાંખ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યાર બાદ વકીલ મેહુલ બોઘરાના સમર્થનમાં સરથાણા, વરાછાના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને મોડી રાત્રે સરથાણા પોલીસ સ્ટેશનની બહાર મોરચો કાઢ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ આઈ સપોર્ટ મેહુલ બોઘરા અભિયાન છેડવામાં આવ્યું હતું.

બીજી તરફ સુરત શહેર પોલીસ તપાસનું નાટક કરી રહી હતી, પરંતુ આખરે ૨૪ કલાક કરતા વધુ સમય વીત્યા બાદ સાજન ભરવાડને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ રીતે સુરત શહેર પોલીસે પોતાના મહેકમમાં ચાલતા ભ્રષ્ટ્રાચાર પર પડદો નાંખવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે સાજન ભરવાડ જેવા ટીઆરબીને કે જે પોલીસ મહેકમનો કર્મચારી પણ નથી તેને સસ્પેન્ડ કરવામાં આટલો બધો સમય કેમ લાગ્યો? વળી, શું સાજન ભરવાડને એક વકીલ પર જાહેરમાં હુમલો કરવાની હિંમત કોઈના આશીર્વાદ વગર જ આવી? સુરત શહેરમાં ખદબદતા ભ્રષ્ટ્રાચારને ડામવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કડક પગલાં લેવા પડશે એ સમયની માંગ છે.

Most Popular

To Top