World

સૂર્યને ઢાંકી ગરમી ઓછી કરવાના વૈજ્ઞાનિકોના પ્રયોગ પર વિવાદ

નવી દિલ્હી: આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી પડવાની છે એવી જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. નાગરિકોને ભારે ગરમીની અનુભૂતિ માર્ચમાં જ થવા માંડી હતી. એપ્રિલ-મેમાં ગરમી હજુ વધશે એમ માનવામાં આવી રહ્યું છે ત્યારે મનમાં સહજ ખ્યાલ આવે કે આ સૂરજદાદાને આટલી બધી ગરમી શેની છે? કોઈ તેમને ઠંડા પાડી દે તો કેવી મજા પડે. નવરા મગજના આ વિચારને વિશ્વના વૈજ્ઞાનિકો સાચો કરવા માટે મથામણ કરી રહ્યાં છે. યુનાઈડેટ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP) હેઠળ વિશ્વના વૈજ્ઞાનિકો સૂર્યના તાપને ઓછો કરવા માટે બે પદ્ધતિ પર પ્રયોગ કરી રહ્યાં છે જેને સોલાર રેડિયેશન મોડિફિકેશન (SRM) ટેકનિક કહેવામાં આવે છે. જોકે, આ પ્રયોગનો કેટલાંક વૈજ્ઞાનિકો વિરોધ પણ કરી રહ્યાં છે. તેઓની દલીલ છે કે સૂર્ય સાથે છેડછાડ કરવાથી પર્યાવરણ વધુ પ્રદૂષિત થશે. તો ચાલો જાણીએ સૂરજદાદાને ઠંડા કરવા માટે વિશ્વના વૈજ્ઞાનિકો શું કરી રહ્યાં છે અને તેમના પ્રયોગનો વિરોધ કેમ થઈ રહ્યો છે…

યુએનનો એક રિપોર્ટ બે અઠવાડિયા પહેલા બહાર પાડવામાં આવ્યો હતો. વિશ્વના ટોચના વૈજ્ઞાનિકોએ ‘વન એટમોસ્ફિયરઃ એન ઇન્ડિપેન્ડન્ટ એક્સપર્ટ રિવ્યુ ઓન એસઆરએમ રિસર્ચ એન્ડ ડિપ્લોયમેન્ટ’ નામના અહેવાલમાં ભાગ લીધો હતો. તેઓ દાવો કરી રહ્યા છે કે જો સોલાર મોડિફિકેશન શરૂ કરવામાં આવે તો સાક્ષાત્કાર પહેલા વિશ્વનો અંત આવશે. યુએનની એક્સપર્ટ પેનલમાં સામેલ વૈજ્ઞાનિકો પણ કહી રહ્યા છે કે હાલમાં તેમને તેના ખતરાઓનો પૂરો ખ્યાલ પણ નથી. ખતરો એટલો ઝડપથી આવી શકે છે કે કદાચ તેને રોકવાની તક પણ ન મળે.

સૌલાર મોડિફીકેશન એટલે કે સૌર પરિવર્તનનો વિચાર ક્યાંથી આવ્યો?
જૂન 1991માં ફિલિપાઈન્સમાં માઉન્ટ પિનેટુબો નામનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. 20મી સદીના સૌથી મોટા વિસ્ફોટથી ફેલાયેલી રાખ આકાશમાં લગભગ 28 માઈલ સુધી આવરી લેવામાં આવી હતી. તે ઘટના બાદ 15 મહિના સુધી તાપમાનમાં લગભગ 1 ડિગ્રીનો ઘટાડો થયો હતો. રાખના કારણે સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોંચી શક્યા ન હતા. આનાથી વૈજ્ઞાનિકોને નવો વિચાર આવ્યો. તેઓએ વિચાર્યું કે જો સૂર્ય અને વાતાવરણ વચ્ચે કોઈ વસ્તુનું પડ ઊભું કરવામાં આવે તો સૂર્યના કિરણો આપણા સુધી નહીં પહોંચે. આમ સૌર પરિવર્તન એટલે કે સોલાર મોડિફીકેશનનો આઈડિયાએ જન્મ લીધો હતો.

