Dakshin Gujarat

સાયણ સુગરની શેરડી વાહક ટ્રક ડ્રાઇવરોની હડતાળથી પિલાણ માટે શેરડીનો પુરવઠો ખોરવાયો

સાયણ: (Sayan) કેન્દ્ર સરકારે અકસ્માતની (Accident) ઘટનાનો ઉપર અંકુશ મેળવવા ભારે વાહનનાચાલકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાનો કાયદો અમલમાં મૂક્યો છે. જેના વિરોધમાં સાયણ સુગરની શેરડી વાહુતક કરતા ટ્રકના ડ્રાઈવરોએ (Driver) આ કાયદાનો વિરોધ નોંધાવી મંગળવારની વહેલી સવારથી ટ્રકો સુગર યાર્ડમાં મૂકી પૈંડાં થંભાવી દેતાં સુગરને પિલાણ માટે શેરડીનો પુરવઠો ખોરવાયો હતો. જો કે, બપોરે ૩ કલાક બાદ ટ્રકના ડ્રાઇવરો સાનમાં સમજી જતાં સુગર સંચાલકો, ખેડૂતો અને ટ્રકના માલિકોએ રાહતનો દમ લીધો હતો.

  • સાયણ સુગરની શેરડી વાહુતક ટ્રક ડ્રાઇવરોની હડતાળ
  • બ્રિટિશ શાસન સમયના અકસ્માતની ઘટનામાં સજાના જૂના કાયદામાં ફેરફાર કરી નવા કાયદા સામે વિરોધ
  • સુગરના ચેરમેન રાકેશ પટેલે ટ્રકમાલિકોને જ ડ્રાઇવર બનાવી ડ્રાઇવિંગ કરાવતાં ડ્રાઇવરો સાનમાં સમજી ગયા

પ્રાપ્ત વિગત મુજબ કેન્દ્ર સરકારે સંસદના શિયાળુ સત્રમાં બ્રિટિશ શાસન સમયના અકસ્માતની ઘટનામાં સજાના જૂના કાયદામાં ફેરફાર કરી નવો કાયદો અમલમાં મૂકવાના વિરોધમાં સાયણ સુગર ફેક્ટરીની શેરડી વાહુતક કરતા ટ્રકના ડ્રાઇવરો મંગળવારની વહેલી સવારથી હડતાળ ઉપર ઊતરી ગયા હતા. જેના પગલે સાયણ સુગરના સભાસદોની કાપણી થયેલી શેરડી વાહુતક વિના ખેતરમાં પડી રહેતાં સુગરનો શેરડી પુરવઠો ખોરવાયો હતો. આ બાબતે સવારે સુગરના ચેરમેન રાકેશભાઇ પટેલને થતાં તેમણે ટ્રક એસોસિએશન અને ટ્રકના માલિકો સહિત ઓલપાડ પોલીસ તંત્રના પીએસઆઇ યુ.કે.ભરવાડે ટ્રકના ડ્રાઇવરોને સમજાવ્યા હતા કે, સુગર કેમ્પસમાં હાલ માત્ર છ-સાત કલાક ચાલે તેટલો જ શેરડી પુરવઠો છે અને સુગરના કાર્યક્ષેત્રના ગામોના ખેડૂતોની કાપણી કરેલી ૨૫૦થી વધુ ટ્રક વજનનો શેરડીનો પુરવઠો ખેતરમાં હોવાથી ખેડૂતો અને સુગરને નુકસાન થઇ રહ્યું છે.

જ્યારે નવો કાયદો હજુ અમલમાં આવ્યો નથી. જેથી હાલમાં વિરોધ કરવાનો કોઇ જ અર્થ નથી. તેમ છતાં ટ્રકના ડ્રાઇવરો અડીખમ રહી અથાક પ્રયાસો છતાં મચક આપી ન હતી. જેથી સુગરના ચેરમેન રાકેશભાઇ પટેલે બપોરે પછી કુનેહ વાપરી સુગરમાં શેરડી વાહુતકનો કોન્ટ્રાક્ટ કરેલા આઠ-દસ ટ્રકના માલિકોને જ ડ્રાઇવર બનાવી શેરડી ભરવા તેમની ટ્રકો ખેડૂતોના ખેતરમાં મોકલી આપી હતી. જેથી હરકતમાં આવેલા ટ્રકના ડ્રાઇવરોએ ફટાફટ હડતાળ સંકેલી ટ્રકની ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ખેતરોમાં શેરડી ભરવા નીકળવાની નોબત આવી હતી. જેના પગલે ખેડૂતો અને ટ્રકમાલિકોએ સાયણ સુગરના ચેરમેન રાકેશ પટેલનો આભાર માન્યો હતો.

ટ્રક ડ્રાઈવરોનો બળાપો: દંડના રૂ.૭ લાખ લાવવા ક્યાંથી? અમને ૧૦ વર્ષની સજા થાય તો બૈરી-પોઈરાનું શું?
નવા કાયદાની જોગવાઈ મુજબ હિટ એન્ડ રનના કેસમાં અકસ્માત ઘટનામાં ભારે વાહનોના ડ્રાઈવરોને ૧૦ વર્ષ સુધીની સજા તથા રૂપિયા ૭ લાખનો દંડ ઉપરાંત અકસ્માતનો ભોગ બનનાર ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાની જોગવાઇનો ટ્રક ડ્રાઇવરો વિરોધ કરી રહ્યા છે. આજે સાયણ સુગરના ટ્રક ડ્રાઇવરોએ આ જોગવાઇનો વિરોધ કરી બળાપો કાઢતાં જણાવ્યું હતું કે, જો સામાવાળાની ભૂલથી અકસ્માત થાય તેમાં અમારો શું વાંક ગુનો? અમે ઇજાગ્રસ્તને લઇ જવા ઊભા રહીએ અને પબ્લિક અમને મારે તો કોણ જવાબદાર? અમારો પગાર માત્ર રૂપિયા ૧૦થી ૧૫ હજારનો જ છે. તો પછી અમારે નવા કાયદાની જોગવાઇના દંડના રૂપિયા ૭ લાખ લાવવા ક્યાંથી? આ ઉપરાંત અમોને જો ૧૦ વર્ષની સજા થાય તો ત્યાર પછી અમારા બૈરી-પોઈરાનું શું?

Most Popular

To Top