Business

ફાર્મા, એપીઆઇ-કેમિકલ્સ સેકટરની સાથે ટેસ્ટીંગ કરનારી લેબોરેટરીના શેરોમાં ચમક ચાલુ રહેશે

ફરી એકવાર કવાર્ટરલી પરિણામોની મોસમ શરૂ થઇ રહી છે. આગામી સપ્તાહની શરૂઆત આઇટી દિગ્ગજ ટીસીએસથી ચોથા કવાર્ટરના પરિણામોનો દોર શરૂ થનાર છે, ત્યારે આ વર્ષના ચોથા કવાર્ટરમાં કંપનીઓના પરિણામો કેવા આવશે તે અંગે નિષ્ણાંતોનો એક જ સૂર મળતો જોવા મળી રહ્યો છે કે આ ચોથા કવાર્ટરમાં કંપનીઓના બેહદ સુંદર પ્રદર્શન સાથે પરિણામો આવશે, અને આ કવાર્ટરમાં આવક વૃદ્ધિ બે આંકડામાં જોવા મળી શકે છે. જે અગાઉના કવાર્ટરમાં સાધારણ જોવા મળી હતી.

આમ, કંપનીઓના ચોથા કવાર્ટરના સુંદર પ્રદર્શન સાથે સારા પરિણામોની અપેક્ષા સાચી ઠરશે તો બજારને વધુ તેજીમય બનાવશે. હાલમાં અમેરિકા સહિતના વિશ્વના કેટલાક દેશો નવી ઉંચાઇ બનાવી રહ્યા છે, ત્યારે ભારતીય શેરબજારમાં તેજીનો દોર થંભી ગયો છે. પરંતુ જો કંપનીઓના પરિણામો સારા આવશે તો તેજીની દોડ ફરીથી શરૂ થશે અને નવા વિક્રમો સર્જશે એવું માનવામાં આવી રહ્યું છે. જેમાં સેન્સેક્સ અને નિફ્ટી નવી ઉંચાઇ હાંસલ કરશે. જોકે, આ વખતે બોર્ડર માર્કેટમાં સતત ખરીદી જોવા મળી રહી છે, જેના લીધે સ્ટોક બેઝ્ડ અથવા સેકટર વાઇઝ ખરીદી જોવા મળી શકે છે. જે ઇન્ડેક્સ કરતાં વધુ સારૂં પ્રદર્શન કરી શકે છે.

જોકે, કોરોનાના વધી રહેલા કેસો, કોરોનાની વેકસીનની અછતના અહેવાલોની સાથે લોકડાઉનની દહેશત તથા રૂપિયો નબળો પડયાની ઘટનાઓ બજારની તેજીને બ્રેક મારી શકે છે, પરંતુ આ બ્રેક ટુંકી રહેવાનું અનુમાન જોવાઇ રહ્યું છે, બજારમાં કોર્પોરેટ કંપનીઓના પરિણામો બજારને તેજીને આગળ ધપાવશે.

કંપનીઓની આવક વૃદ્ધિ છેલ્લા કેટલાક ત્રિમાસિકમાં સાધારણ રહી છે, પરંતુ માર્ચ 2021 ત્રિમાસિક ગાળામાં આવક વૃદ્ધિ બે આંકમાં થવાના સંકેતો દર્શાવી રહ્યા છે. ક્રિસીલ રિસર્ચના રિપોર્ટના અહેવાલ અનુસાર માર્ચ-21 ત્રિમાસિકમાં કંપનીઓની આવક 15થી 17 ટકાના દરે વધશે. ટોચની કંપનીઓની આવક વૃદ્ધિ વધુ હશે કારણ કે તેમણે તેમણે મિડ અને સ્મોલકેપ કંપનીઓની આવક 15થી 17 ટકાના દરે વધશે. ટોચની કંપનીઓની આવક વૃદ્ધિ વધુ હશે, કારણ કે મિડ અને સ્મોલકેપ કંપનીઓ કરતાં મહામારીને કારણે સર્જાયેલી આર્થિક સમસ્યાનો સામનો વધુ સારી રીતે કર્યો હતો. એનાલીસ્ટે આ ટોચની 300 કંપનીઓમાં બેન્કીંગ, બીએફએસઆઇ અને ઓઇલ કંપનીઓનો સમાવેશ કર્યો નથી.

