Vadodara

ખાડોદરામાં ભ્રષ્ટાચારના રોડ બન્યા

વડોદરા: શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ગ્રીન સિટી અને સ્માર્ટ સિટી બનાવવા માટે હાથ ધરાયેલી કવાયત નાગરિકો માટે આફત સમાન બની છે.સ્માર્ટ સિટીની કામગીરી અંતર્ગત વડોદરામાં ઠેર-ઠેર પડેલા ખાડાના કારણે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલીભગતની પોલ ઉઘાડી પડી ગઈ છે. વડોદરામાં હજી જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી.ત્યારે ગત વર્ષની હાડમારીમાંથી પણ સ્માર્ટ સિટીની કામગીરી સંભાળતી એજન્સી કે સત્તાધિશોએ કોઈ બોધ પાઠ લીધો ન હોય તેમ આ ચોમાસામાં સ્માર્ટ સિટીનું સપનું ખાડે ગયું હોય તેવા દૃશ્યો ઠેર-ઠેર સર્જાયા છે.વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે.ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થયું હોવા તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.જેને લઈ પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે.

શહેરમાં પ્રિમોન્સૂન કામગીરીની તંત્રની પોલી ખુલ્લી પડી ગઈ છે.માત્ર સામાન્ય વરસાદ બાદ શહેરમાં અનેક રસ્તાઓ ઉબડખાબડ જોવા મળી રહ્યા છે. નાગરિકો અધિકારી અને કોન્ટ્રાક્ટરો સામે પગલા ભરવાની માંગ કરી રહ્યા છે.લોકો કહી રહ્યાં છે કે સ્માર્ટસિટીના સપના દેખાડતું તંત્ર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરે.રસ્તાઓ પર ખાડા પડી જતા વાહનચાલકો પરેશાન છે.સ્માર્ટ સિટી વડોદરામાં રસ્તાઓ ધોવાઇ જતા કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે.ખાડા પૂરવામાં ઘોર બેદરકારીના કારણે જીવલેણ અકસ્માતોની ભીતિ સર્જાઈ છે.

સંબંધિત એજન્સી દ્વારા માટીના પુરાણમાં બેદરકારીના કારણે ખાડાઓ સર્જાતા હોવાનું જગજાહેર છે.પરંતુ સ્માર્ટ સિટીના સત્તાધિશો દ્વારા કંપની સામે કોઈ કાર્યવાહી થતી નથી.આવી એજન્સીઓની બેદરકારી ઉપરાંત તંત્રનો ભ્રષ્ટાચાર પણ જવાબદાર હોવાની શક્યતા છે.ધોધમાર વરસાદને કારણે વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ઠેર-ઠેર ભૂવા અને ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.વાહનચાલકો અકસ્માતની દહેશત વચ્ચે અવરજવર કરવા મજબુર બન્યા છે.પરંતુ તંત્ર ભર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

કમરતોડ વેરો ભરતા હોવા છતાં લોકોને રોડ રસ્તાની યોગ્ય સુવિધા નહીં મળતા રોષ
શહેરના મોટનાથ મંદિર અને ન્યુ સમા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં માર્ગ પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે.આ વિસ્તારમાં ઘણી શાળાઓ પણ આવેલી છે.બાળકોના વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કમર તોડ વેરો ભરતા હોવા છતાં પણ લોકોને રોડ રસ્તાની યોગ્ય સુવિધા નહીં મળતા છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

વાઘોડિયા ચેકપોસ્ટ સામે ગટરના ખુલ્લા મેન હોલમાં એક યુવક ગરકાવ થયો હતો
વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં ખાડો કરીને તેને પુરવાની સાથે તેની ફરતે આડાશ કરવાનું ભુલી જતા અગાઉ રીક્ષા અને બાઇક ચાલક તેમાં ખાબક્યો હતો.આ ઘટના બાદ પણ પાલિકાનું તંત્ર કંઇ શીખ્યુ ન હોવાનું સામે આવ્યું છે.ગતરાત્રે વૃંદાવનથી વાઘોડિયા તરફ જતા વાઘોડિયા ચેકપોસ્ટ સામે ગટરના ખુલ્લા મેન હોલમાં રોડ ક્રોસ કરવા જતા એક યુવક ગરકાવ થયો હતો.જોકે ઘટનાએ લઈ આસપાસના લોકો એકત્ર થયા હતા અને યુવકને બહાર કાઢ્યો હતો.નોંધનીય છે કે શહેરમાં હજીએ આવી કેટલી ખુલ્લી ગટરો છે જે લોકોના જીવને જોખમ ઉભું કરી શકે તેમ છે.પરંતુ તંત્ર આવી જોખમી ખુલ્લી ગટરો પર ઢાંકણ કે તેને કોર્ડન કરવાની તસ્દી પણ લેતું નથી.

Most Popular

To Top