SURAT

શહેરી બસ સેવાના ડ્રાઈવરો હજુ બેલગામ, ઓવરસ્પીડ બદલ 21ને નોટિસ ફટકારાઈ

સુરતઃ(Surat) સુરત મનપાની બસ (Bus) સેવા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. શનિવારે બીઆરટીએસના (BRTS) ગમખ્વાર અકસ્માત બાદ શાસકો અને તંત્ર સફાળા જાગ્યા છે અને કડક કાયર્વાહી કરવામાં આવી રહી છે. શહેરમાં દોડતી બીઆરટીએસ અને સિટી બસની સ્પીડ લિમિટ 50 કિલોમીટરની નક્કી કરવામાં આવી છે. તેમ છતાં હજી શહેરમાં ઘણી બસો બેફામ દોડી રહી છે. જેને પગલે તંત્ર દ્વારા ધડાધડ એજન્સીઓને એક પછી એક નોટિસ ફટકારવામાં આવી હતી.

  • શહેરી બસસેવાના ડ્રાઈવરો હજુ બેલગામ, ઓવરસ્પીડ બદલ 21ને નોટિસ ફટકારાઈ
  • ત્રણ જ દિવસમાં તંત્રએ ડ્રાઈવરોને નોટિસ ઉપરાંત એજન્સીઓને પણ 1-1 હજારનો દંડ ફટકારી દીધો, વધુ કડક વલણનાં સંકેત આપ્યા
  • સુરત મનપાની ઝીરો એક્સિડેન્ટ પોલિસીનો અમલ ટોપ ગિયરમાં

બસોમાં એક્ટીવ જીપીએસની મદદથી ઓવરસ્પીડ બસ દોડાવનારા ચાલકોને નોટિસ ફટકારવામાં આવી રહી છે. તા. 29મીએ 6, 30મીએ 9 અને 31એ અન્ય છ ચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ સિવાય એજન્સીઓને પણ એક – એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મનપાની બસ સેવા લોકોના ઉપયોગમાં આવી રહી છે, સાથે સાથે લોકો માટે મુસીબત પણ સાબિત થઈ રહી છે.

છેલ્લા ઘણાં સમયથી બસને કારણે થઈ રહેલા જીવલેણ અકસ્માતોને કારણે શાસકોએ કડક પગલા લીધા છે અને સિટીલિંકમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. સાથે સાથે ઝીરો એક્સીડન્ટ પોલિસી બનાવી કડક રીતે તેના પાલનની પણ સુચના આપી દેવામાં આવી છે. ત્યારે છેલ્લા 3 જ દિવસમાં મનપાએ કુલ 21 બસ ચાલકોને નોટિસ ફટકારી છે. ઘણાં બસ ચાલકો નિર્ધારિત ગતિ મર્યાદા કરતાં બેફામ બસો દોડાવતાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેને પગલે સિટીલિંકનો હવાલો સંભાળી રહેલા ડો. રાજેન્દ્ર કુમાર પટેલ દ્વારા આ સંદર્ભે સખ્ત કાર્યવાહી હાથ ધરાઈ હતી.

બસોમાં એક્ટીવ જીપીએસની મદદથી ઓવરસ્પીડ બસ દોડાવનારા ચાલકોને નશ્યત કરવાના ભાગરૂપે 21 ચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ સિવાય એજન્સીઓને પણ એક – એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આવનારા દિવસોમાં પણ આવી ફરીયાદો આવશે તો નોટિસ ફટકારવામાં આવશે અને જરૂર પડ્યે તો એજન્સીઓને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે, તેવું કડક વલણ અખત્યાર કરાયું છે.

Most Popular

To Top