આ બે પદ્ધતિ હેઠળ સૂર્યને ઠંડો કરવાની યોજના વૈજ્ઞાનિકો વિચારી રહ્યાં છે
આ દિશામાં ઘણા પ્રયોગો કર્યા બાદ વૈજ્ઞાનિકો માનવા લાગ્યા કે આવું થઈ શકે છે. એટલે કે સૂર્યને ઢાંકી તેના કિરણોને સીધા જમીન પર પડતા અટકાવી શકાય છે. આ માટે બે પદ્ધતિઓ પર ઘણી ચર્ચા થઈ. તેમાં પહેલી પદ્ધતિ છે મરીન ક્લાઉડ બ્રાઇટનિંગ. આ મરીન કલાઉડ બ્રાઈટનિંગ મોડિફિકેશન ટેક્નિકમાં સમુદ્ર પર બનેલા વાદળોને વધુ સફેદ બનાવવા પડશે, જેથી સૂર્યપ્રકાશ પરાવર્તિત થઈને અવકાશમાં જાય. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે વાદળોના કણો જેટલા ઝીણા હોય છે, તેટલા સફેદ હોય છે. આ ક્લાઉડ સીડીંગ દ્વારા શક્ય છે. ક્લાઉડ સિડીંગ પદ્ધતિમાં કૃત્રિમ વાદળો બનાવવામાં આવે છે. ક્લાઉડ સીડિંગ ટેક્નોલોજીમાં ચીન અને અમેરિકા ઘણા આગળ વધી ગયા છે. તેઓએ આ ટેકનિક દ્વારા ઘણી વખત સમય પહેલા વરસાદ કરાવ્યો છે. જો કે, પર્યાવરણ નિષ્ણાતો આક્ષેપ કરી રહ્યા છે કે હવામાનમાં ફેરફાર કરીને તેઓ હવામાન સામે યુદ્ધ છેડી રહ્યા છે.

સૂર્યના તડકાને ઓછો કરવાની આ પદ્ધતિ એવી રીતે કામ કરશે જેમ કે કોઈ ગરમ વસ્તુ પર પાણી કે અન્ય કોઈ ઠંડા પ્રવાહીનો છંટકાવ કરીને તેને ઠંડી પાડવામાં આવે. આ પ્રોસેસમાં વૈજ્ઞાનિકો મોટા મોટા ફુગ્ગાની મદદથી વાયુમંડળના ઉપરના હિસ્સા પર સલ્ફર ડાયઓક્સાઈડનો છંટકાવ કરશે. સલ્ફરમાં એવા ગુણ છે જે સૂર્યના સીધા અને ગરમ કિરણોને પરાવર્તિત કરી દેશે. માનવામાં આવે છે કે આ પ્રોસેસના લીધે ધરતીને ભારે ગરમીથી છુટકારો મળી શકે છે.

ઉનાળામાં એરકન્ડીશન ચલાવતા જે રીતે તાત્કાલિક રાહત મળે છે તે જ રીતે સોલાર મોડિફિકેશનની આ બીજી પદ્ધતિ ગરમીમાંથી ઝડપથી રાહત આપશે. દુનિયાની અનેક કંપનીઓએ સૂર્યની ગરમીને ઓછા કરવાની ટેક્નીક પર કામ શરૂ કરી દીધું છે. થોડા સમય પહેલાં બ્રિટિશ એનજીઓ ડિગ્રીઝ ઈનેસેટિવએ એવી જાહેરાત કરી હતી કે તેઓ સોલાર એન્જિનિયરિંગ પર થતા સંશોધન પાછળ લગભગ 9 લાખ ડોલર એટલે કે સાડા સાત કરોડ રૂપિયાનો ફાળો આપશે.

હાલમાં આ સંશોધન 15 દેશોમાં થઈ રહ્યું છે. આ એનજીઓ સિવાય અન્ય ઘણી સંસ્થાઓ છે, જે આ શોધ પાછળ ઘણું ફંડિંગ કરી રહી છે. ઓક્સફર્ડ અને હાર્વર્ડ જેવી સંસ્થાઓ પણ તેના પર સંશોધન કરી રહી છે. આ વિષય પર Snowpiercer નામની એક સાયન્સ ફિક્શન ફિલ્મ પણ બનાવવામાં આવી હતી, જેમાં ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે આકાશમાં વરાળનું જાડું પડ બનાવવામાં આવે છે.

