Business

સચિન GIDC ફરતે નવા ઉદ્યોગોની સંખ્યા અઢીગણી વધવા છતાં વીજ સુવિધા જૂની

સુરત: સુરત (Surat) શહેરને છેવાડે આવેલી સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) છેલ્લા એક દાયકામાં ઝડપી ઔદ્યોગિકરણ થતાં હવે એની આસપાસના વિસ્તારોમાં પણ ઉદ્યોગો સ્થપાયા છે. જીઆઇડીસીની ક્ષમતા કરતાં અઢી ગણા ઉદ્યોગો એની ફરતેના વિસ્તારોમાં સ્થપાવા સાથે વીજ સાધનો અને સુવિધાઓનું આધુનિકરણ નહીં થતાં જેટકો અને ડીજીવીસીએલના ઝાટકા મારતા વીજ સપ્લાયથી કમ્પ્યૂટરાઈઝ બેઝ નવી આધુનિક મશીનરીની સર્કિટ ઊડી જતી હોવાની ફરિયાદ ઊર્જા મંત્રી અને ઊર્જા નિગમને કરવામાં આવી છે.

સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના માજી પ્રમુખ નિલેશ ગામી અને માજી સેક્રેટરી મયૂર ગોળવાલાએ મોકલાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સચિન જીઆઈડીસીમાં તલંગપુર સબ સ્ટેશનમાંથી વીજપ્રવાહ આપવામાં આવે છે. આ વીજપ્રવાહનો ઉપયોગ સચિન જીઆઈડીસીના 2000 તેમજ લક્ષ્મીવિલા ટેક્સટાઈલ પાર્કના 1500, ડાયમંડ ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં 1000 એકમ કાર્યરત છે. છેલ્લાં 4-5 વર્ષમાં ટેક્સટાઈલ ઉદ્યોગ ખૂબ જ અપગ્રેડ થયો છે અને અપગ્રેડેડ ટેક્નોલોજીવાળી મશીનો બીજી જીઆઈડીસીઓની સરખામણીએ સચિન જીઆઈડીસીમાં મોટાપાયે સ્થપાઈ ચૂકી છે.

સચિન જીઆઈડીસીમાં થયેલા બદલાવના કારણે વીજપ્રવાહમાં પણ વધારો જરૂરી થઈ પડ્યો છે, ત્યારે આ વીજપ્રવાહને પહોંચી વળવા માટે આગોતરી દૃષ્ટિ રાખીને આ તમામ વ્યવસ્થાઓ ઊભી કરાવવી જોઈએ. જો કે, સચિન જીઆઈડીસીના હોદ્દેદારોની અણઆવડતના કારણે જેટકો તેમજ દ.ગુ વીજકંપની દ્વારા સમયસર અંગે યોગ્ય પગલાં નહીં લેવાતાં વીજ સમસ્યા કાયમી બની રહી છે. જીઆઇડીસી ફરતે નવા ટેક્સટાઈલ પાર્ક બન્યા પણ વીજ કંપની પાસે અપગ્રેડેશન મુજબનાં સાધનો નથી.

જીઆઇડીસીમાં ઉદ્યોગોના અપગ્રેડેશન મુજબ નવા ફીડર, ટ્રાન્સફોર્મર સહિતનાં સાધનો ખરીદવાની જરૂર છે. કચેરીમાં મોટા ભાગે ઈલેક્ટ્રિકલ સંશાધનો હાજર સ્ટોકમાં હોતાં નથી. ટેક્સટાઈલ ઉદ્યોગની હાલની પરિસ્થિતિ એવી છે કે, 100 જેટલાં ટ્રાન્સફોર્મર સ્થાપવાની જરૂર છે. એ માટે ઉદ્યોગકારોએ અંદાજિત 80થી 90 કરોડ રૂપિયા ડી.જી.વી.સી.એલ.માં જમા કરાવી દીધા છે. પરંતુ ડી.જી.વી.સી.એલ.ની સચિન સબ ડિવિઝન કચેરી–1 પાસે જરૂરિયાત મુજબનાં ઈલેક્ટ્રિકલ સંશાધનો જેમ કે, 500, 200 અને 100 કેવીનાં ટ્રાન્સફોર્મર, ડોક કંડક્ટર, વી ક્રોસ, સી ક્લેમ, નટ બોલ્ટ, ગાયપેડ (સ્ટે ક્લેમ્પ), ચેનલ, એંગલ, 55 એમએમનો કંડક્ટ૨ વાયર અને 1500 એમએમ, 70 એમ.એમ., 50 એમ.એમ., 16 એમ.એમ. સહિત અલગ અલગ કેપસિટીના કેબલ, જુદી જુદી કેપેસિટીનાં થ્રી ફેઈઝ મીટરો સહિતનાં સાધનો ઉપલબ્ધ નથી. આ સાધનો ત્વરિત સરકારે પૂરાં પાડવા જોઈએ.

Most Popular

To Top