National

યુપીમાં વિચિત્ર બનાવ: ઝઘડાથી કંટાળી પત્નીને ભેંટી પતિએ ફાયરીંગ કર્યું, એક જ ગોળીથી બન્નેનાં મોત

નોઈડા: પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક વિચિત્ર ઘટનામાં પત્નીને આલિંગન આપનાર પતિ દ્વારા ચલાવવામાં આવેલી એક જ ગોળીથી કથિત રીતે પતિ-પત્ની બન્નેનાં મોત થયાં હતાં. એમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.

  • ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક વિચિત્ર ઘટનામાં પતિ-પત્નીના મોત, ચાર સંતાનો અનાથ થયા
  • પત્ની સુમને એક લગ્નના કાર્યક્રમ દરમિયાન મોબાઇલ ફોન ખોઈ નાખતાં એક અઠવાડિયાથી ઘરમાં ઝઘડાઓ ચાલતા હતા
  • ઝઘડાથી કંટાળી 40 વર્ષીય પતિએ 38 વર્ષની પત્નીને આલિંગનમાં લઈ ગોળી ચલાવી દીધી

પતિ અનિક પાલની ઉંમર 40 વર્ષની આસપાસ હતી અને તેની પત્ની સુમન પાલ લગભગ 38 વર્ષની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દંપતી પોતાની પાછળ ચાર બાળકો- એક પુત્રી અને ત્રણ પુત્રો છોડી ગયું છે. બંને ચંદીગઢમાં રોજમદાર તરીકે કામ કરતાં હતાં અને મુરાદાબાદમાં તેમના વતન આવ્યાં હતાં.

સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ગ્રામીણ મુરાદાબાદ) સંદીપ કુમારે જણાવ્યું હતું કે, આ ઘટના 13 અને 14 જૂનની મધ્યરાત્રિએ બિલારી પોલીસ સ્ટેશનની હદ હેઠળના ખાનપુર ગામમાં દંપતીના ઘરે બની હતી. દંપતીના સંબંધીઓ, પરિચિતો અને બાળકોએ પોલીસને જણાવ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે અવારનવાર વિવિધ મુદ્દાઓ પર ઝઘડા થતા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ ખૂબ લડતાં હતાં.

કુમારે કહ્યું કે, ”13 જૂનની રાત્રે અનિક પાલે ઘરે ભગવાનને પ્રાર્થના કરી અને પછી તરત જ પત્નીને આલિંગન કરી તેને પકડી રાખી અને પત્નીને પીઠ પર ગોળી મારી દીધી. જોકે તે જ ગોળી પત્ની અને પતિ અનિક પાલના શરીરની છાતીમાં વાગી હતી અને તેની પીઠમાંથી આરપાર થઈ હતી. ગંભીર રીતે ઘાયલ પતિ-પત્નીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં, પરંતુ બન્નેનાં મોત થઈ ચૂક્યાં હતાં.”

પોલીસે જણાવ્યું હતું કે, તેમને મૃતક દંપતીના સંબંધીઓ તરફથી કોઈ ફરિયાદ મળી નથી. દંપતી વચ્ચે ઝઘડા છેલ્લા એક અઠવાડિયામાં વધ્યા હતા. કારણ કે, સુમન પાલે એક લગ્નના કાર્યક્રમ દરમિયાન મોબાઇલ ફોન ખોઈ નાખ્યો હતો.
પોલીસ સર્કલ ઓફિસર (બિલારી વિસ્તાર) અંકિત કુમારે જણાવ્યું હતું કે, ઘટનામાં વપરાયેલ હથિયાર દેશી બનાવટનું હથિયાર હતું અને તે કેવી રીતે મેળવ્યું હતું તે જાણવા માટે તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top