સોસાયટીમાં રહેતા એક ૫૦-૫૨ વર્ષનાં આન્ટી નિશાબહેન રોજ સાંજે બહાર જાય અને સવારે મંદિરે જાય, રસ્તામાં જે મળે બધા સાથે વાતો કરે અને સોસાયટીમાં કોઈને મદદ જોઈએ તો પહેલાં હાજર હોય. નિશાબહેન ૨૫-૩૦ દિવસ બિલકુલ દેખાયાં જ નહિ, કયાં ગયાં હતાં કોઈને ખબર નહિ, ન ગ્રુપમાં કોઈ મેસેજ અને ન ફોન કોલ લાગે. ઘણાએ તેમને યાદ કર્યાં પણ હશે ક્યાંક બહારગામ ગયાં હશે એમ સમજી બધા પોતાના જીવનમાં પડી ગયા. બે મહિના પછી આન્ટી સોસાયટીમાં આવ્યાં તો એકદમ બદલાયેલાં લાગતાં હતાં, શરીર વધારે ફીટ લાગતું હતું અને ચહેરા પર વધુ ચમક હતી અને આંખોમાં ખુશી. બધાં તેમને જોઇને બોલ્યાં, ‘અરે, આન્ટી બહુ દિવસે દેખાયાં. અચાનક કયાં ગયાં હતાં?’
આન્ટીએ કહ્યું, ‘એર પ્લેન મોડમાં હતી!’ આવો જવાબ સાંભળી બધાને બહુ નવાઈ લાગી. એક યુવતીએ પૂછ્યું, ‘આન્ટી એટલે શું?’ નિશા આન્ટી બોલ્યાં, ‘અરે મજાક નથી કરતી. જેમ આપણો ફોન એર પ્લેન મોડમાં હોય તો બહારથી કોઈ મેસેજ કે ફોન આવી ના શકે પણ આપણે ફોનને વાપરી શકીએ, ફોટા લઇ શકીએ, જુના ફોટા જોઈ શકીએ, મ્યુઝિક સાંભળી શકીએ, વિડીઓ જોઈ શકીએ, કોઈ એપ પર કામ પણ કરી શકીએ…હા બસ, બહારથી કોઈ મેસેજ કે ફોનની દખલ નહિ.’
એક યુવતી મજાકના ટોનમાં બોલી, ‘આન્ટી, પણ તમે થોડાં મોબાઈલ ફોન છો…’ આન્ટીએ કહ્યું, ‘હું મોબાઈલ ફોન નથી અને તું પણ મોબાઈલ ફોન નથી પણ આ એર પ્લેન મોડની અસર આપના બધા પર સરખી જ છે, આપણે માણસોએ પણ ક્યારેક એર પ્લેન મોડમાં જવું જ જોઈએ. ક્યારેક દુનિયાથી કટ ઓફ થઈને પણ જીવવાની મજા લેવા જેવી છે.જરૂરી નથી સતત દરેક નોટીફીકેશનને વાંચીને તેનો જવાબ આપવો, જીવનમાં બીજાના દરેક અભિપ્રાય, દરેક વાત,દરેક પ્રતિભાવ પર ધ્યાન આપવાની જરૂર નથી.જીવનમાં હંમેશા બીજાની દખલ કે ખલેલ જરૂરી નથી.
જીવનમાં તમે કોઈના પણ સાથ કે સંગાથ કે એકલા પણ જીવી શકો છો, શ્વાસ લઈ શકો છો, વાંચીને, શીખીને વિકાસ કરી શકો છો, તમારાં કામ એકલાં કરી શકો છો, કંઇક નવું સર્જન કરી શકો છો અને કયારેક કયારેક આમ કરવું બહુ જરૂરી છે. જીવનમાં બહારના ઘોંઘાટથી દૂર જઈને જાતને શોધવાનો સમય મળશે.ઘણી વાર જીવનમાં આગળ વધવા માટેનો રસ્તો બધા સાથે બહારની દુનિયાથી નાતો તોzડી જાત સાથે જોડાવાથી મળી જાય છે.’ એક વાર થોડા દિવસો કે કલાકો માટે એરપ્લેન મોડમાં જઈને પ્રયોગ કરી લેજો.