National

ઉજ્જૈનના મહાકાલ મંદિરનું ગર્ભગૃહ ભક્તો માટે ખુલ્યું, જાણો કેટલા સમય સુધી પ્રવેશ મળશે

ઉજ્જૈન: ઉજ્જૈનના (Ujjain) મહાકાલ મંદિરમાં (Mahakal Temple) દર્શન કરવા જઈ રહેલા ભક્તો માટે એક સારા સમાચાર છે. શુક્રવારે તા. 6 જાન્યુઆરી 2023ના રોજથી ભક્તો માટે ગર્ભગૃહના દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા છે. હવે સામાન્ય ભક્તો પણ મહાકાલના નજીકથી દર્શન કરી શકશે. મંદિરની વ્યવસ્થા સમિતિએ ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી આપતી જાહેરાત કરી છે.

માહિતી આપતાં મંદિર પ્રબંધન સમિતિએ જણાવ્યું હતું કે નવા વર્ષને કારણે મંદિરમાં આવનારા ભક્તોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. જેના કારણે 24મીએ ગર્ભગૃહમાં સામાન્ય ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન માત્ર પૂજારીઓ જ ગર્ભગૃહમાં પ્રવેશી શકતા હતા. પરંતુ હવે દર્શનાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયા બાદ ફરી એકવાર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ માટે ખોલવામાં આવ્યા છે. સામાન્ય મુલાકાતીઓ હવે મંદિરના ગર્ભગૃહમાં પહોંચીને બાબા મહાકાલના દર્શન કરી શકશે.

  • મંગળવારથી શુક્રવાર બપોરે 1:00 થી 4:00 અને સાંજે 6:00 થી 7:30 સુધી સામાન્ય ભક્તો વિનામૂલ્યે પ્રવેશ કરી શકશે
  • સવારે 6:00 થી બપોરે 1:00 અને સાંજે 6:00 થી 8:00 સુધી ભક્તો મંદિરના ગર્ભગૃહમાં પહોંચીને બાબા મહાકાલના દર્શન કરી શકશે
  • રૂપિયા 1500ની ટિકીટ લઈને ભક્તો ગર્ભગૃહમાં પ્રવેશી શકશે

મહાકાલ મંદિરના પ્રશાસક સંદીપ સોનીના જણાવ્યા અનુસાર પહેલાની જેમ જ વિશેષ દર્શન વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. તેમણે માહિતી આપી હતી કે પ્રવેશ સવારે 6:00 થી બપોરે 1:00 અને સાંજે 6:00 થી 8:00 સુધી ચાલુ રહેશે. શુક્રવારે ભક્તો 1500 રૂપિયાની ટિકિટ લઈને ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતા.

પ્રશાસક સંદીપ સોનીએ જણાવ્યું કે ગર્ભગૃહમાં પૂજા માટે બે વ્યવસ્થા હશે. પ્રથમ સામાન્ય ભક્તો માટે મફત છે અને બીજું વિશેષ દર્શન માટે ચૂકવવામાં આવે છે. પ્રશાસકના જણાવ્યા મુજબ શનિવાર, રવિવાર અને સોમવારે ભક્તોની સંખ્યા વધુ હોય છે, આ સ્થિતિમાં સામાન્ય ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. બાકીના દિવસોમાં એટલે કે મંગળવારથી શુક્રવાર બપોરે 1:00 થી 4:00 અને સાંજે 6:00 થી 7:30 સુધી સામાન્ય ભક્તો વિનામૂલ્યે પ્રવેશ કરી શકશે. આ દરમિયાન તેઓ અભિષેક પૂજા કરી શકશે નહીં. જો કે શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાને કારણે આ દિવસોમાં પણ વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. તેનો નિર્ણય શ્રદ્ધાળુ ભક્તોની ભીડ જોઈને છેલ્લી ઘડીએ લેવામાં આવશે. જોકે, હાલ તો ગર્ભગૃહના દ્વાર ખુલતા ભક્તો ખુશ છે. શુક્રવારે મોટી સંખ્યામાં ભક્તોએ ગર્ભગૃહમાં પ્રવેશ મેળવી મહાકાલના નજીકથી દર્શનનો લાભ લીધો હતો.

Most Popular

To Top