ક્રિસીલના રિપોર્ટ અનુસાર કોર્પોરેટ ક્ષેત્રના એકંદર વોલ્યુમમાં વધારો થતાં કેટલાક ક્ષેત્રોમાં સુધારો જોવા મળ્યો, પરંતુ એરલાઇન્સ સર્વિસીસ અને મીડિયા કંપનીઓની આવક ત્રિમાસિક ધોરણે છથી સાત ટકાએ મર્યાદિત વધશે. ભારતીય કંપનીઓની એકંદર આવક વૃદ્ધિમાં મર્યાદાનું કારણ ગ્રાહક વપરાશની ચીજો અને સર્વિસીસ ક્ષેત્ર રહેશે. આ સેગમેન્ટમાં મહામારીના લીધે નાણાંકીય વર્ષ 2021માં આવક વાર્ષિક ધોરણે 10થી 12 ટકા ઘટી છે.

સોફટવેર ક્ષેત્રમાં માગ વધવાથી કંપનીઓને મોટા ઓર્ડર્સ મળતા વધુ ખર્ચના દબાણ વચ્ચે પણ માર્ચ ત્રમાસિકમાં કંપનીઓની આવક વધશે. આ ઉપરાંત, કોમોડિટીઝ, બેન્કો, ઇન્ડસ્ટ્રીયલ કે જેમાં ઓટો સેકટરને બાદ કરતાં ને કન્ઝયુમર પ્રોડકટસ ક્ષેત્રની કંપનીઓનો નફો માર્ચ ત્રિમાસિકમાં વધશે. જોકે, ઉત્પાદન ખર્ચમાં વધારો થવાથી એફએમસીજી, સિમેન્ટ અને સ્થાનિક કંપનીઓ ઉપર દબાણ યથાવત રહેશે.

જોકે, કોરોના કહેર વચ્ચે રિયલ્ટી સેકટરમાં રોકાણનું આકર્ષક વધી રહ્યું છે. વિતેલા કેટલાક વર્ષોમાં સરકારે રિયલ્ટી સેકટરની માટે કેટલીક સારી નીતિઓ બનાવી છે, જેના લીધે એનઆરઆઇ ભારતના રિયલ્ટી સેકટરમાં રોકાણ વધારી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર વિતેલા નાણાંકીય વર્ષ 2021માં એનઆરઆઇ ભારતના રિયલ્ટી સેકટરમાં 13.3 અબજ ડોલર લગભગ 99 હજાર કરોડનું રોકાણ કર્યુ છે, જે વાર્ષિક તુલનાએ મુડીરોકાણમાં 6.4 ટકાનો વધારો દર્શાવે છે, જે હજુય વધવાનો આશાવાદ જોવાઇ રહ્યો છે. જે આવનારા સમયમાં રિયલ્ટી સેકટર માટે તેજી લાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાણાંકીય વર્ષ 2021માં રિયલ એસ્ટેટ માર્કેટમાં મુડીરોકાણમાં ગલ્ફ કો ઓપરેશન કાઉન્સીલની સૌથી વધારે હિસ્સેદારી રહી છે, અહેવલ અનુસાર કુલ એનઆરઆઇ રોકાણમાં જીસીસીની હિસ્સેદારી 41 ટકા રહી. ત્યારબાદ 17 ટકાની સાથે અમેરિકા બીજા ક્રમે અને 12 ટકાની સાથે સીંગાપોરમ ત્રીજા ક્રમે છે. તે ઉપરાંત, કેનેડા, બ્રિટેન, કેન્યા, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં રેહતાં એનઆરઆઇએ પણ ભારતના રિયલ્ટી સેકટરમાં જંગી મુડીરોકાણ કર્યુ છે.

Most Popular

To Top