Comments

એડમિશન એક્સપ્રેસ: સપનાં,સર્વર અને વાલીઓની મૂંઝવણ

ધોરણ ૧૨નું પરિણામ જાહેર થાય એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓનાં દિલના ધબકારા વધી જાય છે. માર્કશીટ હાથમાં આવતાંની સાથે જ શરૂ થાય છે એક એવો દોર, જેને સાચી વિભાવનામાં ‘એડમિશનની દોડધામ’ કહી શકાય. જૂન મહિનો શરૂ થતાં જ ગુજરાતની તમામ નામી-અનામી યુનિવર્સિટીઓ અને કોલેજોના કેમ્પસ વાલીઓ અને વિદ્યાર્થીઓની ચહલપહલથી ઉભરાવા લાગે છે. ડિજિટલ યુગમાં પ્રક્રિયા ભલે ઓનલાઇન થઈ હોય, પરંતુ માનસિક દોડધામ અને મૂંઝવણો આજે પણ એ જ પરંપરાગત શૈલીમાં જોવા મળે છે.

વર્તમાન સમયમાં લગભગ તમામ મોટી યુનિવર્સિટીઓએ સેન્ટ્રલાઈઝડ ઓનલાઇન એડમિશન પ્રક્રિયા (GCAS વગેરે) અપનાવી છે. દેખીતી રીતે આ પ્રક્રિયા સરળ લાગે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હોય છે. સાયબર કાફે પર લાગતી લાઈનો, સર્વર ડાઉન થવાની સમસ્યાઓ, ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં થતી ભૂલો અને મેરિટ લિસ્ટની ગણતરી સમજવામાં વાલીઓનો પરસેવો છૂટી જાય છે. એક નાની સરખી ભૂલ આખી કારકિર્દી પર ભારે પડી શકે છે તેવા ડરથી, પરિવારો દિવસ-રાત કમ્પ્યુટર સ્ક્રીનની સામે ગાળતાં જોવા મળે છે. કઈ કોલેજને પ્રથમ પસંદગી આપવી તે અંગેની ગડમથલ દરેક ઘરમાં ચર્ચાનો મુખ્ય વિષય બને છે.

આજના એડમિશન ટ્રેન્ડમાં એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. B.A., B.Com, કે B.Sc. જેવા પરંપરાગત વિષયોની સાથે હવે વિદ્યાર્થીઓ ન્યૂ-એજ કોર્સિસ તરફ આકર્ષાયાં છે. BBA, BCA અને ડિજિટલ માર્કેટિંગ જેવા વ્યાવસાયિક કોર્સમાં એડમિશન મેળવવા ભારે ધસારો રહે છે.ભાષા અને સાહિત્ય (જેમ કે ગુજરાતી કે અંગ્રેજી સાહિત્ય) પ્રત્યે ઊંડો રસ ધરાવતો એક પ્રબુદ્ધ વર્ગ આજે પણ ભાષાઓમાં પ્રોફેસર બનવા કે સંશોધન ક્ષેત્રે આગળ વધવા આર્ટસ કોલેજો તરફ વળે છે. AI અને ડેટા સાયન્સના જમાનામાં IT ક્ષેત્રના કોર્સિસમાં સીટો મેળવવા માટે ગળાકાપ હરીફાઈ થાય છે.

સૌથી મોટી દોડધામ અને માનસિક તાણ ત્યારે ઊભી થાય છે જ્યારે જાણીતી અને પ્રતિષ્ઠિત કોલેજોના પ્રથમ મેરિટ લિસ્ટ બહાર પડે છે. ઊંચા કટ-ઓફ માર્ક્સ જોઈને મધ્યમ સ્કોર મેળવનાર વિદ્યાર્થીઓ અને તેમનાં વાલીઓ ચિંતામાં મુકાઈ જાય છે. “બીજી યાદીમાં નામ આવશે કે નહીં?”, “જો આ કોલેજમાં ન મળ્યું તો પ્લાન-બી શું રાખવો?” જેવા સવાલો વાલીમંડળો અને સોશ્યલ મીડિયા ગ્રુપોમાં સતત ગૂંજતા રહે છે. સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્લેસમેન્ટ ધરાવતી કોલેજોમાં એક-એક સીટ માટે ભારે રસાકસી થાય છે.

કોલેજ એડમિશન માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પણ વાલીઓ માટે આર્થિક અને માનસિક કસોટીનો સમય છે.સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં મર્યાદિત સીટો હોવાને કારણે, ઘણાં વિદ્યાર્થીઓને સેલ્ફ-ફાઇનાન્સ (સ્વનિર્ભર) કોલેજો તરફ નજર દોડાવવી પડે છે. આ કોલેજોની ઊંચી ફી, હોસ્ટેલનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય છૂપા ખર્ચાઓ મધ્યમવર્ગીય પરિવારોના બજેટને હચમચાવી મૂકે છે. તેમ છતાં, સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓ લોન લઈને કે પોતાની બચત ખર્ચીને પણ શ્રેષ્ઠ શિક્ષણ અપાવવા દોડધામ કરે છે.

એડમિશનની આ દોડધામમાં ક્યારેય મિત્રોની દેખાદેખી કે કોઈ ખોટા ટ્રેન્ડના પ્રભાવમાં આવીને નિર્ણય ન લેવો જોઈએ. વિદ્યાર્થીએ પોતાની સાચી રુચિ, ક્ષમતા અને જે-તે ક્ષેત્રમાં ભવિષ્યની તકોને ધ્યાનમાં રાખીને જ વિષયની પસંદગી કરવી હિતાવહ છે. કોલેજ એડમિશનની આ દોડધામ જીવનના એક મહત્ત્વપૂર્ણ વળાંક સમાન છે. સ્કૂલ લાઈફના સીમિત વાતાવરણમાંથી નીકળીને યુનિવર્સિટીના વિશાળ ફલક પર પગ મૂકવાની આ પ્રક્રિયા ભલે અત્યારે થકવી નાખનારી અને તણાવપૂર્ણ લાગતી હોય, પરંતુ આ જ દોડધામ વિદ્યાર્થીઓને આત્મનિર્ભરતા અને જીવનના નિર્ણયો જાતે લેવાના પાઠ શીખવે છે. આ સમય ધીરજ, સચોટ માહિતી અને યોગ્ય માર્ગદર્શન સાથે પસાર કરવાનો છે, જેથી આવતી કાલની પેઢી પોતાનું મનપસંદ મુકામ હાંસિલ કરી શકે.

Most Popular

To Top