SURAT

સુરતમાં અપહરણ, લૂંટ, મર્ડરના ગુના આચરતી આસીફ ટામેટા ગેંગનો સફાયો

સુરત: સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આસીફ ટામેટા ગેંગની સામે ગુજસીટોકનું હથિયાર ઉગામી ગેંગમાં સામેલ 14 સભ્યોની સામે ગુનો દાખલ કર્યો હતો. ગેંગમાં છેલ્લા બચેલા બે રીઢા આરોપીઓને પણ ક્રાઈમ બ્રાંચે મહારાષ્ટ્રના જલગાંવથી દબોચી લેતા આખી ગેંગ જેલના સળીયા પાછળ ધકેલી દેવાઈ છે.

શહેરમાં મુજ્જફરઅલી ઉર્ફે આસીફ ટામેટા જાફરફઅલી સૈયદે પોતાના સાગરિતો સાથે મળી “આસીફ ટામેટા ”ના નામથી ગેંગ શરૂ કરી સંગઠિત ગુના આચરતા હતા. આ ટોળકીની સામે જાહેર સુલેહ શાંતિ વિરૂધ્ધના, વ્યથા, મહાવ્યથા, ખુન, ખુનની કોશીષ, અપહરણ જેવા શરીર સબંધી, લુંટ, ખંડણી, ઘરફોડ ચોરી, મિલ્કત સંબંધી, દસ્તાવેજો સંબંધી, ગુનાહિત ધમકી, અપમાન, ત્રાસ તથા આર્મસ એકટ અને એટ્રોસીટી એકટ સંબંધી અનેક ગંભીર ગુનાઓ વિવિધ પોલીસ સ્ટેશનમાં દાખલ છે.

શહેરના પોલીસ કમિશનર અજયકુમારે આ ગેંગની સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરતા ફફડાટ વ્યાપી ગયો હતો. ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ (ગુજસીટોક) હેઠળ ક્રાઈમ બ્રાંચમાં 14 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ક્રાઈમ બ્રાંચે અગાઉ તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં અત્યારે પકડાયેલા બંને આરોપી નાસતા ફરતા હતા. તેમને પકડી પાડવા ક્રાઈમ બ્રાંચના ચક્રો ગતિમાન હતા.

ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળતા મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી આરોપી શાહરૂખ ઉર્ફે ઉમર અસલમ શાહ (રહે. બેઠી કોલોની મીઠીખાડી તીસનલ પાસે, લિંબાયત તથા મુળ ગામ શાહદા, નંદુરબાર, મહારાષ્ટ્ર) અને ઇમરાન ઉર્ફે છોટુ સિદ્દીકી ઈસ્તીયાક અહેમદ સીદ્દીકી (રહે. પદમાનગર સોસાયટી ગલી નંબર -૧ મદીના મસ્જીદ પાસે લિંબાયત તથા એસ.એમ.સી ઉંમરવાડા ટેનામેન્ટ તથા રાજ અભિષેક બિલ્ડીંગ, સચીન તથા ગોવિંદનગર લિંબાયત તથા મુળ નાગપુર, મહારાષ્ટ્ર તથા મુળ ગામ ફતેપુર, ઉત્તરપ્રદેશ)ને પકડી પાડ્યા હતા. બંને આરોપી ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલા ગુજસીટોક અને લિંબાયતમાં હત્યા તથા ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા હતા. આ સિવાય બંને આરોપીઓની સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના દાખલ છે.

આ છે આસીફ ટામેટા ગેંગ, હાલનું સરનામુ જેલ

  • મુજફ્ફરઅલી ઉર્ફે આસીફ ટામેટા જાફરઅલી સૈયદ
  • અજગર ઉર્ફે અજ્જુ ટામેટા જાફરઅલી સૈયદ
  • ઈમરાન ઉર્ફે છોટુ સીદ્દીકી ઈશ્તીયાક અહેમદ સીદ્દીકી
  • મોહંમદ શોએબ ઉર્ફે શોએબ સીટી મોહંમદ ઇસ્માઇલ મનીયાર
  • શાહરૂખ ઉર્ફે ઉમર અસલમ શાહ
  • યુસુફખાન ઈશરતખાન પઠાણ
  • મોહમદ આમીર ઉર્ફે છોટા ટાઇગર હિમાયત હુશેન
  • મોહમદનુર ઉર્ફે રાજા જહાગર શેખ
  • સરફરાજ ભીખુભાઇ સીંધા
  • અનુરાગસીંગ ઉર્ફે અજય જીતેન્દ્રસીંગ રાજપુત
  • સમીર સલીમ શેખ
  • મોયુદ્દીન ઉર્ફે મોયો બટકો મલંગ શેખ
  • અકબરખાન ઉર્ફે લંગડો મનસુરખાન પઠાણ
  • સંદિપ ઓમપ્રકાશ ગુપ્તા

Most Popular

To Top