આ પ્રોજેકટથી શું સમસ્યા સર્જાશે?
જો ગરમી આટલી આસાનીથી ઘટાડી શકાતી હોય તો વૈજ્ઞાનિકો તેની સામે શા માટે વાંધો ઉઠાવી રહ્યા છે? આના ઘણા કારણો છે. એક તો સૂર્યના તાપમાં ઘટાડો થવાથી પ્રદૂષણ ઘટશે નહીં. જો કારખાનાઓ અને વાહનો સમાન પ્રમાણમાં ધુમાડો ફેલાવતા રહેશે, તો પ્રદૂષણ ચાલુ રહેશે. બલ્કે, એવું પણ બની શકે છે કે તેના જોખમો વધી જાય. જેમ બંધ ઓરડામાંથી ધુમાડો ઝડપથી બહાર આવતો નથી, તેવી જ અસર પૃથ્વી પર પણ થશે. જમીન અને આકાશ વચ્ચે વરાળનું જાડું પડ હશે, જે બંધ ઓરડાની જેમ કામ કરશે. તેનાથી હવામાં પ્રદૂષણનું સ્તર વધુ બગડી શકે છે.

દરેક દેશની આબોહવા અને ત્યાંના પાક અલગ-અલગ રીતે કામ કરે છે. આવી સ્થિતિમાં જો બ્લેન્કેટ પ્લાન હેઠળ દરેક દેશના તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો તે બેકફાયર થઈ શકે છે. ચોક્કસપણે ગરમી ઓછી થશે પરંતુ પાકનું ઉત્પાદન થઈ શકશે નહીં. આવી સ્થિતિમાં ગરીબ દેશો ગરીબ બનતા જશે.

ક્યાંથી શરૂ થયો વિવાદ?
ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાનો દાવો કરતા આ પ્રોજેક્ટ માટે સેમ્પલ એરિયા હેઠળ ગરીબ કે ઓછી આવક ધરાવતા દેશોની પસંદગી કરવામાં આવી છે જ્યારે વિકસિત દેશો વધુ પ્રદૂષણ કરી રહ્યા છે. આ રીતે વિચારો કે સરેરાશ અમેરિકન એક વર્ષમાં 14.7 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન કરે છે, જ્યારે એક સામાન્ય ભારતીય 1.8 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઈડનું ઉત્પાદન કરે છે. તેનો અર્થ કે અમેરિકાની સરખામણીએ ભારતીયો ઓછું પ્રદૂષણ કરે છે. ગ્લોબલ વોર્મિંગ માટે મોટા દેશો વધુ જવાબદાર છે, પરંતુ આ પ્રયોગ વિકાસશીલ દેશોમાં કરવાના આયોજનો છે. ઘણા વૈજ્ઞાનિકો આરોપ લગાવી રહ્યા છે કે જેમ લેબોરેટરીમાં પ્રાણીઓનો ઉપયોગ પ્રયોગ માટે કરાતો હોય છે તેમ સોલાર મોડિફિકેશનના પ્રયોગ માટે ગરીબ દેશોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘણા દેશો પણ આ પ્રયોગનો ભાગ બનવાનો ઇનકાર કરી રહ્યા છે.

આ દેશે લગાવ્યો પ્રતિબંધ
મેક્સિકોએ આ વર્ષે જાન્યુઆરીમાં સોલાર મોડિફિકેશનના પ્રોજેક્ટ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. હકીકતમાં, એક સ્ટાર્ટઅપ ‘મેક સનસેટ્સ’એ મેક્સિકોના એક વિસ્તારમાં ફિલ્ડ ટેસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. આ કંપનીએ સલ્ફર ડાયોક્સાઈડથી ભરેલા બે બલૂન છોડ્યા હતા. તે માટે મેક્સિકન સરકાર તરફથી કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. આ માહિતી બહાર આવતા જ મેક્સિકોના પર્યાવરણ અને કુદરતી સંસાધન વિભાગે તાત્કાલિક પગલાં લીધા હતા. પ્રોજેક્ટ રોકવા આદેશ છોડાયા હતા. હાલમાં, કોઈ પણ દેશ મેક્સિકોના આકાશ પર કોઈ પણ પ્રકારના પ્રયોગનો ઉપયોગ કરી શકશે નહીં, જેના કારણે હવામાનમાં કોઈ કૃત્રિમ ફેરફાર થાય.

Most Popular

To Top